પેટ્રોલનો ભાવ વધીને ૧૦૦.૪૭ થયો

0
23
મુંબઇમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૦.૪૭ થયો

દિલ્હી: વિશ્ર્વબજારની રાહે દેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અને સોમવારે મુંબઇમાં પેટ્રોલનો ભાવ વધીને રૂ. ૧૦૦.૪૭ અને ડીઝલનો ભાવ વધીને રૂ. ૯૨.૪૫ થયો હતો.

તેલ કંપનીઓ દ્વારા સોમવારે પેટ્રોલના ભાવમાં લિટરદીઠ ૨૯ પૈસા અને ડીઝલના ભાવમાં લિટરદીઠ ૨૬ પૈસાનો વધારો જાહેર કરાયો હતો.

રાજસ્થાનમાં અમુક ઠેકાણે ડીઝલનો ભાવ વધીને રૂ. ૯૮ કે એથી વધારો થયો હતો.

દેશમાં સૌથી વધુ પેટ્રોલ અને ડીઝલના ભાવ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં છે. શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ સોમવારે વધીને લિટરદીઠ રૂ. ૧૦૫.૨૪ અને ડીઝલનો ભાવ વધીને રૂ. ૯૮.૦૮ થયો હતો.

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટરદીઠ વધીને રૂ. ૯૪.૨૩ અને ડીઝલનો ભાવ વધીને રૂ. ૮૫.૧૫ થયો હતો.

દેશમાં પેટ્રોલ પર સૌથી વધુ વૅલ્યુ ઍડેડ ટૅક્સ (વેટ) રાજસ્થાન લાદે છે અને ત્યાર બાદ પેટ્રોલ પર સૌથી વધુ વેટ લાદનાર બીજા અને ત્રીજા ક્રમે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રનો નંબર આવે છે.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રનાં મુંબઇ સહિતના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦થી વધારે છે. મુંબઇમાં પણ પેટ્રોલનો ભાવ ૨૯મી મેએ રૂ. ૧૦૦થી વધ્યો હતો.

આ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સોમવારે ૧૬મી વખત વધારો કરાયો હતો. આ મહિનામાં બંને બળતણના ભાવમાં ૧૬ વખત થયેલા ભાવવધારામાં પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર રૂ. ૩.૮૩ અને ડીઝલના ભાવમાં રૂ. ૪.૪૨નો વધારો કરવામાં આવ્યો હતો.

દરેક રાજ્યના સ્થાનિક કર (વેટ)માં તફાવત હોવાને કારણે પેટ્રોલ અને ડીઝલનો ભાવ દેશના દરેક રાજ્યમાં જુદો હોય છે.

સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લી. (આઇઓસી), ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ. (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ. (એચપીસીએલ) દ્વારા આંતરરાષ્ટ્રીય બજારો પ્રમાણે ભાવમાં રોજ વધઘટ થતી રહે છે. (પીટીઆઇ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here