મોરબી અને વાકાંનેરમાં બસ સ્ટેશનનું ખાતમૂહુર્ત કરાયું

0
36
મોરબીની જનતા માટે વિકાસનું વધુ એક મોરપિચ્છ ઉમેરાશે મોરબીનું નવુ બસ સ્ટેશન હવે નિર્માણ પામશે અત્યાધુનિક સુવિધાઓ સાથેનું બસ પોર્ટ

મોરબીમાં ૫.૫ કરોડના ખર્ચે તૈયાર થનાર બસ પોર્ટનું ખાતમૂહુર્ત ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલની ઉપસ્થિતિમાં સંપન્ન વાકાંનેર ખાતે ૪.૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં બસ સ્ટેશનનું ખાતમૂહુર્ત કરાયું

ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યના વિવિધ બસ સ્ટેશન તેમજ વર્ક સ્ટેશનનું ઇ-ખાતમૂહુર્ત તેમજ ઇ-લોકાર્પણ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયો હતો. જેમાં મોરબી અને વાકાંનેરના બસ સ્ટેશનનું ખાતમૂહુર્તનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

મોરબી બસ સ્ટેશન ખાતે શુક્રવારે સવારે ૫.૫ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણ પામનાર બસ પોર્ટનું ખાતમૂહુર્ત ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલની ઉપસ્થિતિમાં તેમજ ૪.૫ કરડોના ખર્ચે નવનિર્માણ પામનાર વાકાંનેર બસ સ્ટેશનનું ખાતમૂહુર્ત પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે સંપન્ન કરવામાં આવ્યું હતું.

મોરબી ખાતે ખાતમૂહુર્ત વિધિ સંપન્ન થયા બાદ યોજાયેલ સમારંભમાં ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારે મોરબી જિલ્લાને અનેક પ્રોજેક્ટ હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરી છે. સરકાર જે વચન આપે છે તેને પૂરા પણ કરે છે. વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. સરકાર પ્રજાની અપેક્ષા પ્રમાણે આગળ વધી રહી છે.

વધુમાં ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં એસ.ટી. નિગમ સાડા આઠ હજાર એસ.ટી. બસોના માધ્યમથી ૨૫ લાખથી વધુ લોકો બસની મુસાફરી કરાવે છે. શહેરથી ગામડા અને ગામડાથી શહેરને જોડતી કડી એટલે એસ.ટી. બસ છે. એટલું જ નહીં મુસાફરોની સુવિધાને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ૧૦૦૦ જેટલી નવી બસોનો ઉમેરો પણ કરવામાં આવે છે. 

હાલમાં જ રાજ્યમાં કુદરતી પ્રકોપ સમાન વાવાઝોડાનો પણ સામનો કર્યો. તેમાં પણ રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૧૦ હજારથી વધુ વીજથાંભલાઓ મોકલીને વીજ પૂરવઠો ચાલુ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ખેડૂતોની ચાલુ સીઝનમાં કોઇ પણ પ્રકારનું વિઘ્ન ઊભુ ન થાય તે માટે રાજ્ય સરકારે સતત ચિંતા કરી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા વાવાઝોડા અસરગ્રસ્ત લોકો માટે વિવિધ પ્રકારના પેકેજોની જાહેરાત કરી તેની સહાય પણ ચૂકતે કરી દેવામાં આવી હોવાનું ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું

કોરોના જેવા કપરા કાળમાં રસીકરણ અભિયાન પણ પૂરવેગમાં ચાલી રહ્યું છે ત્યારે યુવાનો સહિત તમામ લોકો રસીકરણ અભિયાનમાં જોડાય અને લોકોને આગ્રહ કરીને પણ રસી લેવડાવવા પર ભાર મુક્યો હતો. વધુમાં મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાથી રાહત મેળવવા માટે રસીકરણ પ્રથમ પગથીયું છે.

આ પ્રંસગે મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લા માટે આનંદનો અવસર છે. મુસાફર જનતા માટે અહોભાગ્ય છે કે મોરબીમાં અત્યાધુનિક સુવિધાઓ સાથે નવા બસ સ્ટેશનનું નિર્માણ પામશે. રાજ્ય સરકારે છેલ્લા છ મહિનમાં ૫૫૦ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી હોવાનું જણાવી ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરી મોરબીને જોડતા રોડ-રસ્તા સહિતની સુવિધાઓ વધુ સુદ્રઢ કરવા માટે રાજ્ય સરકાર સતત ચિંતિત હોવાનું પણ આ તકે જણાવ્યું હતું.

વાકાંનેર ખાતેથી પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ઉપરાંત સાંસદ મોહનભાઇ કુંડારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીના નવા બસ સ્ટેશનના ખાતમૂહુર્ત પ્રસંગે ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલ ઉપરાંત ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરિયા, મહામંત્રીશ્રી જયુભા જાડેજા, નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાંસદળીયા, જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા પોલીસવડા એસ.આર. ઓડેદરા, મોરબી પ્રાંત અધિકારી ઝાલા, એસ.ટી. રાજકોટના વિભાગીય વડા, મોરબી ડેપો મેનેજર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here