દાહોદ જિલ્લાના તમામ ગામોમાં નલ સે જલનો પ્લાનિંગનો તબક્કો પૂર્ણ

0
29દાહોદના ૧૧ ગામોમાં ઘર સુધી પાણી આપવાની યોજના મંજૂર કરતા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી

નલ સે જલ યોજનામાં અસહકાર કરતા સરપંચો સામે પગલા લેવાની ચીમકી આપતા ડીડીઓ શ્રી તેજસ પરમાર

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની મહત્વાકાંક્ષી યોજના એવી નલ સે જલમાં દાહોદ જિલ્લો નિર્ણયાક તબક્કે પહોંચી ગયો છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આજે વધુ ૧૧ યોજનાઓને મંજૂરી આપતાની સાથે જ નલ સે જલ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના તમામ ગામોમાં ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવા માટેનું સો ટકા આયોજન થઇ ગયું છે.
જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના ચેરમેન ડો. ગોસાવીએ આ માસના પ્રારંભે રૂ. ૪૦૦ કરોડના કામોને મંજૂરી આપ્યા બાદ આજે તે વખતે બાકી રહી ગયેલા ૧૧ ગામોની પાણી પુરવઠા યોજનાઓને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી આપતાની સાથે નલ સે નલ યોજનાનો આયોજનનો મહત્વનો તબક્કો પૂર્ણ થઇ ગયો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સમગ્ર ગુજરાતમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામ ઘરોમાં નળ મારફત પાણી પહોંચાડવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ મહત્વનું કદમ છે.
જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની આજે મળેલી બેઠકમાં ફતેપુરા તાલુકાના ડુંગરા, આસપુર, પાડલિયા, પીપલારા, ખૂંટા, દાહોદ તાલુકાના વાંદરિયા, ખરોડ, ગલાલિયાવાડ, ઝાલોદના લીમડી અને ખેડા તથા લીમખેડા તાલુકાના પીપલાપાની ગામના કુલ મળી ૧૧૭૪૭ ઘરોને રૂ. ૧૦૮૨ લાખના ખર્ચથી પાણી પહોંચાડવામાં આવશે.
આ બેઠકમાં એવો પ્રશ્ન પણ ઉઠ્યો હતો કે નલ સે જલ યોજનામાં કેટલાક ગામોના સરપંચો સહકાર આપતા નથી તો કેટલાક ગામની પાણી સમિતિઓ યોજનામાં પૂરા થઇ ગયેલા કામો બદલ ચૂકવણા કરવામાં દાંડાઇ કરે છે. આ બાબતની ગંભીર નોંધ લેતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તાર માટે અતિજરૂરી એવી નલ સે જલ યોજનાના અમલીકરણમાં આડખીલ્લી બનતા સરપંચો સામે પંચાયત અધિનિયમ મુજબના પગલાં લેવામાં આવશે. તેમણે આવા ગામોની યાદી તૈયાર કરવા માટે વાસ્મોના અધિકારીઓને સૂચના આપી છે.
નિવાસી અધિક કલેક્ટર શ્રી એ. બી. પાંડોર, વાસ્મોના કાર્યપાલક ઇજનેર શ્રી ડી. આર. મોઢિયા, નિયામક શ્રી સી. બી. બલાત, પ્રાંત અધિકારી શ્રી રાજ સુથાર, શ્રી ગણાસવા, શ્રી ચૌધરી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here