1લી સપ્ટેમ્બરથી પ્રાથમિક શાળાઓ હવે રાબેતા મુજબના સમયે ચાલુ રહેશે

0
237

Gandhinagar: રાજ્યની પ્રાથમિક સ્કૂલો હવે તેના રાબેતા મુજબ સમય મુજબ ચાલુ રાખવાનો નિર્ણય પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા લેવામાં આવ્યો છે. અત્યાર સુધી કોવિડ-19ના કારણે રાજયની પ્રાથમિક શાળાઓમા ઓનલાઈન શિક્ષણ ચાલતું હોવાથી પ્રાથમિક સ્કૂલોનો સમય સવારનો કરવામાં આવ્યો હતો. જોકે, હવે સરકારે પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-6થી 8ના પ્રત્યક્ષ વર્ગો શરૂ કરવાની જાહેરાત બાદ 1 સપ્ટેમ્બરથી તમામ પ્રાથમિક સ્કૂલોનો સમય રાબેતા મુજબ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં આવેલી પ્રાથમિક સ્કૂલોમા 7 જૂન, 2021થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. નવા સત્રના પ્રારંભ સાથે જ કોરોનાની સ્થિતિને લઈને પ્રાથમિક સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું હતું. જેથી વિવિધ પ્રાથમિક શિક્ષકોના સંગઠન દ્વારા સરકાર સમક્ષ ઓનલાઈન શિક્ષણ ચાલુ હોવાથી સ્કૂલોનો સમય સવારનો રાખવા માટે રજૂઆત કરાઈ હતી.

સરકારી અને જિલ્લા પંચાયત તેમજ કોર્પોરેશન હસ્તક આવેલી પ્રાથમિક સ્કૂલો પૈકી અમુક સ્કૂલો સવાર પાળીમાં ચાલતી હોય છે અને અમુક સ્કૂલો બપોર પાળીમાં ચાલતી હોય છે. જેથી શિક્ષકોને સરળતા રહે અને વિદ્યાર્થીઓને પણ સવારે જ શિક્ષણ મળી રહે તે માટે તમામ સ્કૂલોનો સમય સવારનો રાખવા માટે માંગણી કરવામાં આવી હતી. જેના પગલે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા રાજ્યની પ્રાથમિક સ્કૂલોને 31 ઓગસ્ટ સુધી સવાર પાળીમાં ચલાવવા માટે આદેશ આપ્યો હતો.

જિલ્લાઓમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તથા નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં શાસનાધિકારી દ્વારા સંચાલિત તમામ પ્રાથમિક સ્કૂલોમાં હાલ કોવિડ-19ની પરિસ્થિતીને ધ્યાને લઈને રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોનો સમય 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી સવારનો રાખવાનો નિર્ણય કર્યો હતો.

જોકે, હવે સરકાર દ્વારા ધોરણ-6થી 8ની પ્રાથમિક શાળાઓનું શૈક્ષણિક કાર્ય ઓફલાઈન શરૂ કરવાની જાહેરાત કરી છે. જે મુજબ 2 સપ્ટેમ્બરથી ધોરણ-6થી 8ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થવાનો છે ત્યારે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડી 1 સપ્ટેમ્બરથી રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલો રાબેતા મુજબ શરૂ કરવા માટેની સુચના આપવામાં આવી છે. આમ, હવે જે સ્કૂલો સવાર પાળીમાં ચાલતી હશે તે સવાર પાળીમાં ચાલશે અને જે સ્કૂલો બપોર પાળીમાં ચાલતી હશે તે બપોર પાળીમાં ચલાવવામાં આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here