ડાંગ: મહિલાઓની વિવિધ સમસ્યાઓના સમાધાનનુ સરનામુ”સખી:વન સ્ટોપ સેન્ટર’-ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડયા

0
38
ડાંગ:- મદન વૈષ્ણવ

અનેક મુશ્કેલી અને સમસ્યાઓનો સામનો કરતી મહિલાઓની તમામ સમસ્યાઓનુ સમાધાન કરતા આહવાના નવ નિર્મિત ‘સખી : વન સ્ટોપ સેન્ટર’ ની તાજેતરમા  ડાંગ કલેક્ટરશ્રીએ જાતમુલાકાત લીધી હતી.

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવાની ગાંધી કોલોની ખાતે નવનિર્મિત ભવનમા શરૂ કરાયેલા ‘સખી : વન સ્ટોપ સેન્ટર’ ની સેવા, અને સુવિધાઓનો તાગ મેળવતા કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ અહીં સેવા આપતા કર્મયોગીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી.

દરમિયાન દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી એસ.ડી.સોરઠીયા એ કલેકટરશ્રી સહિતના ઉચ્ચાધિકારીઓને આવકારી સેન્ટરની ગતિવિધિઓની જાણકારી પુરી પાડી હતી.

સમાજની જરૂરિયાતમંદ મહિલાઓ માટે ખૂબ જ ઉત્કૃષ્ટ સુવિધાઓ સાથે સજ્જ આ સેન્ટર દ્વારા પુરી પાડવામા આવતી સેવાઓની સરાહના કરી કલેકટર શ્રી પંડ્યાએ, સેવકર્મીઓને જરૂરી માર્ગદર્શન પૂરું  પાડયુ હતુ. અહીંની  સેવાઓને અસરકારક રીતે જરૂરિયાતમંદો સુધી પહોંચાડી, સેન્ટર સ્થાપનનો સરકારનો ઉદ્દેશ પૂર્ણ કરવાની પણ તેમણે આ વેળા હિમાયત કરી હતી.

સખી : વન સ્ટોપ સેન્ટર’ની કલેકટરશ્રી ની આ મુલાકાત વેળા નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોર, અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ-વ-પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી ચિરાગ જોશી તથા કેન્દ્ર સંચાલક સંગીતા ખુરકુટિયાએ પૂરક વિગતો રજૂ કરી હતી.

ઉલ્લેખનિય છે કે, ભારત સરકાર પુરસ્કૃત અને રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમા  શરૂ કરાયેલા ‘સખી : વન સ્ટોપ સેન્ટર’ દ્વારા મહિલાઓને અનેકવિધ સેવાઓ પુરી પાડવામા આવી રહી છે.

જાહેર કે ખાનગી સ્થળો ઉપરાંત કાર્યસ્થળો કે ઘર કુટુંબોમા શારીરિક, માનસિક હિંસાનો ભોગ બનેલી મહિલાઓ, કોઈ પણ જાતના જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય, કે વૈવાહિક દરજ્જો, શિક્ષણ, કે ઉંમરના ભેદભાવ વિના આ સેન્ટરની સેવાઓ લઈ શકે છે.

અહીં તજજ્ઞ કાઉન્સેલરો દ્વારા પીડિત મહિલાઓને સામાજિક પરામર્શ સાધી જરૂર પડ્યે તબીબી, પોલીસ, કે કાયદાકીય સહાય પુરી પાડવામા આવે છે. જરૂર પડ્યે પીડિતાઓને આશ્રયની સુવિધાઓ પણ આપવામા આવે છે.
ડાંગ જિલ્લાની જરૂરિયાતમંદ મહિલાઓની સમસ્યાના સમાધાનના સરનામારૂપ ‘સખી’ નો લાભ લેવા કલેકટરશ્રી ભાવિન પંડ્યાએ અનુરોધ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here