રાજ્યમાં લૉકડાઉનમાં ૧૫ દિવસનો વધારો

0
61




મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યમાં બ્રેક ધ ચેન હેઠળ લાદવામાં આવેલા નિયંત્રણોને પહેલી જૂનના સવારે સાત વાગ્યાથી લંબાવીને ૧૫ જૂન સવારે સાત વાગ્યા સુધી લંબાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્ય સરકારે એક મહત્ત્વના નિર્ણય લેતાં આખા રાજ્ય માટે નિયંત્રણો લાગુ કરવાને બદલે જે-તે મહાનગરપાલિકા વિસ્તાર અને જિલ્લામાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિને આધારે નિર્ણય લેવાની છૂટ આપવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં નિયંત્રણો સંબંધી નિર્ણય લેવા માટે ૨૯મી મેના રોજ સપ્તાહાંતે રહેલા પોઝિટિવિટી દર અને જે-તે પાલિકા/જિલ્લામાં ઉપલબ્ધ ઓક્સિજનને ધ્યાનમાં લેવામાં આવશે..

૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતી મહાનગરપાલિકા જેમ કે બૃહન્મુંબઈ, નવી મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી, વસઈ-વિરાર, પુણે, પિંપરી-ચિંચવડ, નાગપુર, ઔરંગાબાદ, નાશિકને કોરોનાનો રોગચાળો રોકવા માટેના સ્વતંત્ર પ્રશાસકીય ઘટક તરીકે માન્યતા આપવામાં આવી છે. આ પાલિકાને બાદ કરતાં જિલ્લાના બાકીના વિસ્તાર અલગ પ્રશાસકીય ઘટક રહેશે.

જે જિલ્લામાં પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી ઓછો હશે અને ઉપલબ્ધ ઓક્સિજન બેડ્સમાંથી ૪૦ ટકા કરતાં ઓછા બેડ ભરેલા હશે તે વિસ્તારોમાં જીવનાવશ્યક સામગ્રીની દુકાનો સવારે સાતથી અગિયારને બદલે હવે સવારે સાતથી બપોરે બે વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે. નોન-એસેન્શિયલ દુકાનો (મોલ્સ કે શોપિંગ સેન્ટર નહીં)ને ખુલ્લી રાખવા અંગે સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ નિર્ણય લેશે. જોકે આ દુકાનો વધુમાં વધુ સાતથી બે સુધી અને શનિ-રવિ બંધ રાખવાની રહેશે. આ વિસ્તારોમાં ઈ-ટેઈલર્સને નોન-એસેન્શિયલ વસ્તુનું વેચાણ કરવાની છૂટ આપવામાં આવશે.

બપોરે ૩ વાગ્યા પછી આવા વિસ્તારોમાં અવરજવર કરવા પર પ્રતિબંધો લાગુ રહેશે. ફક્ત તબીબી અને તાકીદની સેવા સાથે સંકળાયેલા લોકોને જ અવરજવરની છૂટ રહેશે.

જે પાલિકા/જિલ્લામાં પોઝિટિવિટી રેટ ૨૦ ટકા કરતાં વધારે હોય અને કુલ ઑક્સિજન બેડ્સમાંથી ૭૫ ટકા કરતાં વધુ બેડ્સ ફૂલ હશે તેવા વિસ્તારોની સરહદો સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે. આ જિલ્લાની સીમા બંધ કરી દેવામાં આવશે અને લોકોને અંદર આવવાની કે બહાર જવાની પરવાનગી મળશે નહીં. ફક્ત કુટુંબમાં આવેલા મૃત્યુ, તબીબી કારણો, જીવનાવશ્યક તેમ જ કોવિડ-૧૯ની સેવા સાથે સંકળાયેલા લોકોને જ અવરજવરની પરવાનગી આપવામાં આવશે.

ઉપરોક્ત બંને પ્રશાસકીય ઘટકોમાં ન આવતા બધા જિલ્લા/પાલિકામાં અત્યારે ચાલી રહેલા નિયંત્રણો ચાલુ રહેશે. દુકાનોને કરવામાં આવતા પુરવઠા પર કોઈ નિયંત્રણો રહેશે નહીં, પરંતુ દુકાનોને નિર્ધારિત સમય પછી વેચાણ કરવાની પરવાનગી રહેશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here