હાલારની લોકમાતાઓ એટલે અજોડ પ્રાકૃતિક વારસો

0
51
હાલારની લોકમાતાઓ એટલે અજોડ પ્રાકૃતિક વારસો

નદીઓના નામકરણનો ઇતિહાસ છે ખુબ રોચક અને સતત નિતરે છે સંભારણા

 

જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)

દુનિયાભરની સંસ્કૃતિઓના પારણાં નદીઓના કિનારે જ બંધાયાં છે. નદી કિનારે જ જન્મીને પાંગરેલી સંસ્કૃતિઓને જ કારણે તો ભારતનાં શાસ્ત્રો- પુરાણોએ તેને માતાનો દરજ્જો આપ્યો છે. સંસ્કૃતિનો પ્રવાહ નદીઓની અવિરત ધારા સાથે વહેતો રહ્યો છે.
#જામનગર અને નવરચિત #દેવભૂમિ_દ્વારકા જિલ્લાના બનેલા #હાલાર પંથકની વાત કરીએ તો અહીં નાની-મોટી કુલ 23 નદીઓ આવેલી છે. આ નદીઓના મૂળ મધ્ય સૌરાષ્ટ્રના ડુંગરાઓમાં હોવાથી કોઈ નદી બારમાસી નથી.
મનુષ્યની માફક પ્રત્યેક નદીનાં ચરિત્રની પણ કથાઓ છે. આપણા પુરાણો – શાસ્ત્રો પ્રત્યેક નદીની ઉત્પત્તિની કથા કહે છે. એ સિવાય પણ ગામે ગામ નાની-મોટી નદીઓની લોકકથાઓ પ્રચલિત છે.
હાલાર ( જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ)ની નદીઓના નામકારણના ઇતિહાસ પર નજર નાખીએ તો ઘણી નદીઓના નામો ઐતિહાસિક પ્રેમકથાઓ આધારિત જોવા મળે છે તેમજ સાંપ્રત પ્રવાહો અને ઐતિહાસીક ધરોહર ના સુભગ સમન્વય કરી સાહિત્યની સેવા સાથે જતન કરનારા આશિષ ખારોડ એ જણાવ્યુ છે

 

ગોમતી:
તેની વ્યુત્પત્તિ ‘ગો- મતિ’ એટલે કે, ‘ગાયોની માલિકી ધરાવતી’ પરથી થઈ જણાય છે. પુરાણોમાં તેનો ઉલ્લેખ ભારતની પ્રાચ્ય સાત સરિતાઓ સાથે થયો છે. દ્વારકાની આ ગોમતી નદીને તીરે શ્રીકૃષ્ણની ગોપાલક પ્રજા વસતી હોવાથી પૌરાણિક મહત્વ દર્શાવવા આ નામ અપાયું હશે.

કાલિન્દી:
બરડા ડુંગરની દક્ષિણમાંથી નીકળી ૨૭.૨ કિલોમીટરની સફર બાદ ઘેડ વિસ્તારમાં ફેલાઈ જતી અને છેલ્લે મીણસર અને ભાદર નદીમાં જઈને મળતી આ નદી યમુના નદીનો પર્યાય છે. લોકોએ કૃષ્ણ ભક્તિના પ્રતિક તરીકે આ નામ આપ્યું જણાય છે.

ફલ્કુ :
આ ખૂબ નાની નદી છે. શ્રી કાકાસાહેબ કાલેલકરના શબ્દોમાં, સંસ્કૃતમાં ફલ્ગુના બે અર્થ થાય છે ફલ્ગુ એટલે ક્ષુદ્ર, તુચ્છ અને ફલ્ગુ એટલે સુંદર.
જાડેજા વંશના કરસનજીની સ્વરૂપવાન પ્રિયતમા ફલ્કુની સ્મૃતિમાં તેને આ નામ મળ્યું છે.

રેણુકા:
આ સંસ્કૃત શબ્દ છે એનો અર્થ રેતી થાય છે પરંતુ આ નદીને પૌરાણિક દંતકથાઓ પરથી આ નામ મળ્યું છે. જમદગ્નિ ઋષિનાં પત્ની રેણુકાની સ્મૃતિમાં આ નામ અપાયું હોવાની લોક માન્યતા છે.

વેદમતી:
આ નામ પાછળ એક પૌરાણિક કથા છે. શંખ નામનો રાક્ષસ બ્રહ્મા રચિત વેદો ઉપાડી ગયો હતો તેને શ્રીકૃષ્ણએ એક બેટમાં માર્યો. તે બેટ શંખોદ્ધાર કહેવાયો. રાક્ષસ ઉપાડી ગયેલો તેથી અપવિત્ર થયેલા વેદોને બ્રાહ્મણો દ્વારા મંત્રથી પવિત્ર કરી શ્રી કૃષ્ણે આ નદીમાં પધરાવ્યા ત્યારથી તે નદી વેદમતી નામથી ઓળખાવા લાગી.

કંકાવટી:
ઝાલા વંશના વાઘોજીએ આ નદીના કાંઠે કનકાવતી નામની પોતાની રાજધાની સ્થાપેલી તેના પરથી આ નદીને કંકાવટી એવું નામ અપાયું છે. જેમ કંકાવટીમાં કંકુ પલાળવા માટે જરા સરખું પાણી જોઈએ તેમ વર્ષાઋતુ વીતી ગયા પછી થોડા વખતમાં સુકાઈ જાય અને નહીં જેવું પાણી રહે તે કંકાવટી- એ જ અર્થ આ નદી માટે બંધ બેસે છે.

ઢંઢ :
તેનો અર્થ ‘પાણી ભરેલો ખાડો કે ખાબોચિયું’ થાય છે. આ નદીમાં ચોમાસા બાદ એટલું જ પાણી હોય છે એટલે આ નામ અપાયું હોવાની માન્યતા છે તેને લાલપુરના લોકો ઢાઢર પણ કહે છે.

પૂના:
આ નામ સિંધની પ્રખ્યાત પ્રણયકથા ‘શશી-પૂન્નુ’ના નાયક પૂન્નુની સ્મૃતિમાં એના વારસ કરસનજીએ આ નદીને આપ્યું છે એ વિશેની દંતકથા પ્રચલિત છે.

મણાવર:
મનુહાર એટલેકે ‘આતિથ્ય કરવું’ પરથી મનવાર- મણવાર અને મણવર એ ક્રમમાં આ નામ આવ્યું છે.

વરતુ:
સંસ્કૃત ‘वृत्त रूप’ – ‘સંકલ્પ મુજબ દેનારી’ એવો અર્થ થાય છે એના પરથી वृत्त – वृत्ता- वृत्तु અને તેનું વરતુ થયું હોય અથવા સંસ્કૃત वामावृत्त – એટલે કે ‘ડાબી બાજુથી પ્રદક્ષિણા કરવી’ એના પરથી વરતુ થયું હોય, કારણ કે વરતુ નદી ગોપના ડુંગરને ડાબી બાજુથી પ્રદક્ષિણા કરીને આગળ વધે છે.

વિણું:
વિણું- વેણુ અર્થાત વાંસળી એવો અર્થ થાય છે. શક્ય છે કે ગોપના ડુંગરમાંથી નીકળતી હોવાને કારણે આ નદીને શ્રી કૃષ્ણની વાંસળી સાથે સાંકળીને લોકોએ આવું સુંદર નામ આપ્યું હોય.

વેણુ:
પુલ્લિંગના અર્થમાં એક પર્વત જેમાંથી સોનું નીકળે છે એવો થાય છે જ્યારે સ્ત્રીલિંગમાં અર્થ વાંસ, નેતર થાય છે. આ નદી બરડાની ડુંગરમાળામાંથી નીકળે છે, જ્યાં આ જાતના વૃક્ષો મોટી સંખ્યામાં ઉગે છે એ પરથી આ નામ અપાયું હોવાનું અનુમાન થઇ શકે છે.

સસોઈ:
પંજાબી ભાષામાં ‘શસ્વી’ નો અર્થ સુંદર થાય છે. આ નદીનું નામ પંજાબ (સિંધ)ની પ્રણય કથા શશી-પૂન્નુની નાયિકા શશીની સ્મૃતિમાં પૂન્નુના વંશજ કરસનજી એ આપ્યું છે. શશી-શશઈ અને તેનું સસોઈ થયું છે અને તેનો અર્થ ‘સુંદર મુખવાળી’ એવો થાય છે.

સાની :
સાનીનો અર્થ આફ્રિકન સ્વાહિલી ભાષામાં ‘થાળી’ એવો થાય છે. નદીના થાળી જેવા આકાર પરથી પણ લોકોએ આ નામ આપ્યું હોય તેવી શક્યતા છે.

નાગમતી:
ભુજંગ નાગની સ્મૃતિમાં આ નામ અપાયું છે, ભેરીયો ગારુડી અને ભુજંગ નાગની કથામાં ભુરીયા નું મૃત્યુ થયેલું એવી દંતકથા છે.

રંગમતી:
જામનગરની બાંધણી આજે પણ વખણાય છે અને વર્ષો પહેલાં પણ વખણાતી ! નદીના પ્રવાહ પટમાં અનેક રંગારાઓ રંગ કામ કરીને સાડીઓ સૂકવતા જોવા મળતા. રંગો અને તેના રંગારાઓની યાદમાં લોકોએ આ નદીને નામ આપ્યું છે.

સોનમતી:
બરડાની પ્રણય કથા ‘સોન હલામણ’ની નાયિકા સોનની સ્મૃતિમાં લોકોએ નદીને આ નામ આપ્યું છે.

રુક્માવતી:
શ્રીકૃષ્ણના પત્ની રુક્ષ્મણીની યાદમાં લોકોએ નદીને આ નામ આપ્યું છે.

મીણસર:
આનો અર્થ એક જાતનો સળગી ઉઠે એવા પદાર્થ જેને ‘મન: શિલ’ કહેવામાં આવે છે અને બીજો અર્થ સોમલ અને ગંધકનો ક્ષાર થાય છે. ભૂતકાળમાં આ નદીમાં મીણ જેવો ચીકણો પદાર્થ વહેલો તેથી આ નદીનું નામ પડ્યું હોવાની લોકવાયકા છે.

ઘી:
સંસ્કૃત घृत પરથી આ ઘી શબ્દ આવ્યો છે. એક દંતકથા મુજબ એક ચારણ સ્ત્રીના ઘી માં દગો હોવાનો એક વેપારીએ આક્ષેપ મૂકતાં ચારણ સ્ત્રીએ ઘીનું વાસણ ઊંધું પાડી દીધેલું અને તેમાંથી ઘીની નદી વહેતી થયેલી.

તેલી :
સંસ્કૃત तैलिक અને તેનું તેલી થયું છે. તેનો અર્થ ‘તેલ વેચવાનો ધંધો કરનાર માણસ’ થાય પણ આ નામ પાણીના-તેલ જેવા રંગને કારણે તથા જામખંભાળિયામાં થતા વિપુલ પ્રમાણમાં તેલના વ્યાપાર પરથી અપાયું છે.

સિંહણ:
આ નદી સિંહણ જેવી બળૂકી, સુંદર અને ભગવાન કરતાં પ્રવાહ વાળી હોવાથી તેને આ નામ અપાયું જણાય છે.

ઊંડ: સમા જાડેજાઓ જ્યારે સિંધમાંથી સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે તેમના ગામ (ઊંડ)ની સ્મૃતિ સાથે લઈ આવેલા અને તેઓએ આ નદીને એ નામ આપ્યું છે. જાડેજાઓના સિન્ધના નકશામાં આ ઊંડ ગામનો નિર્દેશ છે, એ ગામનું નામ પણ જામ ઉન્નડના નામ પરથી જ પડેલું.

બગેડી:
અત્યંત તળપદું નામ છે. તેનો અર્થ ભગ એટલે તેજ અને ડી વ્હાલવાચક શબ્દ લાગ્યો હોઈને ‘ચળકતા પાણી વાળી નદી’ એવો થાય છે.

વધુમા આશિષ ખારોડ એ આ વિસ્તૃત ઐતિહાસીક વિગત આપતા ઉમેર્યુ છે કે પ્રકૃતિના વિવિધ આયામો છે જે સૌંદર્યથી ભરપૂર છે તેવી જ રીતે નદીઓ જેને સરિતા પણ કહે છે તેનુ જતન કરી આપણા વારસાને સંભાળીએ એ કુદરતનો સાદર આદર કર્યો ગણાશે કેમકે કુદરત જ જીવન ને સાર્થક કરવા વિધ વિધ સ્વરૂપે આપણી આસપાસ પ્રસ્તુત છે જેનુ નિત્ય જાગૃતિપુર્વકનુ સ્મરણ તો રહેવુ જ જોઇએ સાથે સાથે પેઢી દર પેઢી આ મહતાને આગળ ધપાવવી જોઇએ તે જ આપણા તરફ થી ઋણસ્વીકાર અને કૃતજ્ઞતા વ્યક્ત કર્યાનુ ઉત્તમ ઉદાહરણીય સદકાર્ય બની રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here