ગીરાધોધ’ ખાતે રૂ.૨.૧૫ કરોડના ખર્ચે તૈયાર  ‘સોવેનિયર શોપ સંકુલ’ નુ લોકાર્પણ કરતા મંત્રી ગણપતસિંહ વસાવા :

0
39
ડાંગ;- મદન વૈષ્ણવ

સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવા સાથે ‘અતિથિ દેવો ભવ’ ની ભાવના ઉજાગર થશે – વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા

૩૨ દુકાનો ના માધ્યમથી પર્યટકોને સુવિધા મળવા સાથે સ્થાનિક પરિવારોને રોજગારી મળી રહેશે :

ડાંગના ‘નાયગ્રા ધોધ’ તરીકે ઓળખાતા વઘઇ નજીકના આંબાપાડા ગામના ‘ગીરાધોધ’ ની મુલાકાતે આવતા હજ્જારો પર્યટકોને સ્થાનિક ચીજવસ્તુઓ સહિત ખાણીપીણીની સુવિધાઓ પણ મળી રહે, સાથે સાથે સ્થાનિક ગ્રામજનોને ઘરઆંગણે જ રોજગારી ઉપલબ્ધ કરાવી શકાય, અને ડાંગની ‘અતિથિ દેવો ભવ’ની સંસ્કૃતિ અને સંસ્કારને પણ ઉજાગર કરી શકાય તે માટે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા ₹ ૨.૧૫ કરોડના ખર્ચે ૩૨ જેટલી દુકાનોનુ આજે લોકાર્પણ કરાયુ છે તેમ વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યુ હતુ.

ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા વન મંત્રીશ્રીએ દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા ‘ગીરાધોધ પરિસરીય પ્રવાસન વિકાસ સહકારી મંડળી-આંબાપાડા’ ને આ દુકાનોનુ પી.પી.પી. ધોરણે સંચાલન સોંપીને ૩૨ પરિવારોને સીધી રોજગારી આપી છે તેમ જણાવી, કુદરતી સૌંદર્ય ધરાવતા આ સ્થળની ગરિમા જાળવવા સાથે, અહીં આવતા પ્રવાસીઓની સુરક્ષા બાબતે પણ સૌને સચેત રહેવાનો અનુરોધ કર્યો હતો.

વન વિસ્તારમા પ્રવાસે આવતા પ્રવાસીઓને વન જતન અને સંવર્ધનના કાર્ય માટે પ્રોત્સાહિત કરવા સાથે, સમગ્ર ડાંગ જિલ્લાને વન વિભાગે ‘નો પ્લાસ્ટિક ઝોન’ જાહેર કર્યો છે ત્યારે અહીંના પર્યાવરણને કોઈ નુકશાન ન પહોંચે તેની તકેદારી દાખવવા પણ મંત્રીશ્રીએ અપીલ કરી છે.

ગીરાધોધ ખાતે ‘સોવેનિયર શોપ સંકુલ’ ના લોકાર્પણ કાર્યક્રમ વેળા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે સ્થાનિક વેપારી પરિવારોને પર્યટકો સાથે તાદાત્મ્યતા કેળવી તેમના વેપાર ધંધાના વિકાસ સાથે ડાંગ જિલ્લાના આતિથ્ય સત્કારની ઉચ્ચત્તમ પરંપરાનો પણ પરિચય કરાવવાનુ આહવાન કર્યું હતુ. તેમણે સ્થાનિક દુકાનદારો તથા તેમના પરિવારોને ‘કોરોના વિરોધી રસી’ લઈને સુરક્ષિત થવાની અપીલ પણ કરી હતી.

મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરતા દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી નિલેશ પંડ્યાએ સમગ્ર પ્રોજેક્ટનો ખ્યાલ આપી, તેના ઉદ્દેશ્ય થી મહાનુભાવોને અવગત કરાવ્યા હતા. કાર્યક્રમને અંતે મદદનીશ વન સંરક્ષક શ્રી રોહિત ચૌધરીએ આભારવિધિ આટોપી હતી.

કાર્યક્રમમા સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી મનેશ્વર રાજા, ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યા, ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી અગ્નિશ્વર વ્યાસ સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, અને સ્થાનિક વેપારી પરિવારો, પર્યટકો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here