પ્રધાનમંત્રીએ ચક્રવાત યાસની અસરની સમીક્ષા કરવા એક બેઠક યોજી

0
39
વાત્સલ્યમ્ સમાચાર રિપોર્ટ ભરતસિંહ ઠાકોર

ચક્રવાત યાસમાં રાહત અને બચાવની કામગીરી કરવા એનડીઆરએફની 106 ટીમો ઉતારવામાં આવી હતી

વહેલામાં વહેલી તકે સાધારણ જીવન પુનઃસ્થાપિત થાય એ સુનિશ્ચિત કરોઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચક્રવાત યાસની અસરની સમીક્ષા કરવા એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં અધિકારીઓએ તૈયારીના વિવિધ પાસાં, નુકસાનની આકારણી અને સંબંધિત બાબતો પર વિગતવાર પ્રેઝન્ટેશન કર્યું હતું.

આ બેઠકમાં ચર્ચા થઈ હતી કે, એનડીઆરએફએ આશરે 106 ટીમો કામે લગાવી છે, જેમાંથી 46-46 ટીમો પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તૈનાત કરવામાં આવી હતી. આ ટુકડીઓએ 1000થી વધારે લોકોને બચાવ્યાં હતાં અને માર્ગો પર તૂટીને પડી ગયેલા 2500થી વધારે વૃક્ષો/થાંભલા દૂર કર્યા હતા. જયારે સંરક્ષણ દળો – સેના અને તટરક્ષક દળોએ પણ નિઃસહાય લોકોને મદદ કરી હતી, ત્યારે નૌકાદળ અને વાયુદળે સતત નજર રાખી હતી

રાજ્યો ચક્રવાત યાસ પછી નુકસાનની આકારણી કરી રહ્યાં છે, છતાં પ્રાપ્ત પ્રાથમિક અહેવાલો પરથી એવું જણાય છે કે, સચોટ આગાહીને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો સાથે અસરકારક રીતે સંચાર થયો હતો તથા રાજ્ય અને કેન્દ્ર સરકારોની સંસ્થાઓએ ઓછામાં ઓછી જાનહાનિ થાય એ સુનિશ્ચિત કરવા સમયસર લોકોનું સ્થળાંતરણ કર્યું હતું. સાથે સાથે વરસાદને કારણે નુકસાન થયું છે, જેની આકારણી ચાલી રહી છે. મોટા ભાગના અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ અને ટેલીકોમ સેવાઓનો પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીએ ચક્રવાતને કારણે ઊભા થયેલા પડકારજનક સ્થિતિસંજોગોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સંસ્થાઓએ ભજવેલી અસરકારક અને સક્રિય ભૂમિકાઓની નોંધ લીધી હતી તથા સંસ્થાઓને એ સુનિશ્ચિત કરવાની સલાહ આપી હતી કે, વહેલામાં વહેલી તકે અસરગ્રસ્ત વિસ્તારોમાં સામાન્ય જનજીવન પુનઃસ્થાપિત થાય અને ચક્રવાતને કારણે અસર પામેલી વ્યક્તિઓને ઉચિત રીતે રાહતની વહેંચણી થાય.

આ બેઠકમાં પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, કેબિનેટ સચિવ, ગૃહ સચિવ, વીજ સચિવ, ટેલીકોમ સચિવ તથા આઇએમડીના ડીજી તથા અન્ય મહત્વપૂર્ણ અધિકારીઓ સહભાગી થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here