ગુજરાતના મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આંકોલીયા ની ઉપસ્થિત માં નાંદોદ ના જીતનગર ખાતે ૭૨ મો વનમહોત્સવ ની ઉજવણી

0
25ગુજરાતના મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આંકોલીયા ની ઉપસ્થિત માં નાંદોદ ના જીતનગર ખાતે ૭૨ મો વનમહોત્સવ ની ઉજવણી

રાજપીપલા મુખ્ય મથકે જીતનગર ખાતે મહાનુભાવોના હસ્તે કરાયેલું વૃક્ષા રોપણ

રાજપીપલા : જુનેદ ખત્રી

ગુજરાતના મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આંકોલીયાની ઉપસ્થિતિમાં રાજપીપલામાં નર્સિગ સ્કૂલ-જીતનગર ખાતે ૭૨ માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની યોજાયેલી ઉજવણીને દિપ પ્રાગટય દ્વારા ખૂલ્લી મૂકાઇ હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આંકોલીયાએ માનવીના જીવનમાં વૃક્ષોનુ મહત્વ અને અગત્યના સમજાવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌ પ્રથમ વન મહોત્સવનો પ્રારંભ શ્રી કનૈયાલાલ મુન્શીના હસ્તે કરાયો હતો. ત્યારબાદ દર વર્ષે વૃષારોપણની ઉજવણી થઇ રહી છે ત્યારે ગુજરાતમાં પણ ચાલુ વર્ષે ૧૦ કરોડ વૃક્ષોના વાવેતરનો લક્ષ્યાંક સિધ્ધ થાય તે માટે પ્રત્યેક નાગરિકે વૃક્ષ વાવવાના સંકલ્પ સાથે તેનો યોગ્ય ઉછેર, જતન અને સંવર્ધન થાય તે માટે સૌ કોઇએ કટિબધ્ધ થવા તેમણે ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો.

ગુજરાતમાં ૩૩ ટકા વન વિસ્તારની જરૂરીયાત સામે ૧૧ ટકા વન વિસ્તાર હોવાનો ઉલ્લેખ કરી લીલાબેન આંકોલીયાએ જણાવ્યું હતું કે, વૃક્ષો એ માનવીના જીવનનો આધાર છે. ત્યારે સરકારી, અર્ધસરકારી જગ્યાઓ, શાળા, કોલેજો, બાગ બગીચા ઉપરાંત શકય તેટલી ખૂલ્લી જગ્યાઓમાં મહત્તમ વૃક્ષારોપણ થાય અને તેમાંય ખાસ કરીને ઔષધીય રોપાઓનું વાવેતર કરવાની હિમાયત કરતા તેમણે ઉમેર્યુ હતું કે, આદિવાસી વિસ્તારની બહેનો પોતાના મકાનના વાડામાં શાકભાજીનું વાવેતર કરીને પૂરક રોજગારી થકી પોતાના પરિવારને આર્થિક રીતે સહાયરૂપ બનતી હોય છે, ત્યારે નર્સરીમાં નાના-નાના ફૂલછોડના ઉછેર અને તેના વેંચાણ થકી પોતે પણ આત્મનિર્ભર બને છે, ત્યારે આ પ્રવૃત્તિમાં વધુને વધુ મહિલાઓ જોડાય અને પર્યાવરણની સમતુલા જાળવવાના પ્રયાસોમાં જરૂરી યોગદાન દ્વારા તેમાં સહયોગી બને તેવી અભિલાષા તેમણે વ્યકત કરી હતી.

આ પ્રસંગે લીલાબેન આંકોલીયા અને ઉપસ્થિત મહાનેભાવોના હસ્તે અનુસુચિત જાતિના ૪૦ જેટલા લાભાર્થીઓને રૂા. ૪.૯૮ લાખથી પણ વધુ રકમની કિટ્સ તેમજ ૪૦ હજાર રોપાઓનું વનીકરણ કરનાર લાભાર્થીઓને કિટ્સ વિતરણ રૂા. ૧.૨૫ લાખના ખર્ચે ૫૦ લાભાર્થીઓને નિર્ધૂમ ચૂલા તેમજ ૭૭ લાભાર્થીઓને વન મહોત્સવ હેઠળ કુલ ૮.૮૦ લાખ રોપાઓના વિતરણ, પર્યાવરણ જાગૃતિ અને વન બંધુઓના આરોગ્યની સુધારણામાં સહભાગી થયેલ સંસ્થાઓને ઉત્કૃષ કામગીરી બદલ સંસ્થાના વૃક્ષમિત્ર પ્રતિનિધિને પ્રશસ્તિપત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. તેવી જ રીતે રૂા. ૧,૮૦,૭૧,૩૮૬/- ની રકમના ચેકો પટૃી વાવેતર વૃક્ષ હરાજીથી ઉપલબ્ધ થયેલ રકમની ૫૦ ટકા રકમ તાલુકા પંચાયત લાભાર્થીઓને વિતરણ માટે સંબંધિત તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને એનાયત કરાયાં હતા.

કાર્યક્રમના અંતમાં શ્રીમતી લીલાબેન આંકોલીયા સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યુ હતું. ત્યારબાદ પર્યાવરણ જાગૃતિ રોપ વિતરણ “વન રથ” ને લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here