ડાંગ જિલ્લાના સતી ખાતે ગ્રામિણ કૃષિ મૌસમ સેવા અંતર્ગત જાગૃતતા કાર્યક્રમ યોજાયો…

0
48


ડાંગ:-મદન વૈષ્ણવ

આપણો દેશ કૃષિ પ્રધાન હોવાના કારણે કૃષિ લક્ષી હવામાનની આગાહી ખેડુતો માટે ખુબ ઉપયોગી સાબીત થાય છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે કાર્યરત જિલ્લા કૃષિ હવામાન એકમ દ્વારા ખેડૂતો માટે કૃષિ સલાહ પત્રિકા દર મંગળવાર અને શુક્રવારે બનાવવામાં આવે છે અને તેને વ્હોટ્સએપ, ઈ-મેઈલ તેમજ ન્યુઝપેપર જેવા વિવિધ મિડિયા દ્વારા ખેડૂતો સુધી પહોચાડવામાં આવે છે. આ પત્રિકાની અંદર જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ આવનારા પાંચ દિવસોનું હવામાન કેવું રહેશે અને તેની પાકો પર શું અસર રહેશે તે અંગેની માહિતી આપવામાં આવતી હોય છે. તદઉપરાંત હવામાનને લીધે પાકોમાં થતી વિવિધ સમસ્યા અને તેમનું નિરાકરણ કઈ રીતે કરવું એ અંગેની માહિતી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હવામાન નિષ્ણાંત શ્રી શ્રેયાંસ ચૌધરી દ્વારા ખેડૂતોને અપાય છે.

આ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના સતી ગામ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. જી.જી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ જાગૃતતા અને તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ડૉ. પ્રતિક જાવિયા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા ડાંગરમાં “શ્રી” પદ્ધતિથી ખેતી કરીને કઈ રીતે બિયારણનો ખર્ચ બચાવવા તેની જાણકારી આપી હતી. શ્રી હર્ષદ પ્રજાપતિ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા આંબાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ તથા આંબામાં ચોમાસાની ઋતુ પછીના મહત્વના ખેતી કાર્યો વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.

શ્રી બિપિન વહુનિયા, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) દ્વારા સતી ગામનાં ૨૫ ખેડૂતોને ડાંગરમાં ગાભમારાની ઈયળ માટે ફેરોમેન ટ્રેપના નિદર્શન આપવામાં આવ્યા અને ડાંગરમાં રોગ-જીવાતની માહિતી આપી. કાર્યક્રમમાં ૨૫ થી વધારે ખેડૂતોએ ભાગ લીધો હતો અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાનો સંકલ્પ કર્યો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here