શ્રી ઝવેરચંદ મેઘાણીની સવાસોમી જન્મ જયંતિ નિમિત્તે વઘઈ ખાતે યોજાયો ‘કસુંબી નો રંગ’ કાર્યક્રમ..

0
206



ડાંગ:- મદન વૈષ્ણવ

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની જીવન ઝરમર વર્ણવતા સહકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, તથા વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ગુજરાત, અને ગુજરાતી સાહિત્યને અદકેરું સ્થાન અપાવનારા મેઘાણીજીની ૧૨૫મી જન્મજયંતી ઉજવણીનો રાજ્ય સરકારનો હાર્દ સ્પષ્ટ કર્યો હતો.
ગુજરાતના સપુત એવા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના વતન ખાતે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પાંચ કરોડના ખર્ચે સંગ્રહાલય તૈયાર કરાશે, તેમ જણાવતા મંત્રી શ્રી પટેલે ગુલામી કાળમા શૌર્યસભર સાહિત્યનુ સર્જન કરીને દેશના યુવાનોમા દેશભક્તિ જગાવનારા કવિ, અને સાહિત્યકાર એવા મેઘાણીજીના સાહિત્ય અને સંસ્કારના અમુલ્ય વારસાથી દેશની ભાવી પેઢીને અવગત કરાવી શકાય તે માટે પણ રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ ઉમેર્યું હતુ.

દેશ જયારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ગુજરાતના યુવા અને સંસ્કૃતિક વિભાગ દ્વારા આઝાદી સાથે સંકળાયેલા આવા વીર પુરુષોના ચારિત્ર્યને નવી પેઢી સમક્ષ ઉજાગર કરવામા આવી રહ્યો છે તેમ પણ મંત્રીશ્રીએ વધુમા જણાવ્યુ હતુ. ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે રાજ્યભરના ૩૩ જિલ્લાઓના ગ્રંથાલયો ઉપરાંત ૨૫૧ જેટલા તાલુકા ગ્રંથાલયો ખાતે મેઘાણી સાહિત્ય પહોંચાડીને, ભાવી પેઢીને તેમના સાહિત્યથી પરિચિત થવાનો મોકો પણ પૂરો પાડવામા આવી રહ્યો છે, તેમ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે વધુમા જણાવ્યુ હતુ.

ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વઘઈ સ્થિત એગ્રીકલ્ચર કોલેજ ખાતે યોજાયેલ ‘કસુંબી નો રંગ’ કાર્યક્રમ દરમિયાન મેઘાણી સાહિત્યનુ વિતરણ કરી મંત્રીશ્રીએ શ્રી ઝવેરચંદ મેઘાણીના શૌર્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી પણ નિહાળી હતી. આ વેળા મેઘાણીજીના જીવન કવનને આવરી લેતી દસ્તાવેજી ફિલ્મનુ પણ પ્રસારણ કરાયુ હતુ.
કાર્યક્રમની શરૂઆતમા મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કોલેજના પ્રિન્સીપાલ શ્રી કે.ડી.પટેલે કર્યું હતુ. દરમિયાન ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગામીત, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત, ડીઝાસ્ટર મામલતદાર શ્રી જયેશ પટેલ, જિલ્લા રજીસ્ટ્રાર શ્રી સુરેન્દ્ર ભોયે, રમતગમત અધિકારી શ્રી વિરલ પટેલ અને રાહુલ તડવી, સહીત વઘઈ નગરના સરપંચ અને સામાજિક અગ્રણીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here