કોરોનાની બીજી લહેર માટે વડા પ્રધાન જવાબદાર

0
31કોરોના મહામારીને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિને અયોગ્ય રીતે હાથ ધરવાને મામલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોરોનાની બીજી લહેર માટે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર લેખાવ્યા હતા અને ચેતવણી આપી હતી કે જો હાલના દરે જ રસીકરણ ચાલશે તો આવનારા દિવસોમાં કોરોનાની બીજી, ત્રીજી એમ અનેક લહેર આવશે.

દેશના તમામ નાગરિકોના રસીકરણ માટેની નીતિ ઘડી કાઢવાની હાકલ કરતા રાહુલે કહ્યું હતું કે ભારત વિશ્ર્વની રસીકરણની રાજધાની છે.

અત્યાર સુધીમાં દેશના માત્ર ત્રણ જ ટકા નાગરિકોને રસી આપી શકાઈ હોવાને કારણે આવનારાં દિવસોમાં કોરોનાની મહામારી વકરી શકે છે, એમ તેમણે કહ્યું હતું.

વીડિયો કૉન્ફરન્સ મારફતે પત્રકાર પરિષદને સંબોધન કરતા રાહુલે ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઈવેન્ટ મૅનેજર લેખાવ્યા હતા અને કહ્યું હતું કે આ જ સમય છે કે મોદીએ નેતા તરીકે આગળ આવવું જોઈએ અને દર્શાવી દેવું જોઈએ કે તેઓ દેશના તમામ નાગરિકો માટે કોરોનાની રસીની વ્યવસ્થા કરી શકે છે.

જો ભારતમાં અત્યાર સુધીમાં ૫૦થી ૬૦ ટકા લોકોનું રસીકરણ થઈ ગયું હોત તો કોરોનાની ત્રીજી, ચોથી કે પાંચમી લહેર આવવાની શક્યતા જ ન રહેત, એમ તેમણે કહ્યું હતું.

સમસ્યા એ છે કે સરકાર પાસે કોરોનાની મહામારીને અંકુશમાં લેવા કોઈ ચોક્કસ વ્યૂહ કે નીતિ જ નથી એમ જણાવતાં રાહુલે કહ્યું હતું કે વડા પ્રધાન વ્યૂહાત્મક રીતે વિચારતા જ નથી. (એજન્સી)LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here