Back

રાજકોટની બાબરીયા કોલોની પાસેથી નામચીન મોટી ટીકીટ દારૂ સાથે ઝડપાયો

શહેરના રૈયારોડ આલાપ ગ્રીન સીટી અને બાબરીયા આર.એમ.સી. કવાર્ટરમાં દારૂની હેરાફેરી કરતાં નામચીન બુટલેગરોને પોલીસે ઝડપી લઈ પ્લાસ્ટીક કોથળામાંથી 14 બોટલ કિંમત રૂા.6400 ની કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ બાબરીયા આર.એમ.સી. કવાર્ટર પાસે દારૂની હેરાફેરી અર્થે નામચીન બુટલેગર ઉભો હોવાની બાતમીનાં આધારે ભકિતનગર પોલીસ સ્ટેશનની ડી-સ્ટાફ ટીમે દરોડો પાડી અગાઉ હત્યાના ગુન્હામાં સંડોવાયેલા દિનેશ ઉર્ફે મોટી ટીકીટ અરવિંદ ગોહેલ ઉ.વ.32 રહે.આનંદનગર બ્લોક આવાસ)ની ધરપકડ કરી પ્લાસ્ટીકનાં કોથળામાંથી દારૂની 6 બોટલ કિંમત રૂા.2400 ની કબ્જે કરી હતી. પ્રાથમીક તપાસમાં બુટલેગરે દારૂનો જથ્થો વેચાણ અર્થે લઈ જતો હોવાની કબુલાત આપી હતી.

જયારે રૈયારોડ આલાપ ગ્રીન સીટી પાસે રોડ પર દારૂનુ વેચાણ કરતા કાનાભાઈ હમીરભાઈ ભાદરકા ઉ.વ.25 રહે.સહકારી નાગરીક બેંક પાછળની યુનિ.પોલીસે ધરપકડ કરી પ્લાસ્ટીકનાં કોથળામાંથી દારૂની 8 બોટલ કિંમત રૂા.4000 ની કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
તેમજ ચુનારાવાડ શેરી નં. 3 માંથી વિજય રામજી હમાદીયા, ભારતનગર મફતીયાપરામાંથી અશોક દાના જીંજવાડીયાને દેશી દારૂની પોટલીઓ સાથે ઝડપી પાડી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ સાથે જ ચુનારાવાડ ચોકથી આગળ ભાવનગર રોડ પર રૂપલલનાની ડેલી પાસે આંટા ફેરા કરતાં કરણ ઉર્ફે શની કિશોર મકવાણા ઉ.વ.27, રહે.રામનાથપરાની ધરપકડ કરી પોલીસે છરી કબ્જે કરી જાહેરનામાના ભંગ બદલ ધોરણસરની કાર્યવાહી કરી હતી.


રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..