Back

જૂનાગઢ પોલીસે એવું સરાહનીય કાર્ય કર્યું કે જાણીને તમે પણ કરશો સલામ

જૂનાગઢ : એક પોલીસ અધિકારી તરીકે વિશાળ હૃદય રાખી શિયાળાના સમયમાં હાઈવે ઉપર રખડતા અસ્થિર મગજના વૃધ્ધાને ભોજન કરવી, નવરાવી કપડા અને ચપ્પલ આપી નોકરીની સાથે સાથે સેવાનો અભિગમ રાખી ઠંડીથી સુરક્ષા અપાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરી બતાવ્યું.

આ અંગે વિસ્તૃતથી જાણીએ તો જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર બી.એમ.વાઘમશી તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે  જૂનાગઢ જેતપુર હાઈવે ઉપરના વડાલ ગામે પાસે એક ૬૫ થી ૭૦ વર્ષના અજાણ્યા વૃદ્ધા નજરે ચડતા તેના ઉપર કોઈ અજુગતું ના બને તે માટે પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. 

આ વૃદ્ધા માનસિક અસ્થિર અસ્ત વ્યસ્ત કપડામાં અને પોતાને શૌચક્રિયાનું પણ ભાન ના રહેતું હોય અને ઘણા દિવસથી ભૂખ્યા હોઈ તેવું જણાતા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જમાડી અને પાગલ વૃદ્ધાને જીઆરડીના મહિલા સભ્યોને સોંપીને પાણીથી સ્નાન કરાવી સ્વચ્છ કપડા પહેરાવી સાથે ગરમ કપડા અને નવા ચપ્પલ મંગાવી કપડા સાથે ચપ્પલ પહેરાવી ગરીબ માનસિક અસ્થિર મગજના વૃદ્ધાને જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર પણ અપાવી હતી. 

એટલું જ નહીં ત્યારબાદ પોલીસ દ્વારા આ માનસિક અસ્થિર વૃધ્ધાને ફરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવીને જમાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના સંપર્કમાં બગોદરા ખાતે માનવ સેવા આશ્રમ નામની સંસ્થા ચલાવતા દિનેશભાઈ લાઠીયાના ફોન નંબર હોય જેથી  જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા બગોદરા ખાતે માનવ સેવા આશ્રમ કે જ્યાં બિનવારસી લોકો તથા અસ્થિર મગજના લોકોને રાખી સેવાનું કાર્ય ચલાવવામાં આવે છે એ સંસ્થાનો સંપર્ક કરી આ હાઈવે ઉપરથી મળેલ અસ્થિર મગજના વૃદ્ધા અંગે માહિતી આપી હતી. 

જેથી માનવ સેવા આશ્રમના સંસ્થાપક દિનેશભાઈ લાઠીયા જાતે જૂનાગઢ આવીને જૂનાગઢ પોલીસ તથા દિનેશભાઈ લાઠીયા સાથે બગોદરા સંસ્થા ખાતે લઈ જવાની વ્યવસ્થા કરેલ હતી.  

આ આવા સમયે જૂનાગઢ પોલીસની શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાવો અપાવતી કાર્યવાહીથી અજાણ્યા અસ્થિર મગજના વૃદ્ધાના ચહેરા ઉપર આનંદ/આભારની લાગણી છવાઈ ગઈ હતી.

આના કારણે પોલીસ અને પ્રજા એકબીજાની નજીક આવે તેવા પ્રયત્નો કરવાની સેવાકીય કામગીરીની જુનાગઢ વિસ્તારમાં ઠેરઠેર પ્રશંસા થઈ રહી છે. 

તેમજ જિલ્લા પોલીસવડા સૌરભ સિંઘ તથા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા પણ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ. બી.એમ.વાઘમશી તથા સ્ટાફની સેવાકીય પ્રવૃત્તિ બાબતે તેઓને અભિનંદન આપી પ્રસંશા કરેલ છે.

રિપોર્ટર : ભરત બોરીચા... જૂનાગઢ

Mo. 92768 17218