જ્યાં જેસીબી પણ પાછું પડતું હતું ત્યાં આ શિક્ષક દંપતિએ ઊભુ કર્યું નંદનવન, શાક, ફળો અને ઔષધી બધુ જ ઘરમાં

0
49 

 

દાહોદના નાનકડા ગામના આ શિક્ષકનું ઘર લાગે છે રિસોર્ટ સમાન, લોકો જાય છે ખાસ ફોટોગ્રાફી કરવા. ગૌમૂત્રમાંથી જ જીવામૄત બનાવી વાવ્યાં છે ફળ-શાકભાજી અને ઔષધીઓ, જે તેઓ તો ખાય જ છે, સાથે-સાથે પડોશીઓ અને શાળાનાં બાળકોને પણ આપે છે. તો પક્ષીઓ માટે તો બની ગયું છે નાનકડું સુંદર વન….

દાહોદ જિલ્લાના માંડ 30-35 ઘરના કંકાસિયા ગામમાં રહેતા અશ્વિનભાઈ પટેલ અને તેમનાં પત્ની બંને શિક્ષક છે. રાજસ્થાનની બોર્ડરનું આ અંતિમ ગામ એકદમ પર્વતિય સ્થળ છે. એકદમ પથરાળ વિસ્તાર હોવાના કારણે અહીં જેસીબી પણ કામ કરતું નહોંતું, છતાં હિંમત ન હાર્યા અશ્વિનભાઈ અને આજે એટલું અદભુત ગાર્ડન બનાવ્યું છે કે, સતત અવનવાં પક્ષીઓના કલબલાટ સાથે મન પ્રફુલ્લિત થઈ જાય.

પહેલાં તેઓ સાવરકુંડલામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. જ્યાં ગામ લોકો અને શિક્ષકોની મદદથી તેમણે ખૂબજ અદભુત ગાર્ડન બનાવ્યું હતું. જ્યાં તેમણે લોકફાળાની મદદથી આખી નવી શાળા ઊભી કરી. અલગ-અલગ ઝાડના રોપા લાવી લાવ્યા. દરેક બાળકને એક-એક ઝાડ દત્તક આપ્યું. જે પણ વ્યક્તિ એક રોપો આપે, તેના નામથી એ ઝાડનું નામ પાડવામાં આવતું. આમ કરતાં-કરતાં ગામમાં અને બાળકોમાં નવો ઉત્સાહ ઊભો થયો, લોકોમાં વધુમાં-વધુ ઝાડ વાવવા માટેને ઉત્સાહ વધવા લાગ્યો. આમ કરતાં-કરતાં નાનકડા ગામની આ શાળામાં 600 કરતાં પણ વધારે ઝાડ-છોડ વવાઈ ગયા.

ત્યારબાદ દાહોદમાં આવ્યા બાદ અહીંની શાળામાં પણ તેમને ગાર્ડન બનાવવાનો બહુ પ્રયત્ન કર્યો, પરંતુ કેટલાંક કારણોસર શક્ય ન બન્યું એટલે તેમણે ઘરની આસપાસના વરંડામાં જ બગીચો બનાવવાનું શરૂ કર્યું.

પથરાળ જમીનના કારણે પડી બહુ મુશ્કેલીઓ
અહીં પથરાળ જમીનના કારણે કોદાળી-પાવડો ચાલવાની વાત તો અલગ-જેસીબી પણ પાછું પડવા લાગ્યું, પરંતુ હિંમત ન હાર્યા અશ્વિનભાઈ. તેમને ત્યાં બે ફૂટ ઊંડો ખાડો ચણાવી દીધો અને પછી તેની અંદર માટી ભરી ઝાડ-છોડ વાવવાનાં શરૂ કર્યાં. આ સમયે તેમની પાસે પાણીની વ્યવસ્થા પણ નહોંતી, તો તેમનાં પત્ની જાતે દૂર-દૂરથી ઘડા ભરી લાવે અને આ ઝાડ-છોડને પાય.

ઘરમાં રાખી છે એક ગાય પણ
અશ્વિનભાઈ ઘરમાં એક ગાય પણ રાખે છે, જે રોજનું 7 લિટર દૂધ આપે છે, જેથી ઘરે દૂધ, છાસ, ઘી વગેરે તો ચોખ્ખાં મળે જ છે, સાથે-સાથે ગાયના મૂત્ર અને છાણમાંથી તેઓ જીવામૃત બનાવે છે અને આ જીવાનૃતમાંથી જ તેઓ ગાર્ડનમાં ફળ-શાકભાજી વાવે છે અને ખેતરમાં ખેતી પણ કરે છે….

ફળ-શાકભાજી અને ઔષધીઓ બધુ જ ઘરનું
છેલ્લા ઘણા સમયથી અશ્વિનભાઈને બજારમાંથી કોઈ શાકભાજી લાવવાની જરૂર નથી પડતી. અશ્વિનભાઈએ ઘરે ભીંડા, દૂધી, ગલકા, તૂરિયા સહિત અનેક શાકભાજી વાવ્યાં છે. તો ફળોની વાત કરીએ તો તેમના ઘરમાં કેળાં, મોસંબી, બે પ્રકારનાં જામફળ, સીતાફળ, અમરખ, ખટુંબડાં, પપૈયાં, ચીકુ સહિત અનેક ફળ વાવ્યાં છે અને જીવામૃતથી ઑર્ગેનિક રીતે વાવતા હોવાથી તેમને ફાલ પણ બહુ સારો મળે છે અને સ્વાદ પણ. પતિ-પત્ની બંને શિક્ષક હોવાથી ઘરેથી શાળાએ જાય એટલે નાનાં બાળકો માટે ઘરનાં જ કેળાં, કમરખ વગેરે પણ લઈ જાય છે, અને આ જ કારણે તેમના વર્ગમાં ક્યારેય કોઈ બાળક ગેર-હાજર નથી રહેતું. તો ઔષધિની વાત કરવામાં આવે તો તેમના બગીચામાં તુલસીથી લઈને પારિજાત, બિજોરાં, બીલાં, ગળો સહિત અનેક ઔષધીઓના છોડ-વેલ છે.

અશ્વિનભાઈને ઘર માટે તો ક્યારેય બજારમાંથી ફળ-શાકભાજી નથી જ લાવવાં પડતાં, સાથે-સાથે અડોશ-પડોશમાં રહેતા લોકોને પણ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ-શાકભાજી મળી રહે છે. તો નાનકડા ગાર્ડનમાં અશ્વિનભાઈએ પક્ષીઓ માટે ઘણા માળા લગાવ્યા છે, જેથી અહીં સંખ્યાબંધ પક્ષીઓનો વસવાટ છે અને તે બધાંને પણ ખોરાક મળી રહે છે. અમે અશ્વિનભાઈ સાથે વાત કરી રહ્યા છીએ ત્યારે પણ, પક્ષીઓનો એટલો મધુર કલબલાટ સંભળાઈ રહ્યો છે કે, મન પ્રફુલ્લિત થઈ ગયું.

અશ્વિનભાઈ કોઈ કામથી બહાર ગયા હોય તો તેમનાં પત્ની, પુત્ર અને પુત્રવધુ બધી જ જવાબદારી માથે ઉપાડી લે. વાત ઝાડ-છોડને સમયસર પાણી આપવાની હોય કે પક્ષીઓને ચણ, બધુ સમયસર કરી લે, અને આ જ કારણે તેઓ આજે આટલો સુંદર બગીચો બનાવી શક્યા છે.

જીવામૃત બનાવવાની રીત
જો તમારા ઘરમાં એક ગાય હોય તો તેનાથી તમે પાંચ એકર જમીન માટે જીવામૄત બનાવી શકો છો. સતત રાસાયણિક ખાતરોના ઉપયોગના કારણે જમીનમાંથી પોષકતત્વો ખતમ થઈ રહ્યાં છે ત્યાં આ જીવામૃત ખૂબજ ઉપયોગી નીવડી શકે છે. જેની રીત ખૂબજ સરળ અને દરેકને પોષાય એમ છે. એક મોટા ડ્રમમાં પાણી લો અને અંદર 15-20 લિટર ગૌમૂત્ર અને એટલું જ છાણ નાખો, ત્યારબાદ અંદર એકથી દોઢ કિલો દેશી ગોળ અને બેસન નાખી હલાવો. જો શક્ય હોય તો ગાયના દૂધમાંથી બનાવેલ છાસ નાખો અને 15-20 દિવસ સુધી હલાવતા રહો, તૈયાર થઈ જશે આ જીવામૃત. હવે લગભગ 20 લિટરના પંપમાં એક લીટર જીવામૃત અને બાકીનું પાણી મિક્સ કરી દર 21 દિવસે ઝાડ-છોડને આપતા રહો, ઝાડ-છોડનો વિકાસ એટલો અદભુત થશે કે, તમને વિશ્વાસ નહીં આવે.
તો સરકાર પણ જે ખેડૂતો ગાય રાખવા ઈચ્છે તેને સહાય કરે છે, જેથી ખેડૂતો પણ રાસાયણિક ખાતર બનાવવાની જગ્યાએ જાતે જીવામૃત બનાવે અને તેનાથી જ ખેતી કરે તો, રસાયણ રહિત પાક મળી રહે છે, જે ક્યારેય કોઈના સ્વાસ્થ્યને નુકસાન નથી પહોંચાડો…

કુદરતી પેસ્ટિસાઇડ્સ
અશ્વિનભાઈ ઘરના બગીચા અને ખેતર માટે પેસ્ટિસાઇટ્સ (જંતુનાશક દવા) પણ ઘરે જ બનાવે છે અને તે પણ એક રૂપિયાના ખર્ચ વગર. 20 લિટર ગૌમૂત્ર, લીમડાનાં પાન, લસણ, સીતાફળનાં પાન, મરચાની પેસ્ટ અને આકડાના પાન અને તમાકુ નાખી તેને ઉકાળી લો અને તેને ગાળીને તેના છંડકાવ કરવાથી ઝાડ-છોડ પર કોઈપણ જાતની ઈયળ કે જીવાત નથી પડતી.

ઘરે જ રોપા બનાવી આપે છે મિત્રો સંબંધીઓને
અશ્વિનભાઈ તેમના ફ્રી સમયમાં વિવિધ ઔષધીઓ અને ફૂલછોડના રોપા બનાવે છે અને મિત્રો સંબંધીઓને મફતમાં આપે છે અને તેમને ઘરે જેટલી પણ જગ્યા હોય તેટલા છોડ વાવવા માટે તેમને પ્રેરે છે.

વિકસાવી ફુવારા પદ્ધતિ
બગીચા માટે તેમણે જાતે જ ફુવારા પદ્ધતિ બનાવી છે, જેથી તેમના બધા જ ઝાડ-છોડ ઓછા પાણીથી હરિયાળા રહે છે. અને ફુવારાથી પાણીનો છંટકાવ થવાથી ઝાડ-છોડ પણ ખીલી ઊઠે છે.
તે પાણી બચાવની બીજી વાત કરીએ તો, તેઓ ઘરમાં કપડાં-વાસણ માટે વપરાયેલ પાણીનો ઉપયોગ ગાર્ડનિંગ માટે કરે છે, જેથી જરા પણ પાણીનો બગાડ ન થાય.

No Plastic
અશ્વિનભાઈ પ્લાસ્ટિકના પણ એકદમ વિરોધી છે. આ બાબતે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં અશ્વિનભાઈએ કહ્યું, “પ્લાસ્ટિક આપણી પ્રકૄતિ અને પ્રાણીઓ બધાંને બહુ નુકસાન કરે છે. જમીનમાં પ્લાસ્ટિક દબાવાથી જમીન તો પ્રદૂષિત થાય જ છે, સાથે-સાથે ગાયો પણ પ્લાસ્ટિક ખાઈ જાય તો તેનાથી તેમને પણ બહુ નુકસાન થાય છે, એટલે અમે અમારા ઘરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ટાળીએ છે.”

પ્રાણી કૃરતા નિવારણ
પ્રાણીઓ માટે ખૂબજ લાગણી ધરાવતા અશ્વિનભાઈના વિસ્તારમાં ક્યાંય પણ સાપ નીકળે તો અશ્વિનભાઈને ફોન આવી જાય અને અશ્વિનભાઈ પળનો પણ વિલંબ કર્યા વગર ત્યાં પહોંચી જાય છે અને સાપને પકડીને તેને જંગલમાં છોડી આવે છે. એ સિવાય ક્યાંય પણ કોઈ પ્રાણી-પક્ષી એક્સિડન્ટમાં ઘાયલ થયું હોય તો તેઓ તેની પણ સારવાર કરે છે.

પોતે સરકારી શાળામાં શિક્ષક હોવા છતાં રોજ સાંજે ગાયને ચરાવવા અને કૂતરાને આંટો મરાવવા જાતે જ વગડામાં લઈ જાય છે અને તેમનાં પત્ની પણ જાતે ઘાસનો ભારો માથે ઉપાડી લાવે છે.

આજે એકદમ નાનકડા ગામમાં અશ્વિનભાઈનું ઘર રિસોર્ટ સમાન બની ગયું છે. આસપાસથી લોકો ખાસ ફોટોગ્રાફી કરવા માટે તેમના ઘરે આવે છે અને જે પણ લોકો ફોટોગ્રાફી કરવા આવે તેમને અશ્વિનભાઈ હોંશેહોંશે એકાદ રોપો બનાવીને આપે કે કલમ બનાવીને પણ આપે છે.

તો અશ્વિનભાઈના દીકરાએ પણ અત્યારે નર્સરી બનાવી છે. અને તેઓ તેમના વિસ્તારમાં જ્યાં પણ રોપાની જરૂર પડે, બજારભાવ કરતાં લગભગ અડધા ભાવમાં રોપા આપે છે અને તે પણ સ્થળ પર જઈને આપી આવે છે. જો જરૂર હોય તો તેમને વ્યવસ્થિત પ્લાનિંગ પણ બનાવી આપે છે કે, કઈ જગ્યાએ કયો છોડ કે ઝાડ વાવવું જોઈએ અને તેની કેવી રીતે સંભાળ રાખવી જોઈએ.

હવે ભવિષ્યની યોજના અંગે વાત કરતાં અશ્વિનભાઈએ કહ્યું, “બહુ જલદી હું મારા ઘરમાં રેન વૉટર હાર્વેસ્ટિંગ અને સોલર પેનલ પણ નખાવી રહ્યો છું, જેથી વિજળી અને પાણી માટેની નિર્ભરતા પણ જતી રહે અને તેના કારણે પ્રકૃતિને થતા નુકસાનને ઘટાડી શકાય.”

આજે એક તરફ જે રીતે ગ્લોબલ વૉર્મિંગ વધી રહ્યું છે, એ જોતાં દરેક વ્યક્તિએ પોતાનાથી શક્ય હોય એટલાં આ તરફ પગલાં ભરવાં જ જોઈએ..

@copy+Paste=ધ બેટર ઇન્ડિયા સાઇટ+નિશા જનસારી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here