૭૫મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ જૂનાગઢમાં યોજાયો

0
162જૂનાગઢ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ૭૫મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં તિરંગાને સલામી આપી હતી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના પ્રજાજનોને ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી ગુજરાતના વિકાસની ગૌરવગાથા જણાવતા કહ્યુ કે, ગુજરાતે વિકાસના નવા સીમા ચિન્હો પ્રસ્થાપિત કરી સ્વરાજ થી સુરાજ્યના સંકલ્પ સાથે ઉત્તમથી સર્વોત્તમ બનવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે.

ગુજરાતની હરીફાઇ હવે કોઇ રાજ્ય સાથે નહીં પરંતુ વિશ્વ સાથે છે તેમ સગૌરવ જણાવી મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં નાખેલા વિકાસના મજબૂત પાયા પર હવે વિશ્વકક્ષાના સ્થાપિત થઇ રહેલા પ્રોજેક્ટ્સ અને ગુજરાતની નવી ઉંચાઇ અને સિદ્ધિઓ જણાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સંત, શૂરા અને ગરવાગઢ ગિરનાર અને ગીરના સિંહોની ભૂમિ પરથી ૭૫મા સ્વાતંત્રય પર્વ અને આઝાદી કા અમૃત મહોત્સવની શુભકામના પાઠવી જૂનાગઢને ભારતનું અભિન્ન અંગ બનાવવા લોકશક્તિ સાથે આરઝી હકૂમતની લડત કરનાર સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ દેશની આઝાદી માટે ૧૮૫૭ થી ૧૯૪૭ સુધીના સ્વાતંત્ર્ય સંગામના વીરો-શહીદોને વંદન કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ૭૫માં સ્વાતંત્રય પર્વ નિમિતે જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉજ્જવલા ૨.૦ યોજનાની જાહેરાત કરી છે તે અંતર્ગત ગુજરાતમાં પાંચ લાખ ગેસ કનેક્શન રાહત દરે આપવામાં આવશે.

આ ઉપરાંત રાજ્યની બાવન નગરપાલિકાઓને દૈનિક પાણી પુરવઠા યોજના માટે ૭૮૦ કરોડની ફાળવણી કરાશે. યોજના દીઠ રૂ.૧૫ કરોડનો લાભ મોટી નગરપાલિકાઓને મળશે. રાજ્યની નગરપાલિકા જનહિતમાં કાર્યો કરવા પ્રેરાય તે માટે નગરપાલિકાઓને સ્ટાર રેન્કીંગ આપવામાં આવશે.

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના સહાય ધોરણમાં વધારો કરતા જણાવ્યુ હતુ કે, હવે આ યોજનામાં ખેડૂતને ગોડાઉન બનાવવા રૂ.૩૦ હજારના બદલે રૂ.૫૦ હજાર આપવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં કોરાનાના સંક્રમણને કાબુમાં લેવાયેલા પગલા, તાઉતે વાવાઝોડામાં ખડેપગે રહીને અસરગ્રસ્ત લોકો-ખેડૂતોને તાત્કાલિક સહાય-સધિયારો, કિસાનોને પ્રગતિ માટે સહાય, મહિલાઓના ઉત્કર્ષ, દિવ્યાંગો, ગંગાસ્વરૂપા બહેનો, યુવાઓને રોજગારી તેમજ પાંચ વર્ષમાં સુશાસન, ઇમાનદારી અને સંવેદના પુર્વક સેવાકીય કામગીરી થકી કરેલી કામગીરીની તલસ્પર્શી માહિતી આપી હતી. ગુંડાગીરી નાબુદી, ગૌ હત્યા નિવારણ, ભૂ-ડ્રગ્સ માફીયા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ કહી ગુજરાતમાં પ્રજાની શાંતિ-સુખાકારી અને સલામતિ માટે લેવાયેલા શ્રેણી બદ્ધ પગલાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ તકે મુખ્યમંત્રીશ્રીએ વતન પ્રેમ યોજનાનુ ગીત નિર્દશર્ન નિહાળી આ યોજના વતન પ્રત્યેનો ઋણ ચુકવવાનો અવસર પુરો પડે છે તેમ જણાવ્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત પોલીસને વધુ સજ્જ કરવા, ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુના ખોરી ડામવા ગુજરાત પોલીસને ૧૦,૦૦૦ બોડી વોર્ન કેમેરા અને ૧૫ ડ્રોન કેમેરા અર્પણ કર્યા હતા. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગીર સોમનાથ કેમેરાથી સજ્જ પોલીસ કેમેરાનું લાઇવ ડેમોસ્ટ્રેશન નિહાળ્યું હતુ. પોલીસમેન અને અધિકારીઓને કેમેરા અર્પણ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલી સ્વાતંત્ર્ય સેનાની લાભશંકરભાઇ દવેનું સન્માન કરી વૃક્ષારોપણ કર્યુ હતુ. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી કોરોના વોરીયર્સને મળ્યા હતા તેમજ સાંસ્કૃતિક અને સાહસ ભર્યા નિદર્શન કરનાર પોલીસ જવાનો અને મહિલા પોલીસ સહિત સૌ કલાકારોને મળીને બિરદાવ્યા હતા. આ તકે ૧૫ પ્લાટુન દ્વારા પરેડ નિરીક્ષણ અને પ્લાટુનમાં ૫૪૫ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

આ પ્રસંગે પોલીસ જવાનો દ્વારા રશીયન પીટી, જીમ્નાસ્ટીક, મલખમ, દેશની એકતાને ઉજાગર કરતુ લેજીમ નૃત્ય, દિલધડક મોટરસાઇકલ સ્ટંટ શો તેમજ રાજ્યના ગૌરવંતા શ્વાન દળનું નિદર્શન અને અશ્વ શો એ કૌવત અને કૌશલ્ય દેખાડ્યુ હતુ. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડ સ્થિત સૌ કોઇ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ પ્રસંગે શ્રીમતિ અંજલીબેન રૂપાણી, રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના અધિક મુખ્ય સચિવ સી.વી.સોમ મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, મુખ્યમંત્રીશ્રીના સચિવ અશ્વિની કુમાર, સચિવ લોચન ચહેરા, ડીજીપી  આશિષ ભાટિયા, ઓ.એસ.ડી. ડી.એસ.શાહ, મેયર ધીરૂભાઇ ગોહેલ, મહંતશ્રી મુક્તાનંદ બાપુ, શ્રી શેરનાથ બાપુ, શ્રી હરીહરાનંદ બાપુ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શાંતાબેન ખટારીયા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય  દેવાભાઇ માલમ, બાબુભાઇ વાજા, ભીખાભાઇ જોશી, હર્ષદભાઇ રીબડીયા, જિલ્લા કલેક્ટ રચિત રાજ, ડીડીઓ મીરાંત પરીખ, જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઇ શર્મા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ, પ્રબુદ્ધ નાગરિકો કોવીડ પ્રોટોકોલનુ પાલન કરી ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : ભરત બોરીચા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here