Back

સામખીયાળી ગામના શ્રેષ્ઠીઓ દ્વારા સંચાલિત સીતારામ મઢી ની અજબ કહાની, અનોખી પરંપરા

બિમલ માંકડ 78746 35092 

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ


રિપોર્ટ : ધર્મેશ જોગી - ઘનશ્યામ બારોટ


સામખીયાળી ગામના શ્રેષ્ઠીઓ દ્વારા સંચાલિત સીતારામ મઢી ની અજબ કહાની, અનોખી પરંપરા"


સંવત ૨૦૧૫ અને માગસર માસની દશમી તિથી ના રોજ સામખીયાળી ગામના એક અલગારી આત્માએ શરૂ કરેલી ભુખ્યા ની આંતરી ઠારવાની પરંપરા ને આજે ૬૧ માં વર્ષે પણ ચાલુ રાખીને ગામના ધર્મપ્રેમી દાતાઓ એ સામખીયાળી ગામના આંગણે થી કોઈ ભુખ્યુ ન જાય તેવી ટેક જાળવી રાખી ને એક પુણ્યાત્મા ની ધર્મ ભક્તિ અને સેવાભાવના ને અમરકરી સાચી અંજલી અર્પણ કરી છે.ભવની ભુલ ભુલામણીમાં ભટકતા જીવને પ્રભુ ભક્તિ માં ભીંજવી, ભાવ ભજન અને ભક્તિના સંગમાં ભોજન ના રંગ ભરી, નાત જાત ના ભેદભાવ વગર, સાધુ સંતો સાથે ભુખ્યા જનોની, આતરડી  ઠારી એમના ગાલો પર લાલી લાવનાર આ સંસારી સંત એટલે નરશીભાઈ છેડા, ગર્ભશ્રીમંત જૈન પરિવાર ના આ પ્રભુ પ્રેમી જીવને લાગેલી શીવ ની ધુનથી, સંસાર ની સરગમ બેસુરી લાગવા માંડી હતી.

નાનીએવી ઝુંપડીએ આવતા ભુખ્યા જીવોને જમાડવામાં પરમ આનંદ મેળવવો એ હવે એમની નિયતિ બની ચુકી હતી, રોટલો ખવડાવી ને રાજીથતા આ સંસારી સાધુ ટાઈમ મળે ત્યારે, ઝુપડીથીએ નાના હનુમાનજી મહારાજ ના મંદીરે આમતો મંદિર કરતા દેરી કહેવું વધુ યોગ્ય લાગશે, એવા મંદિરે નરશીછેડા અને સાધુઓ ના હરીનાદથી ગામના પાધર ને ગુંજતુ રાખે.

હર ની નજીક થઈ ગયેલા નરશીછેડા હવેતો ઘરનુ સરનામું પણ ભુલવા લાગ્યા હતા અને એટલેજ કદાચ નરશીછેડા ની છેડા અટક પાછળથી છેડા ધીરેધીરે ઘસાતા ગયા અને એક સમય એવો આવ્યો કે છેડા ની જગ્યાએ હવે નરશીભગત તરીકેજ ઓળખાવા લાગ્યા હતા.સંતસમાગમ થી લાગેલી ભજનધુન ના ભેખધારી નરશીભગતે ચાલુ કરેલા આ રામ રસોડાને આજે સામખીયાળી ગામના સ્થાપના દિવસ સાથે કચ્છી નવા વર્ષ અષાઢી બીજ ના એકસઠ વર્ષ થયા, નરશીભગતે રાખેલી ટેક ને ગામના ધર્મપ્રેમી દાતાઓ એ જાળવી છે અને એટલેજ કોઈની પાસે માગ્યા વગર, કોઈ ફંડ ફાળો કર્યા વગર જેમ નરશીભગત આ ભોજનાલય ચલાવતા એમ હવે કોઈ પણ એક દાતા આખા વર્ષ નો ખર્ચ ઉપાડી લઈ સામખીયાળી ગામના પાદરે કેટલાંય ભુખ્યા ની જઠરાગ્નિ શાંત કરી ગામ પર રામના આર્શીવાદ લઈ રહ્યાં છે, જેમાં આ આખા વર્ષમાં આવનારા તમામ ભોજન શાળાના ખર્ચ ની જવાબદારી રમેશભાઈ પીતામ્બંર ભાઈ ગંધા ઠક્કર દ્વારા પોતાના માતાપિતા ના સમર્ણાર્થે ઉઠાવી ને, સાચા અર્થમાં ધનનુ લક્ષ્મીમાં રૂપાંતર કર્યુ છે. આવાતો નામી અનામી અનેક દાતાઓ અહી પોતાનુ યોગદાન આપી પુણ્યનુ ભાથુ બાંધી રહ્યા છે જેમાં ખાસ કરીને સ્વ.રવાભાઇ ચાડ વર્ષોથી શાક બકાલાની સેવા આપતા જે તેમના સ્વર્ગવાસ પછી પણ આ સેવા તેમના પુત્ર દેવાભાઇ ચાડ વર્ષોથી આપી રહ્યા છે. તો મઢીની બાજુમાંજ હોટલ ચલાવતા શ્રમજીવી હરેશ મારાજ, જેવા સાધુ સંતો જમવા આવે કે તરતજ તેમની સેવામાં હાજર થઇ જાય છે, આ મઢીમા ધરમશીભાઈ પ્રજાપતિ, ગણેશભાઇ છાંગા, વાયકની વાટ જોયાવગર ગ્રામીણ સંતવાણી નુ પંડાલ ગજવનાર લાખાભાઈ બાળા, અને ગામના દરેક સત્કાર્ય માં ગાજયા વગર વર્ષી જતા વહેપારી અગ્રણી ધનસુખભાઈ ઠક્કર જેવા સેવાભાવીઓ થી રળીયાત બનેલી સીતારામ મઢી ના પરિસર માં પુર્વ સરપંચ અમરાભાઈ બાળા એટલે કે સમગ્ર પંચાળામાં ચના સરપંચ ના નામે ઓળખાતા અને છેક ગાંધીનગર સુધી પોતાની સેવાભાવના થી જાણીતા બનેલા આ પુર્વ સરપંચ ના અથાક પ્રયાસો અને દાતાઓ ના સહકારથી અહી વિશાળ શિવમંદીર,સમગ્ર કારીગર વર્ગ ના આરાધ્ય ભગવાન વિશ્ચ કર્મા નુ દર્શનિય મંદિર, અને હનુમાનજી મહારાજ નુ રળિયામણા મંદીરથી શ્રદ્ધાળુઓ ની આંખોઠરે છે,  સવાર સાંજ પ્રતાપ બાવાજી દ્વારા થતી આરતીના નાદથી ગામની શ્રદ્ધા ને જાગૃત રાખવામાં મહત્વનુ યોગદાન આપી રહેલા આ શંકુલે ખાનગી કંપનીઓ ના નિભર વહીવટી તંત્રને પણ જગાડવા માં એટલો જ ફાળો આપ્યો છે, બાકી તો માનવજીવન સાથે ચેડાં કરી પોતાનુ તરભાણુ ભરતા કંપનીના માંધાતાઓ એ પણ આ સદ્ પ્રવૃત્તિ માં ફાળો આપ્યો છે એવું પુર્વ સરપંચ અમરાભાઈ બાળા એ જણાવ્યું હતું. જોકે અહી ઉલ્લેખનીય છે કે શોશીયલ એકટીવિટીઝ અંતર્ગત ફાળો આપતી કંપનીઓ, માનવ જીવન ને જેટલી હાની કરે છે એનુ વળતર કોઈ ફંડ થી ન ચુકવી શકાય એ વાસ્તવિકતા, સામખીયાળી ગામ અને કંપનીના કર્તાહર્તા બન્ને બરાબર જાણેછે, પણ ચીભડાં વાડના હવાલે હોઈ, બન્ને તરફથી ફંડ ફાળાની આ સીસ્ટમ માફક આવી ગઈ છે અને રહી વાત ગામની! તો, એ, મૌન ની માળા સાથે પ્રદુષણ ની પીડા વેઠી રહ્યુ છે. 

ખેર જવાદો આપણો વિષય હાલે કંપનીઓ નથી, વાત ધર્મભકતિ અને સીતારામ મઢી ની કરી રહ્યા છીએ ત્યારે આ વાત હાલે અસ્થાને છે, આતો કંપનીઓ ની દાતારી સગવડીયો ધર્મ છે એ બતાવવા માટેજ ઉલ્લેખ કર્યો છે, બાકી સીતારામ મઢીનું સુચારૂ સંચાલન તો કંપનીઓ ના ઉદય પહેલાંથી ચાલુ છે અને કંપનીઓ અસ્ત થઈ જશે તો પણ ચાલુ જ રેહશે, કારણ કે આ ધરતીમાં ધર્મના મુળીયાનુ પુર્વજો વાવેતર કરી ગયા છે અને ઉગતી પેઢી પણ આજ સંસ્કારો ના ભાથા સાથે પુર્વજો ના ચીલે ચાલી ગામની પ્રતિષ્ઠા વધારવા સાથે ધર્મની ધજાને ઉન્નત મસ્તકે લહેરાવી પોતાની સંસ્કૃતિ ને ઉજાગર કરવા ની પુરતી ક્ષમતા ધરાવે છે, અને એ ક્યારેક સીતારામ મઢીની મુલાકાત લેજો  એટલે તમને સમજાઈ જશે.

ભચાઉ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..