ઝાલોદના કંબોઇ ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી

0
26 

 

સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ વૃક્ષ વાવી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો

દાહોદનાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લા કક્ષાના ૭૨માં વન મહોત્સવની ગોવિંદ ગુરુના પ્રસિદ્ધ યાત્રાધામ કંબાઇ ખાતે કરવામાં આવી હતી. માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદ ગુરુના મંદિર પરિસરમાં વન વિભાગ દ્વારા ૧૫૦૦ જેટલા વિવિધ વૃક્ષો વાવીને ઉપવન બનાવવામાં આવી રહ્યું છે.
વન મહોત્સવના ઉપલક્ષમાં કંબાઇ ખાતે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા સાંસદ શ્રી ભાભોરે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગુરુ ગોવિંદને યથોચિત સન્માન આપવામાં આવ્યું છે. માનગઢ ખાતે સ્મૃતિસ્થાન, ગોધરા ખાતે યુનિવર્સિટી બાદ કંબોઇ મંદિર પરિસરનો રૂ. ૩.૫ કરોડના ખર્ચથી પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યા છે. તેનાથી આદિવાસી યાત્રાળુઓને સારી સુવિધા મળી રહેશે.
વન અને પર્યાવરણની બાબતમાં સાંસદશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારના પ્રયત્નોને કારણે રાજ્યમાં વનાચ્છાદિત વિસ્તારમાં વૃદ્ધિ થઇ રહી છે. પ્રાકૃતિક સંરચનામાં વૃક્ષો મહત્વની સાંકળ છે. પણ, વધતી જતી વસતીની સાપેક્ષે વૃક્ષો આપણે તેના સંરક્ષણ અને સંવર્ધન માટે વધુ જાગૃત થવું પડશે. આપણને જે કુદરતી વારસો મળ્યો છે, તે આપણે આવનારી પેઢીને આપવો પડશે. તેથી સૌ સંકલ્પબદ્ધ થઇ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના ક્લિન ગુજરાત, ગ્રિન ગુજરાતના અભિયાનમાં સામેલ થાય અને વૃક્ષો વાવીને તેનું જતન કરે એવું આહ્વાન છે. તેમ, તેમણે અંતે જણાવ્યું હતું.
નાયબ વન સંરક્ષક શ્રી આર. એમ. પરમારે કહ્યું કે, દાહોદ જિલ્લામાં વાવેતરના હેતુંથી લોકોને નિઃશુલ્ક વિતરણ કરવા માટે ૬૦ લાખ રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ વૃક્ષારોપણ કરવામાં આવશે. જે અંતર્ગત ૧૯૧ ગામમાં ૯૫૫૦૦ રોપાઓ, તાલુકા કક્ષાએ ૩૩૫૦ અને જિલ્લા કક્ષાએ ૧૫૦૦ રોપાઓનું વાવેતર-વિતરણ કરાયું છે.
તેમણે માહિતી આપતા જણાવ્યું કે, વનવિભાગ દ્વારા ૧૮.૫૦ લાખ રોપાઓનું ખાતાકીય વાવેતર, વિવિધ સંસ્થાઓ મારફત ૬.૨૧ લાખ સુશોભિત ફુલોવાળા, ઔષધિય તેમજ ઇમારતી રોપાઓ વિતરણ કરવા માટે ઉછેરવામાં આવ્યા છે. કિસાન અને મહિલા નર્સરી દ્વારા ૪.૬૦ લાખ રોપાઓ વિતરિત કરાશે. તેમજ સ્વસહાય જુથ મારફતે ૨ લાખ રોપાઓ વિતરિત કરાશે. આ ઉપરાંત લીમખેડા ખાતેની નર્સરીમાં ૧૦ લાખ રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક પરિવારમાં આવતા પ્રસંગો ઉપર વૃક્ષ વાવીને તેને કાયમી સ્મૃતિ આપી શકાય છે. લોકોએ આ બાબતે આગળ આવે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વૃક્ષો વાવીને તેનું જતન કરવા અપીલ કરી હતી.
આ વેળાએ વન વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને રૂ. ૫.૫ લાખની સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે વન વિભાગમાં ઉત્તમ કામગીરી કરનારા કર્મયોગીઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ મંદિરમાં દર્શન કર્યા બાદ વૃક્ષારોપણ કર્યું હતું.
આ વેળાએ ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ ભાભોર, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, સભ્ય શ્રી સુધીરભાઇ લાલપુરવાળા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રમેશભાઇ ભાભોર, કંબોઇના સરપંચશ્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here