રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા હોસ્પિટલોમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન સેવામાં અર્પણ કરાયા

0
70
કોરોના મહામારીમાં ઠેરઠેર દર્દીઓ વધતા રહે છે, જ્યાં ત્યાં દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત પડતી હોય પરંતુ જરૂરિયાત સંતોષાતી ન હોય ત્યારે બીએપીએસ સંસ્થા દ્વારા તાકીદે ઓક્સિજન મળી રહે તે માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન શહેરની જુદી જુદી હોસ્પિટલોને સેવામાં આપવામાં આવ્યા હતા. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ઠાકોરજીના સાનિધ્યમાં પૂ. બ્રહ્મતીર્થ સ્વામી, પૂ. અપૂર્વમુનિ સ્વામી અને પૂ. વિશ્વેશતીર્થ સ્વામી દ્વારા પૂજનવિધિ અને પ્રાર્થના કરાયા બાદ કાર્યકરો દ્વારા જલારામ હોસ્પિટલ, સાર્થક હોસ્પિટલ, રોલેક્સ એસ.એન.કે સેન્ટર, આયુષ્યમાન હોસ્પિટલ અને કાનાબાર હોસ્પિટલને ઓક્સિજન કોન્સનટ્રેટર મશીન અર્પણ કરાયા હતા.  બીએપીએસ સંસ્થા સમાજના દરેક કાર્યોમાં અગ્રેસર ભૂમિકા ભજવે છે. બીએપીએસ સંસ્થા સદાવ્રત, શૈક્ષણિક, સામાજીક, ધાર્મિક સહિતના સમાજ ઉદ્ધારકનું કાર્ય કરે છે. કોરોના મહામારીના આ કપરા કાળમાં સમાજની સાથે રહેવાનું કાર્ય પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદ થકી ભારત સહિત અનેક જગ્યાએ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉન સમયે પણ સંસ્થા દ્વારા શાકભાજી, અનાજ, દવા સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

કોરોનાના આ કપરા કાળમાં માનવજાતને મદદરૂપ થવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંતોના માર્ગદર્શન નીચે એકત્રિત થઈ રાજકોટના ઉદ્યોગકારો, બિલ્ડરો, વેપારીઓ અને ડોક્ટરોએ સાથે મળીને ઓક્સિજનની સુવિધા સાથેના અને નિઃશુલ્ક સારવાર આપનારા ૨૦૦ બેડના રોલેક્ષ એસ.એન.કે. કોવિડ સેન્ટરના દર્દીઓ તથા સ્ટાફ માટે મંદિર તરફથી ત્રણે સમયનું શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવવાની સેવા પૂજ્ય સંતો અને કાર્યકરો ભક્તિભાવથી બજાવી રહ્યા છે. મંદિર દ્વારા ત્રણે સમયનું ભોજન સૌ પ્રથમ ભગવાનને ધરાવીને ત્યારબાદ પ્રસાદ સ્વરૂપે તમામ દર્દીઓને મોકલવામાં આવે છે. તમામ દર્દીઓ વહેલી તકે સાજા થઈ જાય તે માટે મંદિરે પૂજ્ય સંતો દ્વારા શ્રી નીલકંઠવર્ણી મહારાજનો નિત્ય અભિષેક અને વૈદિક મહાપૂજા કરવામાં આવે છે.

કોરોનાની બિમારીમાં દર્દીઓનું મનોબળ જળવાઈ રહે અને હકારાત્મક અભિગમ સાથે સારવાર લઈ શકે તે માટે હોસ્પિટલમાં સવાર-સાંજ આરતી, પ્રાર્થના, ભજન અને પૂજ્ય સંતોના બળસભર પ્રવચન દ્વારા તેઓને આધ્યાત્મિક ઊર્જા આપવામાં આવે છે.

હાલના સમયે મંદિરે કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી અને મંદિરના તમામ સંતો દ્વારા કોરોનાના દર્દીઓ વહેલી તકે સ્વસ્થ અને નીરોગી થાય તથા વહેલી તકે સમાજ અને દેશ કોરોના મુક્ત બને તેવી દરરોજ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here