Back

આહવા ખાતે ખેલ મહાકુંભના વિજેતાઓને મંત્રી શ્રી કિશોરભાઈ કાનાણીના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર એનાયત ઃ

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

ખેલ મહાકુંભ થી છુપાયેલી પ્રતિભાઓને બહાર આવવાની તક મળે છે - રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી.

ડાંગ આહવાઃ તાઃ ૧૪ઃ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા (ડાંગ સ્વરાજ આશ્રમ) ખાતે આજરોજ રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી (કુમાર) ના અધ્યક્ષ સ્થાને ખેલ મહાકુંભ-૨૦૧૯ ના વિજેતા ખેલાડીઓને ઈનામ- પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા. રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાઓ વિભાગ,ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત પ્રેરીત અને જિલ્લા વહીવટી તંત્ર ડાંગ દ્વારા આયોજીત અને જિલલા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી સંચાલીત કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરી, માજી પ્રમુખ શ્રી બાબુરાવભાઈ ચૌર્યા,આહવા,વધઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીઓ નરેશભાઈ ગવળી,સંકેતભાઈ બંગાળ અતિથિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રી શ્રી કિશોરભાઈ કાનાણીએ ખેલ મહાકુંભના વિજેતાઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આ ખેલાડીઓ વધુને વધુ મહેનત કરી પ્રગતિ કરે,ગુજરાત તેમજ ભારત દેશનું નામ રોશન કરે.આઝાદી પછી દરેકને એમ હતું કે ભારત દેશ કેવો હશે. આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તનતોડ મહેનત કરી રહ્યા છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. યુવાનો મજબૂત હશે તો દેશ મજબૂત હશે. રમત-ગમતથી યુવાનોની શક્તિ વધે છે અને દેશનો વિકાસ થાય છે. યુવા પ્રતિભાઓને બહાર આવવાની તક મળે છે.

વધુમાં મંત્રીશ્રી કાનાણીએ જણાવ્યું હતું કે આજના યુગમાં મોબાઈલ નિર્બળ બનાવે છે. યુવાનોને મોબાઈલથી દુર રહી આપણી રમતોમાં ભાગ લેવા અપીલ કરી હતી. તેમજ સ્વચ્છભારત જેવા અભિયાનમાં સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

ખેલ મહાકુંભ-૨૦૧૯ માં ડાંગ જિલ્લામાં કુલ ૨૨ રમતો માટે ૪૩,૨૯૦ રજીસ્ટ્રેશન થયા હતા જેમાંથી કુલ ૩૮,૦૧૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ખેલાડીઓમાંથી જિલ્લા કક્ષાના વિજેતાઓ કુલ ૨,૯૯૫ જેટલા ખેલાડીઓને રૂા.૫૭,૬૪,૫૦૦ ના ઈનામો મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા. જે પૈકી ણ્રા.શાળા બિલીઆંબા ખો-ખો અંડર-૧૪ ભાઈઓ જિલ્લા અને રાજ્યમાં પ્રથમ રૂા.૧૮,૦૦૦/- અને ટ્રોફી,ડીએલએસએસ સાપુતારા અંડર-૧૭ હોકી બહેનો જિલ્લામાં પ્રથમ અને રાજ્યમાં તૃતિય રૂા.૪૮,૦૦૦/-,છેલ્લા ૧૦ વર્ષથી અબવ ૬૦ માં બેડમિન્ટનમાં વિજેતા થતા એકમાત્ર વડીલ ગીરધરભાઈ ડી.નેરકર જિલ્લા કક્ષામાં પ્રથમ રૂા.૩,૦૦૦/-,કુ.મમતા સુરેશભાઈ ચૌધરી બેડમિન્ટન,અંડર-૧૭ રૂા.૫,૦૦૦/-,મા.શાળા બિલીઆંબા ખો-ખો અંડર-૧૭ બહેનો જિલ્લામાં પ્રથમ રૂા.૩૬,૦૦૦/-,પ્રા.શાળા ગોંડલવિહિર ખો-ખો અંડર-૧૪ બહેનો રૂા.૧૮,૦૦૦/-,સંતોકબા ધોળકિયા વિઘામંદિર,માલેગામ વોલીબોલ અંડર-૧૭ ભાઈઓ જિલ્લામાં પ્રથમ રૂા.૩૬,૦૦૦/-, ઓપનએજ એથ્લેટિક્સ ઉંચીકૂદ ભાઈઓ ગાયકવાડ મેહુલભાઈ એસ.જિલ્લા માં પ્રથમ રૂા.૩૦૦૦/-, દીપદર્શન આહવા ફૂટબોલ અંડર-૧૪ ભાઈઓ જિલ્લામાં પ્રથમ રૂા.૨૪,૦૦૦/ અને રસ્સાખેંચ અબવ-૪૦ ભાઈઓ જય બજરંગ રંભાસ ટીમને જિલ્લા કક્ષામાં પ્રથમ રૂા.૧૩,૫૦૦/- ટોકન ચેક,પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. જ્યારે ઈનામની રકમ ખેલાડીઓના ખાતામાં ડીબીટી માધ્યમથી ચૂકવણી કરવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.સી.ભુસારાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા.રાધિકા આદિવાસી નૃત્ય મંડળ ચીંચલી દ્વારા પારંપારિક ડાંગી નૃત્ય રજુ કરાયું હતું. અને સ.મા.શાળાની બાલિકાઓએ સ્વાગત/પ્રાર્થના રજુ કરી હતી. જ્યારે પ્રાંત અધિકારીશ્રી કાજલબેન ગામીતે કાર્યક્રમની આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીજુબાલાબેને કર્યું હતું. આ પ્રસંગે માજી ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ,વિરોધપક્ષના નેતા શ્રી સુરેશભાઇ ચૌધરી,નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.ડામોર,નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.આઈ.વસાવા સહિત મોટી સંખ્યામાં શાળાના વિઘાર્થીઓ,ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.   

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..