પોરબંદરના રાણાવાવ સ્થિત હાથી સિમેન્ટ ફેકટરીમાં ચીમનીના રિપેરીંગ કામ દરમિયાન અકસ્માત, 5 થી 6 મજૂરો દટાયા હોવાની આશંકા…

0
32


પોરબંદર
રિપોર્ટર :- હાર્દિક જોષી

પોરબંદર નજીકના રાણાવાવ- આદિત્યાણામાં આવેલ સૌરાષ્ટ્ર સિમેન્ટ લી. હેઠળની હાથી સિમેન્ટ ફેકટરીમાં આજે બપોરે બનેલી એક મોટી દુર્ઘટનામાં પાંચથી છ મજુરો દટાયા હોવાની આશંકા છે અને દટાયેલા આ મજુરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મામલે પોરબંદર કલેકટર સાથે ટેલિફોનિક વાતચીત કરી સત્વરે રાહત અન બચાવ કામગીરી માટે સૂચના આપી હતી. રાહત બચાવ માટે NDRFની બે ટીમ પણ મોકલવા માટે તંત્રને જરુરી સૂચના આપવામા આવી છે.


રિપેરીંગ કામ માટે બાંધવામા આવેલો માચડો તૂટતા દુર્ઘટના સર્જાઈ
ઘટનાની જાણવા મળતી વિગત મુજબ રાણાવાવ-આદિત્યાણામાં બરડા ડુંગર રોડ પર આવેલી સૌરાષ્ટ્ર સિમેન્ટ લી.ની હાથી સિમેન્ટ ફેકટરીમાં પિસ્તાલીસેક ફુટ ઉંચી ચીમનીમાં રીપેરીંગ કામ ચાલતું હતું. રીપેરીંગ કામ માટે ચીમનીના અંદરના ભાગમાં ત્રાપા ટેકાનો માચડો બાંધવામાં આવ્યો હતો. આ માચડો આજે બપોરના સમયે એકાએક ધડાકાભેર તુટી પડતા અંદર રીપેરીંગ કામ કરતા પાંચથી છ મજુરો દટાયા હોવાની શંકા વ્યક્ત થઇ રહી છે. બપોરની ઘટના બેએક કલાક બાદ જાહેર કરાઈ હોવાનું જાણવા મળેલ છે. ત્યાં સુધી ફેકટરીના સંચાલકો અને અધિકારીઓ દ્વારા પોતાની રીતે બચાવ કામગીરી કરી હતી. પરંતુ કોઇ જ રસ્તો ન મળતા અંતે તંત્રનું શરણું લેવું પડ્યું હતું.

પીસ્તાલીસેક ફુટ ઉંચી ચીમનીમાં અંદરથી કલર અને રીપેરીંગ કામ કરવા માટે જે માચડો બનાવ્યો હતો એ માચડાના સૌથી ઉપરના ભાગની સ્ટેફોલ્ડીંગ તુટતા આખેઆખો માચડો ઘડાકાભેર અંદર પડ્યો હોવાનું લોકોમાં ચર્ચા થઈ રહી છે. અંદર પડેલા આ માચડાને ઉપાડવા માટે ફેકટરી પાસે કે રાણાવાવમાં કોઇ વિશાળ ક્રેઇન ન હોવાથી બહારથી ક્રેઇન મંગાવ્યાનું જાણવા મળે છે. આવડીમોટી દુર્ઘટનાની જાણ થતા પત્રકારો ઘટના સ્થળે દોડી ગયા હતા. પરંતુ ફેકટરીના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. કોઇ જ પત્રકારને અંદર પ્રવેશવા દીધા ન હતા.

આ દુર્ઘટનાની જાણ થતા રાણાવાવ પોલીસ ડીવાયએસપી, મામલતદાર, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયા છે. મોડી સાંજે પોરબંદર ક્લેકટર અશોક શર્મા અને એસપી ડો. રિવ મોહન સૈની પણ ઘટના સ્થળે જાત નિરીક્ષણ માટે દોડી ગયા છે.

મુખ્યમંત્રીએ દુર્ઘટના અંગે કલેકટર સાથે વાતચીત કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદર જિલ્લામાં સિમેન્ટ ફેકટરીમાં થયેલી દુર્ઘટના અંગે જિલ્લા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરીને આ દુર્ઘટનામાં બચાવ રાહત અને સત્વરે યોગ્ય સારવાર મળે તે માટે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા મદદ માટેની સૂચના આપી છે. મુખ્યમંત્રીએ એન.ડી.આર.એફ.ની 2 ટીમ પણ આ કામગીરીમાં મદદરૂપ થવા મોકલી આપવાની સંબંધિતોને સૂચના આપી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here