બે પ્રવાસી ટ્રેન અથડાતાં ૫૦નાં મોત

0
29
પાકિસ્તાનના દક્ષિણ સિંધ પ્રાન્તમાં સોમવારે સવારે બે પ્રવાસી ટ્રેન અથડાતાં ઓછામાં ઓછા પચાસ જણનાં મોત થયાં હોવા ઉપરાંત ૭૦ જણ ઘાયલ થયા હોવાનું પાકિસ્તાનના રેલવે ખાતાના પ્રવક્તાએ કહ્યું હતું.
મૃતકોમાં મહિલાઓ સહિત રેલવેના અમુક અધિકારીઓનો સમાવેશ થતો હતો.

બચાવ અને રાહત કામગીરી માટે વહીવટકર્તાઓને સેના અને અર્ધલશ્કરી દળને બોલાવવાની ફરજ પડી હોવાનું તેમણે કહ્યું હતું.

કરાચીથી સારગોધા જતી મિલ્લત એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ખડી પડી પાસેનાં ટ્રેક પર પડતાં રાવલપિંડીથી કરાચી જઈ રહેલી સર સૈયદ એક્સપ્રેસ ટ્રેન તેની સાથે ટકરાઈ હતી, એમ તેમણે કહ્યું હતું.

અપર સિંધના ઘોટકી જિલ્લાસ્થિત ધારકી શહેર નજીક આ ઘટના બની હતી.
ઈજાગ્રસ્તોને સારવારાર્થે ઘોટકી, ધારકી, ઓબારો અને મિરપુર માથેલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ તમામ હૉસ્પિટલમાં તાકીદની સ્થિતિ જાહેર કરી દેવામાં આવી હતી.

દુર્ઘટના અંગે પ્રતિક્રિયા આપતા વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે આ કરુણાંતિકાથી મને સખત આઘાત લાગ્યો છે.

ઈજાગ્રસ્તોને તમામ તબીબી સહાય તેમ જ મૃતકોના પરિવારજનોને અન્ય સહાયની ખાતરી આપવાનો ઈમરાન ખાને આદેશ આપ્યો હતો. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here