Back

વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી. જુઓ. ક્યાં.

માહિતી બ્યુરો પાટણ


કુટુંબ નિયોજન માટે જનજાગૃતિ સાથે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઇ


કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ આરોગ્ય વિભાગના કર્મચારીઓને પ્રશસ્તિપત્ર અપાયા

.

વસ્તી નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવવા તાલુકા કક્ષાએ વર્કશોપ તથા પાટણ સિવિલ ખાતેથી રેલી યોજવામાં આવી


વસ્તી વધારાની વિકટ બનતી જતી સમસ્યાના સમાધાન માટે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેના ભાગરૂપે દંપત્તિ સંપર્ક પખવાડિયાની ઉજવણી બાદ તા. ૧૧ જુલાઇના રોજ પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા વર્કશોપ તથા રેલી યોજી વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

વિશ્વભરમાં વસ્તી વધારાની સમસ્યા વિકટ બની રહી છે ત્યારે દેશમાં વધતી જતી વસ્તીની સમસ્યાના સમાધાન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તા. ૧૧ જુલાઇએ વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાલુકા કક્ષાએ આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા લક્ષિત દંપત્તિઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કુટુંબ નિયોજન માટેના ઑપરેશન, આઈ.યુ.ડી.સી જેવી કુટુંબ કલ્યાણની કામગીરી માટે વર્ષ- ૨૦૧૯ માં શ્રેષ્‍ઠ કામગીરી બદલ આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા આશા વર્કર્સને પ્રશસ્તિપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સાથે સાથે બે બાળકો વચ્ચે અંતર રાખવા કુટુંબ કલ્યાણ કાર્યક્રમની બિનકાયમી પદ્ધતિ એવી કૉપર-ટી મુકાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેનો લક્ષિત દંપતિઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

લોકોમાં કુટુંબ કલ્‍યાણ કાર્યક્રમની કાયમી અને બિનકાયમી પધ્‍ધતિ વિશે બહોળો પ્રચાર-પ્રસાર થાય તે માટે વિશ્વ વસ્તી દિનની ઉજવણીના ભાગરૂપે પાટણ તાલુકા હેલ્થ કચેરી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. તાલુકાના આરોગ્‍ય કર્મચારી અને નર્સિંગ કોલેજની વિધાર્થીનીઓ દ્વારા કુટુંબ કલ્‍યાણ લોગો પ્રિન્‍ટ કરેલી કેપ અને ટી-શર્ટ પહેરી વિશાળ રેલી કાઢવામાં આવી. સિવિલ સર્જનશ્રી, પાટણ તથા પાટણ નગર પાલિકા પ્રમુખશ્રીએ મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રીની ઉપસ્‍થિતીમાં લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્‍થાન કરાવ્યું હતું. 

તાલુકા કક્ષાએ કરવામાં આવેલી વિશ્વ વસ્તી દિનની ઉજવણીમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા વર્કર્સ, નર્સિંગ કૉલેજના વિદ્યાર્થીઓ તથા લક્ષિત દંપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..