તા.૨૫ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સ્માર્ટ ફોન ખરીદીમાં સહાય બદલ ગુજરાત સરકારનો આભાર માનતા ઉપલેટના યુવા ખેડૂત
ગુજરાતના ખેડૂતો મોબાઈલ ટેક્નોલોજી અપનાવીને તેનો લાભ લેતા થાય તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂત મોબાઈલ સહાય યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના થકી અનેક ખેડૂતોએ સ્માર્ટફોન ખરીદ્યા છે અને હવામાન તેમજ ખેતીને લગતી માહિતી આંગળીના ટેરવે મેળવતા થયા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના યુવા ખેડૂત વિરેન રમેશભાઈ ઘાડીયા પણ આવા જ ખેડૂત છે, જેમને મોબાઈલ સહાય યોજનાનો લાભ મળ્યો છે.
વિરેનભાઈ ઉપલેટામાં ૧.૨૯ હેક્ટર જમીન ધરાવે છે. તેઓ કહે છે કે, રાજ્ય સરકાર દ્વારા જે સ્માર્ટફોન ખરીદી સહાય યોજના શરૂ કરવામાં આવી છે, તે ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક છે. એનાથી ખેડૂતોને ઘણો ફાયદો થાય છે. મને આ યોજનાની જાણકારી ગ્રામસેવક મારફત મળી હતી. એ પછી મેં આઈ-ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભર્યું હતું. જે મંજૂર થતાં મેં સ્માર્ટફોનની ખરીદી કરી હતી. જેની રૂપિયા ૬૦૦૦ની સબસિડી મને સીધી મારા બેન્ક એકાઉન્ટમાં જ મળી હતી. આમ સ્માર્ટફોન ખરીદીથી લઈને સબસિડી મેળવવા સુધીની પ્રક્રિયા મારા માટે ખૂબ સરળ રહી હતી.
સ્માર્ટફોનથી ખેડૂતને કેવા કેવા ફાયદા થાય છે, તે અંગે વિરેનભાઈ કહે છે કે, ખેતીવાડી ખાતાની કોઈપણ સબસિડીનું ફોર્મ ભરવું હોય તો આ મોબાઈલ થકી ઓનલાઈન ભરી શકું છું. આ ઉપરાંત ખેતીવાડીને લગતી નવી બાબતો જેમ કે, સંકલિત રોગ જીવાત નિયંત્રણ કે નવીનતમ ઓજારોની માહિતીના વીડિયો હું મોબાઈલમાં જોઈને શીખી શકું છું. હવામાન ખાતાની આગાહી કે વરસાદની સંભાવના કે અન્ય કોઈ આફતની માહિતી જાણ પણ મોબાઇલ મારફત થાય છે. જેના કારણે હું મારા ખેતરમાં કોઈ આગોતરાં પગલાં લેવા હોય તો લઈ શકું છું. આ સ્માર્ટફોનના કારણે મને ખેતીને લગતી કે સરકારી સહાય કે યોજનાઓને લગતી માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ બની છે. સ્માર્ટ ફોન ખરીદીમાં સહાય આપવા બદલ હું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકારના કૃષિ ખાતાનો આભાર માનું છું.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇
સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો