ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે ઠેરઠેર વૃક્ષો ધરાશયી થતાં વઘઇના ઇસમનું આયસરનાં કેબિનમાં દબાઈ જતા મોંત

0
47 

ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે શ્રીકાર વર્ષા:- ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે નીચાણ વાળા કોઝવેને સાંકળતા 19 માર્ગો અવરોધાતા અંદાજીત 33 ગામડાઓ  અસરગ્રસ્ત બન્યા હતા.સાપુતારા વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં જુદા જુદા ત્રણ સ્થળોએ વૃક્ષો ધરાશયી થયા.વઘઈનાં બોટનીકલ ગાર્ડન પાસે વૃક્ષ ધરાશયી થઈ આઈસર ટેમ્પો પર પડતા એક ઇસમનું દબાઈ જવાથી મોત નિપજ્યુ… પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે જિલ્લાની અંબિકા,ખાપરી,પુર્ણા અને ગીરા નદી જે અધધ પ્રવાહમાં ગાંડીતૂર બની વહેતી જોવા મળી રહી છે.સાથે જંગલ વિસ્તારમાં આવેલ વહેળા,કોતરડા,ઝરણા અને નાળાઓ પણ અખૂટ પાણીનાં જથ્થા સાથે વહેતા થયા છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબિર અને પૂર્વપટ્ટી સહિત સરહદીય ગામડાઓમાં તેમજ ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારોમાં ગતરોજ રાત્રીનાં અરસામાં પવનનાં સુસવાટા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા જાહેર માર્ગો ઉપર પાણીની ભરાવો થયો હતો.ડાંગ જિલ્લામાં ચારેય લોકમાતાઓ ગાંડીતૂર બનતા આ નદીઓને જોડતા જિલ્લાનાં 19 જેટલા લો લેવલ કોઝવે તથા માર્ગો ઓવર ટોપિંગ થવાને કારણે આવાગમન માટે બંધ કરાયા છે. જેને કારણે જિલ્લાનાં 33 જેટલા ગામો અસરગ્રસ્ત થવા પામ્યા છે.

ડાંગ જિલ્લા પંચાયતનાં માર્ગ અને મકાન વિભાગ તરફથી મળેલી વિગતો અનુસાર આજે સવારે 8 વાગ્યાની સ્થિતિએ જિલ્લાના જે મારો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે, તે માર્ગોમાં વઘઇ તાલુકાનાં સુપદહાડ-સૂર્યાબરડા રોડ, નાનાપાડા-કુમારબંધ રોડ,સુસરદા વી.એ. રોડ, આહેરડી-બોરદહાડ રોડ, ચીખલદા-ધાગંડી રોડ,ઘોડવહળ વી.એ. રોડ,માનમોડી-નિમબારપાડા રોડ,આંબાપાડા વી.એ. રોડ, ખાતાળ ફાટક થી ઘોડી રોડ,ઢાઢરા વી.એ. રોડ, કુડકસ-કોસીમપાતળ રોડ, માછળી-ચીખલા-દીવડ્યાવન રોડ,વાંઝટટેમ્બરૂન-કોયલીપાડા રોડ,સહિત સુબિર તાલુકાનાં કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડ,અને પીપલદહાડ-જોગથવા રોડ ઉપરાંત આહવા તાલુકાનાં બોરખલ-ગાયખસ-ચવડવેલ રોડ, સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ, ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવલણ રોડ,અને ચીકટિયા-ગાઢવી રોડ સહિત જિલ્લાના કુલ 19 માર્ગોનો સમાવેશ થાય છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માર્ગેથી આવનજાવન કરતા વાહનચાલકો,પશુપાલકો,તથા રાહદારીઓને પ્રશાસને સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કરાયો છે.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે વઘઇનો ગીરાધોધ અને ગીરમાળનો ગીરાધોધ આકર્ષક મૂડમાં ખીલી ઉઠ્યા છે.ડાંગ જિલ્લામાં ગતરોજ રાત્રીનાં અરસામાં પડેલ ધોધમાર વરસાદનાં પગલે સાપુતારાથી વઘઇને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગ,બાજ નજીકનાં બ્રિજ પાસે તેમજ વઘઇ બોટનીકલ ગાર્ડન નજીક તોતિંગ વૃક્ષો ધરાશયી થઈ પડી જતા આ માર્ગમાં ટ્રાફિક જામની સ્થિતિ વણસી હતી.ડાંગ જિલ્લાનાં આહવાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં આહવા ઘાટમાર્ગમાં ભેખડ ધસી પડતા થોડા સમય માટે માર્ગ અવરોધાયો હતો.જ્યારે પાયરઘોડી ગામે વિજપોલ ધરાશયી થઈ પડતા આ પંથકમાં વીજળી ડુલ થઈ જતા અંધારપટ છવાયો હતો.

મંગળવારે મળસ્કે વઘઇ તરફથી માલસામાનનો જથ્થો ભરી સાપુતારા તરફ જવા નીકળેલ આઈસર.ટેમ્પો.ન.જી.જે.30.ટી.1786 પર વઘઇ બોટનીકલ ગાર્ડનનાં ગેટ પાસે વરસાદી માહોલમાં તોતિંગ વૃક્ષ ધરાશયી થઈ પડતા અહી સ્થળ પર આઈસર ટેમ્પાનાં બોનેટનો ખુરદો બોલાઈ જવા પામ્યો હતો.અહી સ્થળ પર વૃક્ષ ટેમ્પાનાં બોનેટ પર ધરાશયી થઈ પડતા તેમાં સવાર ઈસમ નામે અશરફખાન શબિરખાન પઠાણ. ઉ.31.રે.વઘઈનાઓ કેબિનમાં દબાયા હતા.અહી આ ઈસમને ગંભીર ઈજા પોહચતા તેનું મોત નીપજ્યુ હતુ. આ બનાવ સંદર્ભે વઘઇ પોલીસની ટીમ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here