મોડલ સ્કુલ, લીમખેડા ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં આદિવાસી દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

0
17 

 

વનબંધુ યોજનાના અસરકારક અમલીકરણ થકી આદિવાસીબંધુઓના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ – જસવંતસિંહ ભાભોર
૦૦૦
મોડલ સ્કુલ, લીમખેડા ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં આદિવાસી દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
૦૦૦

વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને મંજૂરીપત્રો અપાયા
૦૦૦

દાહોદ, તા. ૯ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના યશસ્વી નેતૃત્વમાં રાજ્ય સરકારનાં પાંચ વર્ષ પૂર્ણ કરવાના અવસરે યોજાયેલા નવ દિવસીય સેવાયજ્ઞનાં નવમા દિવસે આદિવાસી દિવસ તરીકે રાજ્યભરમાં કાર્યક્રમ યોજાઇ રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ નવ તાલુકાઓમાં આદિવાસી દિવસનો કાર્યક્રમ યોજાયો છે. જેમાં લીમખેડા તાલુકામાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સાંસદશ્રીએ આદિવાસીઓનાં ગૌરવવંતા ઇતિહાસને યાદ કર્યો હતો અને ઉપસ્થિતી લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત મંજૂરી પત્રો એનાયત કરાયા હતા.
આદિવાસી દિવસના ઉપલક્ષમાં યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ શ્રી ભાભોરે જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનાં નેતૃત્વમાં રાજ્ય સરકાર આદિવાસીઓના સર્વાગી વિકાસ માટે કટિબદ્ધ છે. વનબંધુ કલ્યાણ યોજનાના બીજા તબક્કામાં રૂ. ૧ લાખ કરોડની ફાળવણી કરીને તેમણે આદિવાસી બંધુઓના વિકાસ માટેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૬૦ હજાર કરોડ ખર્ચીને અંબાજી થી ઉમરગામ સુધીનાં આદિવાસી વિસ્તારોનાં સર્વાગી વિકાસ કર્યો છે.
તેમણે ઉમેર્યું કે, વિશ્વ આદિવાસી દિવસે રાજ્યનાં ૫૩ તાલુકાઓમાં કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે અને મુખ્યમંત્રીશ્રી આદિવાસી બંધુઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવસિર્ટીનું ખાતમુહૂર્ત કરશે. તેમજ રૂ. ૧૨૨૨ કરોડનાં ખર્ચે ૭૦ કામોના ખાતમુહૂર્ત અને રૂ. ૪૮૭ કરોડનાં ૧૯૯ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. રાજ્ય સરકાર આદિવાસીઓના શૈક્ષણિક, સામાજિક, આર્થિક ઉન્નતિ માટે સતત કાર્યરત છે તે આદિવાસી વિસ્તારોના વિકાસ થકી પ્રત્યક્ષ દેખાઇ રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે વનબંધુ યોજનાની શરૂઆત કરાવીને આદિવાસીબંધુઓના વિકાસનો પાયો નાખ્યો હતો. મુખ્યમંત્રીશ્રી પણ તેમના પદચિહ્નો પર ચાલીને આદિવાસીઓના વિકાસ માટે અનેક યોજનાઓના અસરકારક અમલીકરણ થકી આદિવાસી વિસ્તારોનો દરેક ક્ષેત્રોમાં વિકાસ સાધ્યો છે.
આ અવસરે લીમખેડાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ ભાભોરે બિરસા મૂંડા ભગવાન અને આઝાદીનાં ઇતિહાસમાં આદિવાસી નરબંકાઓની શહાદતને યાદ કરી હતી.
કાર્યક્રમમાં મહાનુભાવોએ વિવિધ યોજનાઓ અંતર્ગત ૧૨ આદિવાસી લાભાર્થીઓને મંજૂરીપત્ર એનાયત કર્યા હતા.
રાજપીપળા ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમનાં જીવંત પ્રસારણને ઉપસ્થિતોએ રસપૂર્વક નિહાળ્યો હતો.
આ વેળાએ તાલુકા પંચાયતના પ્રમુખ સુશ્રી શર્માબેન જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી શરતનભાઇ ચૌહાણ, જિલ્લા પંચાયતનાં કૃષિસિંચાઇ સમિતિના ચેરમેન સુશ્રી રમીલાબેન, પ્રાંત અધિકારી શ્રી રાજ સુથાર, તાલુકા વિકાસ અધિકારી શ્રી ફતેસિંહ, લીમખેડા મોડલ સ્કુલનાં સોનલબેન પટેલ અને આચાર્ય શ્રી ગોપીકુમાર સહિતનાં અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
૦૦૦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here