Back

જૂનાગઢમાં સગીરવયના બાળકોને તમાકુ જેવા નશીલા પદાર્થનું વેચાણ કરવામાં આવશે તો વેપારીની થશે ધરપકડ

જૂનાગઢ : શહેર તથા જિલ્લામાં પાનની દુકાનો તથા અન્ય ગલ્લાઓ લારીઓમાં સગીર વયના છોકરાઓને પણ તમાકુની પ્રોડક્ટ બેરોકટોક વેચાણ થતું હોવાની ફરિયાદો મળતી હોવા આધારે જિલ્લા પોલીસવડા સૌરભ સિંઘની સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડી.વાય.એસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન, બી ડિવિઝન તથા સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ કે. કે. ઝાલા, પી.આઈ આર.બી. સોલંકી તથા પી.એસ.આઈ ડી.જી. બડવા તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરી, કુલ ૧૦ વેપારીઓ વિરુદ્ધ ગુન્હાઓ નોંધી, ધરપકડ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત એ ડિવિઝન, બી ડિવિઝન તથા સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂનાગઢ મહાનગર પાલિકા તેમજ જિલ્લા આરોગ્યની ટીમના સભ્યો તેમજ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી, પાન બીડીની દુકાનની આજુબાજુ તેમજ લારી ગલ્લા પાસે જાહેરમાં ધૂમ્રપાન કરતા તેમજ તમાકુ અધિનિયમનો ભંગ કરતા શખ્સો વિરૂધ્ધ પણ કાર્યવાહી કરી, જાહેરમાં દંડ ફટકારવાની તજવીજ કરવામાં આવેલ છે. 

આ અનુસંધાને કુલ ૨૧ વ્યક્તિઓને જાહેરમાં ધૂમ્રપાન કરતા તથા તમાકુ અધિનિયમ કાયદાનો ભંગ કરતા પકડી પાડી, કુલ રૂપિયા ૪,૦૦૦/- નો દંડ પણ વસુલ કરવામાં આવેલ છે. 

આ ઉપરાંત તમાકુ અધિનિયમના ભંગ કરનાર વિરુદ્ધ કરવામાં આવતી કાર્યવાહી તેમજ તમાકુના સેવનના કારણે થતા નુકસાન બાબતે ચોપડીઓ તેમજ પેમ્પ્લેટનું પણ વિતરણ કરી, જાહેર જનતાને જાગૃતિ માટે આ સંયુક્ત ટીમ દ્વારા પ્રયાસો પણ હાથ ધરવામાં આવેલ છે. 

જુનાગઢ જિલ્લા પોલીસ, મહાનગર પાલિકા તેમજ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરી, જાહેરમાં તમાકુના સેવનના કારણે થતા નુકશાન બાબતે માહિતગાર કરી, જનજાગૃતિ માટે યુવાનો તેમજ તમાકુનું સેવન કરતા વ્યક્તિઓને પેમ્પ્લેટ વહેચી અને ચોપડીઓ આપી, તમાકુના સેવનથી સ્વાસ્થ્યને થતા નુકસાન તેમજ શરીરમાં થતી બીમારીઓ બાબતે અવગત કરાવી, જનજાગૃતિનું પણ કામ આ સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

જુનાગઢ પોલીસ તેમજ મહાનગરપાલિકા અને હેલ્થ ની ટીમ દ્વારા આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રાખી અને તાલુકા કક્ષાએ તેમજ જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ જુદી જુદી ટીમો બનાવી તમાકુના સેવન બાબતે જનજાગૃતિ તેમજ તમાકુ અધિનિયમનો ભંગ કરતા વેપારીઓ તેમજ અન્ય વ્યક્તિઓ ઉપર ધરપકડ તેમજ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

રિપોર્ટર : ભરત બોરીચા... જૂનાગઢ

Mo. 92768 17218