રાજપીપળા માં શિક્ષક દિનની ઉજવણી : મંત્રી કિશોરભાઈ કાનાની ની ઉપસ્થિત માં શિક્ષકો નું સન્માન

0
211રાજપીપળા માં શિક્ષક દિનની ઉજવણી : મંત્રી કિશોરભાઈ કાનાની ની ઉપસ્થિત માં શિક્ષકો નું સન્માન

રાજપીપલા : જુનેદ ખત્રી

ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કિશોરભાઇ કાનાણી તેમજ જિલ્લાના અધિકારીઓ ની ઉપસ્થિતિમાં આજે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે જિલ્લા-તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોના પારિતોષિક વિતરણ માટે યોજાયેલા સમારોહને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.

આ પ્રસંગે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે હાંસલ કરાયેલી વિશિષ્ઠ સિદ્ધિઓને આવરી લેતી દસ્તાવેજી ફિલ્મના નિદર્શનને સૌએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે મંત્રી કિશોરભાઈ કાનાણી (કુમાર) સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નર્મદા જિલ્લાકક્ષાના-૪ અને તાલુકાકક્ષાના-૮ સહિત કુલ-૧૨ જેટલા શ્રેષ્ઠ શિક્ષકોને પુષ્પગુછ-શાલ ઓઢાડી પ્રશસ્તિપત્ર એનાયત કરવાની સાથે જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને રૂા.૧૫ હજાર તેમજ તાલુકાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને રૂા.૫ હજારના પુરસ્કાર અર્પણ કરી તેમનું સન્માન કરાયું હતું. તેવી જ રીતે નિવૃત્તિ પામેલા ૧૦ શિક્ષકોને પણ પુષ્પગુછ-શાલ ઓઢાડી પ્રશસ્તિપત્ર એનાયત કરી બહુમાન કરવાની સાથે ૬ જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ પ્રશસ્તિપત્ર એનાયત કરી તેમનું અભિવાદન કરાયું હતું.

આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી (કુમાર) એ સમારંભના અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જણાવ્યું હતું કે, શિક્ષક દિને શિક્ષકોનું થઇ રહેલું સન્માન એ માનવ સમાજ અને દેશના ઘડવૈયાઓનું સન્માન છે. ડિગ્રી, નોકરી કે ધંધો વેપાર નહીં, પરંતુ તેની સાથોસાથ બાળકોમાં દેશદાઝ, આત્મનિર્ભરતા, દેશાભિમાન, પ્રામાણિકતા, નિડરતા અને આત્મવિશ્વાસથી ભરપૂર દેશનો પ્રત્યેક નાગરિક બને તેવું બાળકોનું ઘડતર કરવા સૌને સામૂહિક રીતે સંકલ્પબધ્ધ થવા કાનાણીએ આહવાન કર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીબાપુ એવું કહેતા હતા કે, વેપાર, નોકરી-ધંધો એ આજીવિકા હોઈ શકે પણ તેની સાથોસાથ આપણે આપણી ઈમાનદારીથી ફરજ નિભાવીએ અને એક એવા નાગરિકનું ઘડતર થાય કે જે દેશ માટે લડી શકે અને દેશ માટે કામ કરી શકે.

સમગ્ર દેશભરમાં શિક્ષક દિન નિમિત્તે પૂ. ગાંધીબાપુ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ તેમજ આઝાદીના અનેક લડવૈયાઓ અને વીર શહીદોના સ્વપ્નને સાકાર કરવા અને સમગ્ર વિશ્વમાં “માં ભારતી” ને પરમ વૈભવના સર્વોચ્ચ શિખરે લઈ જવા આપણાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા થઇ રહેલા પ્રયાસોને સૌનું સહિયારું બળ પ્રાપ્ત થાય તે દિશામાં કટિબધ્ધ થવા મંત્રીશ્રી કાનાણીએ ખાસ અનુરોધ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here