ડાંગ: પાણીનો પ્રવાહ વધતા સૂપદહાડ કોઝવે કમ પુલ પરથી એક તણાયો

0
33
ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી તાંડવ યથાવત રહેતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી.ભારે વરસાદનાં પગલે અંબિકા નદીમાં પુર આવતા સૂપદહાડ કોઝવે અને કુમારબંધ કોઝવે ઊંડા પાણીમાં ગરક થઈ જતા કલાકો સુધી ત્રણેક ગામડાઓ જિલ્લાનાં વહીવટી મથકેથી સંપર્કવિહોણા બન્યા હતા.વધુમાં અંબિકા નદીને સાંકળતા સૂપદહાડ કોઝવે કમ પુલ ઉપરથી એક મોટરસાઇકલ સવાર તણાઈને મોતને ભેટ્યો..

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘમહેરે માઝા મુકતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ત્રણ દિવસથી દેમાર પડી રહેલ વરસાદનાં પગલે લોકમાતાઓમાં અંબિકા, ગીરા,ખાપરી,અને પૂર્ણા અધધ પાણીનાં પ્રવાહ સાથે બન્ને કાંઠે વહેતી જોવા મળી રહી છે.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે ડાંગી ખેડૂતો ડાંગર,વરઈનાં પાકોની રોપણીમાં વ્યસ્ત થઈ ગયા છે.બુધવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,શામગહાન,સોનુનિયા,માંળુગા, માનમોડી,સાકરપાતળ,વઘઇ,ઝાવડા,ભેંસકાતરી,મહાલ,બરડીપાડા,કાલીબેલ,સુબિર,સિંગાણા,લવચાલી,પીપલાઈદેવી,ગારખડી,ચીંચલી,પીપલદહાડ,આહવા,બોરખલ,ગલકુંડ સહીત સરહદીય પંથકોમાં ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વરસાદી માહોલે જમાવડો કરતા સમગ્ર જોવાલાયક પ્રાકૃતિક સ્થળો ખીલી ઊઠ્યા હતા.ડાંગ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે નાનકડા જળધોધ,વહેળા,કોતરડા,અને ઝરણાઓ અખૂટ જથ્થા સાથે બન્ને કાંઠે વહેતા થતા સમગ્ર દ્રશ્યો રમણીય બન્યા છે.

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં અંબિકા નદીને જોડતો સૂપદહાડનો નીચાણવાળો કોઝવેકમ પુલ ભારે વરસાદનાં પગલે ઊંડા પાણીમાં ગરક થયો હતો.આ ઊંડા પાણીમાં ગરક થયેલ કોઝવેકમ પુલ પરથી પસાર થઈ રહેલ મોટરસાઇકલ સવારો વધતા પાણીનાં પ્રવાહનાં કારણે તણાઈ જતા તેમાંથી એક ઇસમનું ડૂબી જવાથી મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી..     પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ ફૂલસ્ત્રપુરા જી.ખેડાથી મહેન્દ્રભાઈ શકરાભાઈ શેનવા ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ મોટાબરડા ગામે પરૂણા આવ્યા હતા.અને બુધવારે પ્રકાશકુમાર શેનવા પોતાના કાકા મહેન્દ્રભાઈ શેનવાને મોટરસાઇકલ.ન.જી.જે.15.એસ.એસ.0655 ઉપર બેસાડી બરડા-સૂપદહાડ થઈ બારીપાડા સ્ટેશન ઉપર જવા નીકળ્યા હતા.તે દરમ્યાન ભારે વરસાદમાં આ બન્ને ઈસમો પાણીમાં ગરક થયેલ સૂપદહાડનો કોઝવેકમ પુલ પરથી મોટરસાયકલ લઈ પસાર થઈ રહ્યા હતા.અને આ કોઝવેકમ પુલ ઉપર અચાનક ઉપરવાસનો પાણીની પ્રવાહ વધી જતા ઘટના સ્થળે મોટરસાયકલ સહિત મહેન્દ્રભાઈ શેનવા અને તેની સાથેનો સંબધી આ ધસમસતા પ્રવાહમાં તણાયા હતા.આ બનાવનાં લઈને ઘટના સ્થળે બૂમાબૂમ થતા ગ્રામજનો દોડી આવ્યા હતા.અહી તણાઈ ગયેલા ઇસમોમાંથી પ્રકાશભાઈ શેનવા ઉ.24 જેઓ નદીમાં પથ્થર ને પકડીને બહાર નીકળતા તેઓનો બચાવ થયો હતો.જ્યારે તેઓનાં કાકા મહેન્દ્રભાઈ શકરાભાઈ શેનવા.ઉ.45 રે.ફૂલસત્રપુરા.તા.કઠલાલ.જી.ખેડાનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે ડૂબી જઈ મરણ જનાર ઇસમની લાશનો કબજો મેળવી પી.એમનાં અર્થે શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાલમાં ફરીયાદી પ્રકાશભાઈ કાળા શેનવાની ફરીયાદનાં આધારે સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here