મોરબી જિલ્લા પંચાયતના નૂતન ભવનનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે ઇ-લોકાર્પણ

0
45




લોકોનો વિશ્વાસ વધે અને કર્મચારીઓ ‘કર્મયોગી’ બને એવું મોરબી જિલ્લાપંચાયતનું નૂતન ભવન વિકાસનો ધોધ વહેવડાવનારું ભવન બની રહેશેસરકારી કચેરીઓ કોર્પોરેટ બિલ્ડિંગો કરતાં સુવિધાસભર અને આધુનિક હોય એ દિશામાં ગુજરાત મોડેલ સ્ટેટ બની રહ્યું છે મોરબી જિલ્લા પંચાયતના અદ્યતન-નૂતન ભવનનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇ-લોકાર્પણ કર્યું હતું. મોરબી જિલ્લાના ૧૦ લાખ લોકોના હિત માટેની યોજનાઓનો જ્યાંથી અમલ કરાશે એવા મોરબી જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કહ્યું હતું કે, લોકોનો સરકાર પ્રતિ વિશ્વાસ વધે અને કર્મચારીઓ સ્ફૂર્તિથી ફરજ બજાવીને સાચા અર્થમાં કર્મયોગીઓ બને એવું આ સુવિધાસભર ભવન રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ લોકો સુધી પહોંચાડીને વિકાસનો ધોધ વહેવડાવનારું ભવન બની રહેશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે, ગાંધીજીની કલ્પનાના પંચાયતી રાજ્ય વ્યવસ્થાના અસરકાર અમલથી ગુજરાતે સમગ્ર દેશને નવો રાહ બતાવ્યો છે. સત્તાનું–પાવરનું વિકેન્દ્રિકરણ એ આજના યુગની આવશ્યકતા છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્રના નાણા સીધા જ ગ્રામ પંચાયતોને આપીને ગ્રામપંચાયતોને પોતાના વિકાસ સ્વયં કરવાની સત્તા અને તક આપી છે. લોકો પોતાનો ઇચ્છિત વિકાસ જાતે કરી શકે તેવી નેમ સાથે રાજ્ય સરકારે પણ ગ્રામપંચાયતને વધુ અધિકારો સાથે સક્ષમ કરી છે. જિલ્લા પંચાયતો લોકશાહીનું સારી રીતે જતન કરે અને માર્ગદર્શક સિદ્ધાંતોનું સારી રીતે પાલન કરે પરિણામે વ્યવસ્થિત વિકાસ થાય એ હેતુથી પંચાયતોને સ્વંતત્રતા આપવામાં આવી છે.

 

વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, જિલ્લા પંચાયતો સહિત સરકારી કચેરીઓના ભવનો સુવિધાસભર હોય અને કોર્પોરેટ બિલ્ડિંગો કરતાં પણ ગુજરાત સરકારની કચેરીઓના ભવનો આધુનિક હોય એ દિશામાં ગુજરાત મોડેલ સ્ટેટ બની રહ્યું છે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે, પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે. પરંતુ કોરોના સામે સાવચેત રહેવાની આવશ્યકતા છે. તજજ્ઞો ત્રીજા વેવની સંભાવના વિષે કહી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લો પણ સજાગ અને સાવધાન રહે એવો તેમણે અનુરોધ કર્યો હતો.

‘મારૂ ગામ કોરોનામુક્ત ગામ’નો ઉમદા વિચાર મોરબી જિલ્લાએ આખા રાજ્યને આપ્યો છે, એમ કહીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે, કોરોનાના કેસો ખૂબ જ વધારે હતા ત્યારે મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન અહીંના યુવાનોના ગામડાઓને સુરક્ષિત રાખવાના પ્રયત્નોની જાણકારી મળી હતી. મોરબી જિલ્લાની આ પ્રેરણાદાયી પહેલનો આખા રાજ્યમાં સારી રીતે અમલ થઇ શક્યો આ માટે તેમણે મોરબી જિલ્લાને અભિનંદન આપ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, મોરબી જિલ્લો હંમેશા પડકારોને પોંખીને આગળ વધ્યો છે. રાજાશાહી યુગમાં પણ ‘પેરિસ’ કહેવાતું મોરબી આજે ઘડિયાળ, ટાઇલ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને નળિયા ઉત્પાદનને કારણે ઔદ્યોગિક રીતે અગ્રેસર છે. મોરબી આજ રીતે વિકાસશીલ અને આધુનિક બની રહે એવી શુભકામનાઓ વિજયભાઇ રૂપાણીએ આપી હતી. તેમણે રૂ. ૨૭.૪૬ કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લાપંચાયતના ભવન માટે જિલ્લા પ્રશાસનને અભિનંદન પાઠવ્યા હતા. પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરાએ ૨૭ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ અધ્યતન બિલ્ડીંગ ફાળવવા બદલ રાજ્ય સરકાર પ્રત્યે આ તકે આભાર વ્યક્ત કરી લોકોને સારામાં સારી સુવિધા મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું પણ તેમણે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું.

સમારોહના આરંભે પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એ. કે. રાકેશે સ્વાગત ઉદ્દબોધનમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર જિલ્લાપંચાયતોના ભવનના નિર્માણ માટે રૂ. ૨૯ કરોડ અને તાલુકાપંચાયતના ભવન નિર્માણ માટે રૂ. ૨.૫ કરોડ જેટલી માતબર રકમનું અનુદાન આપે છે. એટલું જ નહી ગ્રામપંચાયતોને નવા મકાનના બાંધકામ માટે વસતીના ધોરણે અનુદાન આપવામાં આવી રહ્યું છે. અત્યારે ગુજરાતમાં ૯૨ તાલુકા પંચાયતોના નવા ભવનોનું નિર્માણ થઈ ગયું છે અને ૨,૨૨૭ ગ્રામપંચાયતોના નવા ભવનો બંધાયા છે જ્યારે ૧,૦૦૭ ગ્રામ પંચાયતોના નવા ભવનોના નિર્માણની કામગીરી પ્રગતિમાં છે. ઇ-લોકાર્પણ પ્રસંગ બાદ પંચાયત ભવન ખાતે સૌ ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં તકતી અનાવરણ, મંત્રોચ્ચાર તેમજ શ્રીફળ વધેરીને પંચાયત ભવનના મંગલ પ્રવેશ કરવામાં આવ્યો હતો.વિકાસ કમિશનર નલીનભાઇ ઉપાધ્યાય દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં મોરબી ખાતે સાંસદ મોહનભાઇ કુંડારિયા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, સાંસદ વિનોદભાઈ ચાવડા, સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય પરસોતમ સાબરીયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, કલેકટર જે.બી. પટેલ, ડીડીઓ પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા, અધિક કલેક્ટર કેતન પી. જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, અજયભાઇ લોરિયા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here