ભાજપના નેતાએ યુવતી પર બળાત્કાર કરી ગર્ભવતી બનાવી દીધી

0
211

છોટાઉદેપુર શહેર મહામંત્રી અને નગરપાલિકા પૂર્વ સભ્ય મહેન્દ્રસિંહ ઉર્ફે મહેશ રણવીરસિંહ અંબાલીયાએ એક યુવતી પર દુષ્કર્મ ગુજારી યુવતીને ગર્ભવતી બનાવ્યા બાદ તરછોડી દેતા યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

એક બાળકની માતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે સાત વર્ષ પહેલાં રાજપૂત ફળિયામાં રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે મહેશ રણવીરસિંહ અંબાલીયાએ મારા મોબાઈલ ઉપર અવાર નવાર ફોન કરી મને પ્રપોઝ કરતા મેં હા પાડી હતી અને બાદમાં મને લગ્નની લાલચ આપી મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

મહેન્દ્રએ સમાજની છોકરી સાથે લગ્ન કરી લીધા હતા અને મારી સાથે ઝઘડો કરી હું તારી સાથે લગ્ન કરવાનો નથી હું ભાજપમાં મોટો હોદ્દો ધરાવું છું તું મને બદનામ કરવા માટે આ બધું કરે છે તેવા આક્ષેપો કરતા મને લાગી આવતા જે તે વખતે ઝેરી દવા પી લીધી હતી. આ અંગે જેતે વખતે પોલીસ સ્ટેશને અમોએ ફરિયાદ પણ આપી હતી.

યુવતીએ ફરિયાદમાં વધુ જણાવ્યું છે કે આ બાબતનો કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા મહેન્દ્રસિંહ ઉર્ફે મહેશ રણવીરસિંહ અંબાલીયાએ મને ફરીથી વિશ્વાસમાં લઇ ભલે મેં લગ્ન કરી લીધા હોય હું તને રાખીશ તેમ જણાવી સમાધાન કરી તેના કહ્યા મુજબ કોર્ટમાં જુબાની આપી કેસ પતાવી દીધો હતો.

થોડા સમય પછી અમો એકબીજાની મરજીથી ફરી મળતા ત્યારે તે મારું શારીરિક શોષણ કરતો હતો. મહેન્દ્ર સાથેના સંબંધોના કારણે મને ગર્ભ રહેતા મારી સાથે બોલવાનું બંધ કરી દીધું હતું અને ગર્ભ પડાવવા ધાકધમકી આપતો હતો.

છોટાઉદેપુર ખાતે ડિલિવરી થતા મને અને મારા બાળકને સ્વિકારવાની ના પાડી અમને બંનેને તરછોડી દીધા છે તેમ બાળકની માતાએ ફરિયાદમાં જણાવ્યું છે. આ અંગે પોલીસે આઇપીસી કલમ ૩૭૬, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here