ગુજરાતમાં સરમુખત્યારશાહીનો વ્યાપક ભોગ બનતા લાખો ખેડૂતોમાં આક્રોશનો દાવાનળ.

0
76
જમીનોના કૌભાંડો માટે તાજેતરમાં એન્ટી લેન્ડ ગ્રેબીંગ એકટ ૨૦૨૧ લાગુ કરવામાં આવ્યો છે પરંતુ અનેક પ્રકારની જમીનો માટેના મુળભુત કાયદાઓ જાણીને એવું લાગે છે કે સતાધીશો જમીન કૌભાંડ માટે આડકતરી વ્યવસ્થાઓ કરતા રહે છે,

ગુજરાતમાં ખેતીની જમીનોનો સંચાલન અને વહિવટ માટે ૧૯૫૭ થી ખેડે તેની જમીનનો ગણોત વહિવટ અને ખેતી જમીન અધિનિયમ ૧૯૪૮ અમલમાં આવ્યો અને હાલ ૧૯૬૦ સુધીના સુધારાઓ સાથેનો આ અધિનિયમ અમલમાં રહેલો છે

ગણોતધારાનો એકમાત્ર ઉદેશ ફકત ખેતી ઉત્પાદનનો રહેલો છે અનાજ શાકભાજી ફળો પશુપાલન વનસ્પતિઓ વગેરે માનવજીવનના ખોરાક, દુધ વગેરે ઉત્પન્ન કરવાની જમીનોને ખેતીની જમીનો ગણવામાં આવે છે, ખેતીની જમીન જાતે તથા પરીવાર ખેડે અને વાવેતર કરી ઉત્પાદન મેળવે તે ખેડૂત ગણાય છે

ગણોતધારાનો અમલ થયા પહેલા ૧૯૪૮ માં અંગ્રેજ બંધારણ અમલમાં હતુ ત્યારે આ કાયદો અમલમાં હતો પણ આ ગણોત કાયદો મુળ તો ૧૮૬૭ સમયમાં અંગ્રેજ હકુમતનો બનાવેલો કાયદો છે, જેને સુધારા વધારા સાથે ભારતમાં પ્રજાસતાક બંધારણ અમલમાં આવ્યા પછી ૭ વર્ષ બાદ ફરી ૧ લી એપ્રિલ ૧૯૫૭ માં અમલમાં લાવવામાં આવ્યો,

“ગણોત નાગરીકનો અર્થ બીજાની માલીકીની જમીન ઉપર નકકી કરેલા વળતરથી ખેડકામ મજુરી કરતો નાગરીક” ગણોતીયો એટલે એક પ્રકારના કાયમી ખેતમજુર,

ભારત પ્રજાસતાક બન્યુ એ પહેલા ૫૬૨ રજવાડાઓની જમીનો અને રીયાસતો અખંડ ભારતમાં દાન અપાયેલ હતી, એટલે ભારત રાજયસંઘ હોવાથી સમગ્ર ભારતની જમીનોની અખંડ માલીક શ્રી સરકાર છે, નાગરીકોને ભોગવટેદાર તથા કબ્જેદાર તરીકેના ઉતરોતર હક પ્રાપ્ત થયેલા છે,

સામાન્ય રીતે લોકો એવું કહેતા હોય છે કે જમીન ખરીદી અથવા જમીન વેચી પરંતુ હકીકતમાં જમીન ઉપરના કબ્જેદાર ભોગવટેદારના હક નું ખરીદ વેચાણ થાય છે હસ્તાંતરણ થાય છે,

ગુજરાતમાં ૧૯૫૭ ગણોતધારાનો અમલ થયો તે પહેલા ૧૯૫૧ થી ૧૯૫૭ સુધીમાં પુર્વેની ઇનામી જમીનોના નાબુદી અધિનિયમો અમલમાં રહેલા હતા ગુજરાત સ્વતંત્ર રાજય બન્યુ તે સમયે કચ્છ વિદર્ભ, સૌરાષ્ટ્ર રાજય અલગ હતુ તેથી તે સમયે ખેતીની જમીનોના વહિવટ માટે જુદા જુદા કાયદાઓ અને નિયમો અમલમાં હતા, પ્રજાસતાક બંધારણ અમલમાં આવતાં નાગરીકોના મુળભુત સમાનતાના અધિકારોની કલમ ૧૪ અને દિવાની સમાનતાની કલમ ૪૪ થી ભારતના દરેક નાગરીકને સમાનતાનો હક મળ્યો જેથી રજવાડા સમયની ઈનામી જમીનો, દાનની જમીનો, પુરસ્કારની જમીનો, વળતરની જમીનો જેવી જમીનો ઉપર ખેતી કરીને અનાજ ઉત્પાદન કરતાં હજારો પરીવારોના ખેતીની જમીનના સ્વતંત્ર હક ની સમસ્યાઓ થવા લાગતા વિવિધ પ્રકારની ઇનામી જમીનોની અસરો નાબુદ કરવા ઈનામી જમીન નાબુદી અધિનિયમો અમલમાં આવ્યા એ સમયે ગુજરાતમાં બધા અધિનિયમો મુંબઈ રાજયના હતા તે અમલમાં રહ્યા આ બધા અધિનિયમો અંગ્રેજ શાસનમાં બનાવેલા હતા એ કાયદાઓની તારીખો બદલીને પ્રજાસત્તાક નાગરીકો ઉપર લાગુ કરવામાં આવ્યા,

સમયસમયે ખેતીની જમીનોના માલીક હક અને પ્રજાના જીવનનિર્વાહ માટે અનાજની ખેત ઉત્પાદનની સરકારની જવાબદારીઓ પુરી કરવા વધુમાં વધુ ખેતી વધારવા જમીનોની માલીક શ્રી સરકાર દ્વારા ૧૯૫૭ માં ચોકકસ ક્ષેત્રફળની મર્યાદા રાખીને, ખેડે તેની જમીનનો કાયદો અમલમાં લાવી હજારો પરીવારોને ખેડૂત હક આપવામાં આવ્યા અને એવા ખેડૂતોના કબ્જા ભોગવટામાં રહેલી જમીનોના સ્વતંત્ર હક આપવામાં આવ્યા,

ગણોતધારાથી જમીન ધારણ કરનાર ખેડુતની પ્રતિબદ્ધતા અને ખેડૂતની ખેતીનું શ્રેત્રફળ તથા ખેડકામ કરે છે તેની ખાતરી ખરાઇ કરવાનું કામ ૧૯૫૪ અને ૧૯૫૫ દરમિયાન કરવામાં આવ્યું હતુ સરકાર દ્વારા ખેડૂત અને તેના ખેતરની ખરાઇ ખાત્રી કરવા સરકાર તરફે તલાટીમંત્રી, મહાલકારી, પ્રાંત, વગેરેએ ખેડૂતોની હાજરી અને જાહેર પંચ સાક્ષીઓ રૂબરુ ખરાઈ કરીને દરેક ગામની જમીનો અને તેના ભોગવટેદાર કબ્જેદારોના હક ની નોંધ કરી તેને પ્રમાણિત કરવામાં આવી, આ પ્રમાણિત કરવાની કામગીરીને પ્રમલગેશન કહેવામાં આવે છે પ્રમલગેશન એ ખેતી અને ખેડૂત હક નું કાયદાકીય પ્રમાણ છે,

ગણોતધારાના ઉદેશ અને શુદ્ધ પવિત્ર અર્થઘટન પ્રમાણે આ કાયદાના પ્રકરણ ૧ માં આપેલી વ્યાખ્યા (૧) “ખેત-મજુર” એટલે એકમાત્ર નિર્વાહના આધારરૂપ જાતે શ્રમ કરતો વ્યકિત, (૨) “ખેડૂત” એટલે જમીનની જાતે ખેતી કરતી વ્યક્તિ (૩) “જાતે ખેતી કરવી” એટલે પોતે અથવા કુટુંબની વ્યક્તિ દ્વારા ખેતી કરવી, એવી નિર્ધારિત કરેલ છે,

ગણોતધારાની શુદ્ધ વ્યાખ્યા ફકત જાતે ખેતી કરે તે પરીવાર અથવા તે વ્યક્તિ ખેડૂત ગણાય છે

ગણોતધારાના પ્રકરણ ૩ ની કલમ ૩૧ તથા મુખ્યત્વે કલમ ૩૨ મુજબ જાતે ખેતી કરતી વ્યક્તિને ખેડૂત તરીકે જમીન ખરીદી છે તેવા અર્થમાં જમીનના ઉત્પાદનો તથા જમીન ભોગવટેદાર તથા કબ્જેદારના કાયમી હક આપવામાં આવ્યા આ હક આપવા માટે ૧૯૫૪-૫૫ ના પ્રમલગેશન આધારે ખેડૂત, ખેતરના નંબર (સરવઈ= સર્વે નંબર), ક્ષેત્રફળ, વાર્ષિક કર આકાર, વગેરે નિશ્ચિત કરવામાં આવ્યા,

ગણોતધારાની કલમ ૩૨-પી, અને કલમ -ધ (૧),(૨), મુજબ જાતે ખેતી કરતાં ના હોય તેની જમીનો ખાલી કરાવવાની સતાઓ કલેકટરને તથા તેના ડેલીગેટ રૂપે પ્રાંત અને મામલતદાર ટ્રીબ્યુનલોને આપવામાં આવી હતી,

ગણોતધારાના પ્રકરણ ૬ ની કલમ ૬૭ થી ૮૦ સુધીની સતાઓ મામલતદારથી કલેકટર સુધીની ટ્રીબ્યુનલોને આપવામાં આવી હતી, જાતે ખેતી કરતા ના હોય તેવા વ્યક્તિ કે કુટુંબના કબ્જામાં રહેલી ગણોતધારાથી પ્રાપ્ત થયેલી જમીનો ખાલી કરાવીને નીકાલ કરવાની સતા કલેકટરને આપવામાં આવેલી હતી,

ગણોતધારાના પ્રકરણ ૮ ની કલમ ૮૧ થી ૮૮ અને તેની પેટા નિયમોથી મામલતદાર કલેકટર વગેરે ગણોત વહિવટનો જોગવાઈઓ અનુસાર ધારાકીય નિર્ણય કરવાની સતાઓ આપવામાં આવેલી છે,

ગણોતધારાનો પવિત્ર અમલ કરવા કલમ ૮૨ થી વિશેષ નિયમો બનાવવાની સતાઓ પણ આપવામાં આવેલી છે,

ગણોતધારાની કલમ ૮૮ -ખ ની જોગવાઈઓ મુજબ શ્રી સરકારની જમીન ધારણ કરેલ તથા શૈક્ષણિક, પાંજરાપોળ, ગૌશાળાઓના ૧૯૫૧ ના સાર્વજનીક ટ્રસ્ટ અધિનિયમથી નોંધાયેલા ટ્રસ્ટને ગણોત ધારો લાગુ પડશે નહી તેવું અર્થઘટન પણ કરવામાં આવેલ છે,

જ્યારે ગણોતધારો લાગુ પડયો તે પહેલા ખેતીકામ કરતા નાગરીકો જમીનદારો, ગીરાસદારો, રાજવીઓ, સુબાઓ, નવાબો, અંગ્રેજ સરકાર સમયની એ લોકોના માલીકીની, શ્રી સરકારની, સાર્વજનીક જાહેર સંસ્થાઓ (ટ્રસ્ટો), મંદિરોની જમીનો ઉપર ખેતી કરતાં પરંતુ ભારતનું બંધારણ અમલમાં આવતા સમાનતા હક મળવાથી ગણોતધારાની કલમ ૩૨ થી માલીક દરજજે કબ્જેદાર ભોગવટેદાર ખેડૂત હક મળ્યો તે સમયે સાર્વજનીક હેતુઓના નોંધાયેલા ટ્રસ્ટોની જમીનો ઉપર ખેતી કરતા મજકુર વ્યક્તિઓને ગણોતધારા મુજબ ખેડૂત હક મળી શકે નહી તેવું ૮૮- ખ નું અર્થઘટન કરવામાં આવેલ હતુ, પરંતુ સંસ્થા કે ટ્રસ્ટ ગણોતધારાની મુળભુત વ્યાખ્યા પ્રમાણે જાતે ખેતી કરનાર વ્યક્તિ કે પરીવાર ના હોવાથી ખેડૂત ખાતેદાર દરજજો મળી શકતો નથી,

ગણોતધારાનો અમલ એપ્રિલ ૧૯૫૭ માં શરુ થયો તે પહેલા અનેક પ્રકારના ઈનામી જમીનોની નાબુદી કરવાના અધિનિયમો અમલમાં હતા આવી કોઇપણ ઈનામી જમીનો ધારણ કરેલ હતી તેવા ખેડૂતોનું ૧૯૫૪-૫૫ ના વર્ષોમાં ગ્રામસભાઓ અથવા ખેડૂતોની સાક્ષી પંચથી સ્થળ ચકાસણીઓ, દરીઓ થી ક્ષેત્રફળ નકકી કરી મહાલકારીઓ અને પ્રાંત અધિકારીઓ મારફતે શ્રી સરકારે પ્રમોલગેશન કરી ખેડૂત તરીકે નોંધ કરીને તેના કબ્જાની જમીનોને સર્વે નંબર સાથે હક પત્રકની નોંધથી ખેડૂત પ્રમાણિત કરેલ હતા, તેવા તેથી ૧૯૫૭ માં ગણોતધારાની કલમ ૩૧,૩૨,૮૭,૮૭ ક, થી સ્વતંત્ર ખેડૂત હક મળેલ હતો,

સમયે સમયે રાજનીતિ અને જાતીવાદ કોમવાદ તથા મુડીવાદના સતાધીશો સરકારની સતાઓ ઉપર આવતા ગયા તેમ તેમ ગણોતધારાની જોડવાઈઓના વખતોવખત અર્થઘટન બદલીને ઈનામી ધારાઓના પુરોગામી અસરોને જુના ઠરાવો, પરીપત્રોની અસરોના સંદર્ભે ગરીબ ખેડૂતોના ગણોત ખેડૂત હક નાબુદ કરવાની રાજનીતિ અમલમાં આવી, અને તેની સાથે સાથે ૮૮-ખ ના મનઘડત સગવડીયા અર્થઘટન કરીને સંસ્થાઓ, ઉદ્યોગગૃહોને ખેતીની જમીનો ધારણ કરવાના ઠરાવો અને અધિનિયમો અમલમાં આવતા રહ્યા છે,

ગણોતધારાના અમલ સમયે ફૌજીઓ, વિધવાઓ, સગીર ખેડૂત ખાતેદારોને જમીન ખાલસા કરવાની જોગવાઈઓથી મુકિત આપવામાં આવી હતી

ગણોતધારાના અમલ સમયે જમીન ટોચમર્યાદા મુજબ પોષણક્ષમ બારમાસી જમીન માટે ૪ (૧૨) એકર, મોસમી જમીન માટે ૮ (૨૪) અને જિરાયત જમીન માટે ૧૬ (૪૮) એકર ની ટોચમર્યાદાઓ નિશ્ચિત કરવામાં આવી હતી, તેમાં સમયે સમયે જરૂરિયાત મુજબ સતાધીશોએ મુડીવાદીઓની તરફેણમાં ફેરફાર કરી દિધા હતા,

ગણોતધારાના ઉદેશ્ય અને ખેડૂતની વ્યાખ્યા મુજબ જાતે ખેતી કરતાં નથી તેવા કોઇ વ્યક્તિ કે કુટુંબ ખેડૂત ખાતેદાર ગણાય નહી અને ખેતીની જમીન ધારણ કરી શકે નહી, એટલે જાતે ખેતી કરતાં નથી એવા કાયમી સરકારી રાજયસેવકો, સરકારી પેન્શનરો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, કાયમી ખાનગી નોકરીયાતો, ટ્રસ્ટો અને સંસ્થાઓ જાતે ખેતી કરતાં ” ખેડૂત” નથી તેથી ખેતીની જમીનદાર બની શકતા નથી છતાં બહુમતી સભ્યો ધરાવતી મુડીવાદી જાતીવાદી સતાધીશોએ વખતોવખત મુળભુત અધિનિયમોની કલમોના મનસ્વી અર્થઘટનો કરીને મૂળભૂત અધિનિયમોના ઉલ્લંઘન કરતાં ઠરાવો, પરીપત્રો અને વિશેષ અધિનિયમો અમલમાં લાવીને ગણોત ધારાના વાસ્તવિક અધિનિયમના અસ્તિત્વ નામશેષ કરી દિધુ છે,

ખેતીની જમીનોના હક ચોકસી માટે કરવામાં આવતા પ્રમલગેશનનું કાયદાકીય મહત્વ વિશેષ છે પરંતુ સતાધીશો સામાન્ય નાગરીકના કોઇ અધિકારોનું પાલન કરતાં નથી,

જ્યારે કોઇપણ નાગરીકના જમીન મિલ્કતો વિશેના હક અધિકાર અને માલિકી નિશ્ચિત કરવા સમયે શ્રી સરકાર અને હક ધારણ કરનાર નાગરીક હોય છે બંને પક્ષકારો તથા પંચ સાક્ષી રૂબરુ ઉતરોતર દસ્તાવેજી આધારો અને પ્રવર્તમાન કાયદાઓનું પાલન કરીને તટસ્થ રીતે હક નિર્ધારણ કરવાનું હોય છે ખેતીની જમીનો અને ખેડૂત ની બાબતે નિર્ધારણ એટલે કે પ્રમલગેશન કરવા માટે સરકારી રાજય સેવક મહેસુલ અધિકારી અને જમીન ધારણ કરનાર ખેડૂત એમ બંને પક્ષોની હાજરી હોવી ફરજીયાત છે છતાં પણ ગુજરાતની સરકારના સતાધીશોએ ૨૦૧૬ માં શરુ કરેલા જમીન હક દસ્તાવેજોના ઓનલાઇન રેકોર્ડ આધુનીકરણના રીસર્વે પ્રમલગેશનની કાર્યવાહીઓમાં ખાનગી કોન્ટ્રાક્ટના બિનજવાબદાર રોજમદારો દ્વારા માપણી, દસ્તાવેજ સ્કેનીંગ અને કોમ્યુટરાઇઝડ ડેટા એન્ટ્રી કરીને એકપક્ષીય પ્રમલગેશન કરી લેવામાં આવ્યુ તેના કારણે લાખો ખેડૂતો પરેશાની અને સરમુખત્યારશાહીનો ભોગ બન્યા હોવાનું ચર્ચાય રહ્યું છે,

૧૯૫૪-૫૫ ના પ્રમલગેશન અને ૧૯૫૫-૫૭ ના ગણોતધારાના મુજબ જુની શરતની જમીન ધારણ કરનારા કોઇપણ મજકુરને તે પુર્વેના તથા તે પછીના કોઇપણ ઈનામી કે અન્ય નાબુદી અધિનિયમોની અસરો લાગુ પડતી નથી છતાં સતાધીશો દ્વારા વાડા, દેવસ્થાન, ઈનામી, જાત ઈનામી જેવા સતા પ્રકારની ૫૦ થી ૮૦ વર્ષથી ખેતી કરતા સિમાંત અને નાની વસતી ધરાવતા જમીન ધારકોનો ગણોતીયા હક નાબુદ કરવાના એક પછી એક ઠરાવો કરીને કરોડો રૂપિયાની લાખો હેકટર જમીનોના હક છિનવી રહેલ છે, બંધારણની દિવાની સમાનતાથી ૧૯૫૪ થી ૫૭ સુધીમાં કબ્જેદાર ભોગવટેદાર હોય તેવા હજારો ખેડૂતોના ખેડૂત હક નાબુદ કરવામાં આવ્યા છે અને બીજી તરફ શૈક્ષણિક સંસ્થાઓ, કૃષિ ઉદ્યોગપતિઓ, ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટોને ખેતીની જમીનો ખેડૂત દરજજે ખરીદવાની સતાઓ આપતા કાયદાઓ કરવામાં આવેલા છે,

વિવિધ ઇનામી, કે અન્ય જમીનો ધરાવતા ખેડૂતોની જમીનો એનકેન પ્રકારે ખેડૂત હક નાબુદ કરી અથવા ખાલસા કરાવીને અનધિકૃત રીતે અન્ય મુડીવાદી માલેતુજારો ખરીદી લે અથવા કબ્જે કરી લે તો આવી અનધિકૃત રીતે મેળવેલી જમીનોને દંડ વસુલી નિયમિત કરવાના ઠરાવો સતાધીશોએ અમલમાં લાવેલા છે.

જ્યારે પણ રાજયશાસનમાં જાતીવાદી અને મુડીવાદી રાજકારણનું એકધારુ સતા શાસન ચાલે ત્યારે ગરીબો અને પ્રમાણિક નાગરીકોના બંધારણીય અને વારસાઇ હક અધિકારો સતાકીય સરમુખત્યારશાહીથી કચડીને તેની જમીન મિલ્કતો પડાવી લેવામાં આવે છે. વિવરણ નિલેશ સોલંકી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here