આંતરરાષ્ટ્રીય પ્રવાસીવિમાન પરનો પ્રતિબંધ

0
11
કોરોના વાઈરસની મહામારીને પગલે આંતરરાષ્ટ્રીય પ્રવાસીવિમાન પર મૂકવામાં આવેલો પ્રતિબંધ ૩૦ જૂન સુધી લંબાવવામાં આવ્યો હોવાનું ઉડ્ડયન નિયામક ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ ઍવિયેશન (ડીજીસીએ)એ શુક્રવારે કહ્યું હતું.

જોકે, સંજોગોને આધારે સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા પસંદગીના માર્ગ પર અમુક આંતરરાષ્ટ્રીય પ્રવાસીવિમાનને પરવાનગી આપવામાં આવે એવી શક્યતા છે, એમ ડીજીસીએએ કહ્યું હતું.

કોરોના વાઈરસની મહામારીને પગલે ૨૩ માર્ચ ૨૦૨૦ના રોજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીવિમાન સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ મે ૨૦૨૦થી વંદે ભારત મિશન અને પસંદગીના દેશો સાથે દ્વિપક્ષી ‘ઍર બબલ’ વ્યવસ્થા અંતર્ગત વિશેષ આંતરરાષ્ટ્રીય વિમાનસેવા કાર્યરત હતી.

અમેરિકા, યુએઈ, કેન્યા, ભૂતાન અને ફ્રાન્સ સહિત વિશ્ર્વના ૨૭ દેશ સાથે ભારતે ‘ઍર બબલ’ કરાર કર્યા હતા.

બે દેશ વચ્ચેના આ વિશેષ કરાર અંતર્ગત જે તે દેશની ઍરલાઈન્સ તેમના પ્રદેશમાં વિશેષ વિમાનસેવા કાર્યરત રાખી શકે છે.

ડીજીસીએ દ્વારા શુક્રવારે બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા અનુસાર આ પ્રતિબંધની તમામ આંતરરાષ્ટ્રીય કાર્ગો સેવા અને વિશેષ મંજૂરી આપવામાં આવી હોય તેવી વિમાનસેવા પર કોઈ અસર નહીં પડે.

દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો હોવા વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ડીજીસીએએ કહ્યું હતું. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here