Back

આરોગ્ય મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ આહવા જનરલ હોસ્પિટલ ની મુલાકાત લીધી

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

જનરલ હોસ્પિટલ આહવા ખાતે રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી કિશોરભાઈ કાનાણીએ મુલાકાત લીધી.

હોસ્પિટલમાં અપાતી સુવિધાઓ અને દર્દીઓની મુલાકાત લેતા - રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી.

ડાંગ આહવાઃ તાઃ ૧૪ઃ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા (જનરલ હોસ્પિટલ) ખાતે આજરોજ રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી (કુમાર) એ મુલાકાત લીધી હતી. સિવિલ હોસ્પિટલની મંત્રીશ્રીની મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરી,વિરોધ પક્ષના નેતા શ્રી સુરેશભાઈ ચૌધરી જોડાયા હતા.

જનરલ હોસ્પિટલમાં અપાતી સેવાઓ અને સારવાર ની રૂબરૂ મુલાકાત લઇ ડાયાલીસીસ વોર્ડ,બાળકોના વોર્ડ,પુરૂષો તેમજ મહિલાઓ માટેના વોર્ડ,ઓપરેશન થિએટરની મુલાકાત લઇ મંત્રીશ્રી કાનાણીએ આનંદ વ્યક્ત કર્યો હતો. બાળકોના વોર્ડમાં જઇ હોસ્પિટલમાં દર્દીઓને સારી સેવા મળે છે કે કેમ ? તેની પૃચ્છા કરી હતી.તેમજ સરકારશ્રીની યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે ડોકટરોની ટીમને અનુરોધ કર્યો હતો.

હોસ્પિટલની મુલાકાત બાદ મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ, આયુર્વેદિક હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલના ડોકટરોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકને સંબોધતા મંત્રીશ્રી કાનાણીએ જણાવ્યું હતું કે નોકરીની સાથે સાથે આપ સૌને અહીંના લોકોની સેવા કરવાની તક મળી છે. આયુષમાન ભારત સહિત રાજ્ય સરકારશ્રીની ખૂબજ સારી યોજનાઓ છે. જે છેવાડાના માનવી સુધી પહોંચે તેવો પ્રયાસ સૌએ કરવાનો છે. આપ સારી સેવા કરો તો લોકો તંદુરસ્ત બને અને ખૂબ આશીર્વાદનું આ કામ છે.

જિલ્લામાં આરોગ્યની સુવિધાઓ,પીએચસી સેન્ટરો અને આરોગ્યલક્ષી કામગીરીનું પ્રેઝન્ટેશન અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા.સંજય શાહે રજુ કર્યું હતું. બેઠક બાદ મંત્રીશ્રી કાનાણીના હસ્તે વધઈ,ગલકુંડ ને કાયાકલ્પ એવોર્ડ આપી સન્માનીત કરાયા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરી,માજી પ્રમુખ શ્રી બાબુરાવભાઈ ચૌર્યા,નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.ડામોર,પ્રાંત અધિકારીશ્રી કાજલબેન ગામીત,વૈઘ ર્ડા.કૃતિકા ચૌધરી,ઈ.ચા.સિવિલ સર્જન ર્ડા.રશિમકાંત કોંકણી સહિત ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..