પોરબંદરની ઓરીયેન્ટ એબ્રેસીવ્સ કંપની બંધ થઇ જાય તો જલદ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારાઇ…..

0
50પોરબંદર
રિપોર્ટર :હાર્દિક જોષી

પોરબંદરના ઔદ્યોગીક વિકાસના અગત્યનો ભાગ ભજવતી પોરબંદરની ઓરીયેન્ટ એબ્રેસીવ્સ કંપની બંધ થઇ જાય તેવી હીલચાલ સામે કોંગ્રેસે રાજય સરકારને આ એકમ બંધ ન થાય તેવા પગલા લેવા માંગ કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સેક્રેટરી રામદેભાઇ મોઢવાડિયાએ જણાવ્યું છે કે પોરબંદરની ઓરીયેન્ટ એબ્રેસીવ્સ નામની કેલ્સાઇન બોક્સાઇટની કંપની જે દાયકાઓથી પોરબંદરમાં કાર્યરત છે તે કંપની દ્વારા કંપનીના નોટીસ બોર્ડ ઉપર નોટીસ આપીને ઔદ્યોગીક વિવાદ ધારાની 1947 ની કલમ મુજબ રો મટીરીયલ મેળવવું મુશ્કેલ બન્યું હોવાનું બહાનું આગળ ધરીને આ એકમ બંધ કરવાની પરવાનગી રાજય સરકારના લેબર કમીશ્નર પાસે માંગેલ છે.

પરંતુ રાજય સરકારે આ બાબતમાં હસ્તક્ષેપ કરીને મંદીના આ સમયમાં આ એકમને બંધ કરવાની પરવાનગી ન આપવી જોઇએ તેમ રામદેવભાઇ મોઢવાડિયાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે હાલ આ એકમમાં 500 થી વધારે કાયમી કામદારો, 250 જેટલો સ્ટાફ અને 1000 જેટલા લોકો પરોક્ષ રીતે રોજગારી મેળવી રહ્યા છે. જેથી આ એકમ જો બંધ થશે તો બેરોજગાર બની જશે.

આ ઔદ્યોગીક એકમને રો મટીરીયલની તકલીફ હોય તો સરકાર દ્વારા ગુજરાત મીનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશનની લીઝમાંથી રો મટીરીયલની વ્યવસ્થા કરીને પોરબંદરના આ ઔદ્યોગીક એકમને બંધ થવાની પરિસ્થિતિમાંથી બહાર કાઢી એકમ ચાલુ રહે તેવા પ્રયત્નો કરવા જોઇએ. અંતમાં તેઓએ ઉમેર્યું હતું કે જો રાજય સરકાર આ એકમને બંધ કરવાની પરવાનગી આપશે તો કોંગ્રેસ કામદારોને સાથે રાખીને આંદોલન કરશે અને પોરબંદર બંધ જેવા જલદ પગલા લેતા પણ અચકાશે નહીં અને જરૂર પડયે કાનૂની લડત પણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here