ડાંગ જિલ્લામાં મેઘમહેર યથાવત જિલ્લાનાં 5 કોઝવે પાણીમાં ગરકાવ રહેતા જનજીવન સહિત પશુપાલન પ્રભાવિત..

0
219ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સાર્વત્રિક વરસાદ યથાવત રહેતા ચારેય લોકમાતાઓ ગાંડીતૂર બની.સતત બીજા દિવસે 5 થી વધુ કોઝવેકમ પુલો દિવસભર પાણીમાં ગરકાવ રહેતા અહીનું જનજીવન પશુપાલન પ્રભાવિત થયુ હતુ….
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજાનાં વરસાદે ધબધબાટી બોલાવતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,શામગહાન,સાકરપાતળ,વઘઇ,પીંપરી,ભેંસકાતરી,આહવા,ઝાવડા,કાલીબેલ,બરડીપાડા,સુબિર,બોરખલ, ચીંચલી સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ગુરુવારે દિવસ દરમ્યાન ક્યાંય ધોધમાર સ્વરૂપેનો તો ક્યાંક મધ્યમ સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી.

ડાંગ જિલ્લામાં સતત ત્રણ દિવસથી પડી રહેલા વરસાદી માહોલનાં પગલે જિલ્લાની લોકમાતા નદીઓમાં અંબિકા,ખાપરી,પુર્ણા અને ગીરા પાણીની આવક સાથે ધસમસતી જોવા મળી હતી.ડાંગ જિલ્લામાં ગુરુવારે વરસાદી રેલમછેલનાં પગલે મુખ્ય માર્ગો પર પાણી ઉભરાયા હતા.ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે ઘોડવહળ કોઝવે,સૂપદહાડ કોઝવે કુમારબંધ કોઝવે ચવડવેલ કોઝવે,ગાયખાસ કોઝવે દિવસ દરમ્યાન પાણીમાં ગરક રહેતા અહીના ગામડાઓનું જનજીવન સહિત પશુપાલન પ્રભાવિત થયુ હતુ. ડાંગ જિલ્લાનાં અંબિકા નદીમાં તથા ગીરા નદીમાં સતત બીજા દિવસે પાણીની આવક વધતા વઘઇનો ગીરાધોધ અને ગીરમાળનો ગીરાધોધ અધધ પાણીનાં પ્રવાહ સાથે પ્રવાસીઓ માટે આકર્ષણનાં કેન્દ્રો બન્યા હતા.ડાંગ જિલ્લામાં ગુરુવારે નાનકડા જળધોધ,વહેળા,ઝરણાઓ અધધ પાણીનાં પ્રવાહ સાથે  ગાંડાતુર બનતા સમગ્ર દ્રશ્યો રમણીય ભાસી ઉઠ્યા હતા.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર બુધવારે સાંજે 6 વાગ્યાથી ગુરુવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 33 મિમી અર્થાત 1.32 ઈંચ, આહવા પંથકમાં 59 મિમી અર્થાત 2.36 ઈંચ,સાપુતારા પંથકમાં 79 મિમી અર્થાત 3.16 ઈંચ જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં 98 મિમી અર્થાત 3.92 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here