Back

નર્મદા : સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં થતી કાળી જીરીની ખેતી હવે નર્મદા જિલ્લામાં

નર્મદા : સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં થતી કાળી જીરીની ખેતી હવે નર્મદા જિલ્લામાં


થરીના પ્રગતિશીલ ખેડૂત મેહુલભાઇ વ્યાસે કાળી જીરીની ખેતી અપનાવીને નર્મદા જિલ્લામાં કરી નવતર પહેલ

માત્ર ૧૦૦ દિવસમાં ખેતી ખર્ચ બાદ કરીને રૂા.૧.૫ લાખનો મેળવ્યો ચોખ્ખો નફો

ડાયાબીટીસની સારવાર તથા વજન ઘટાડવા સહિતની અનેકવિધ વ્યાધિઓમાં ઔષધિ તરીકે ખૂબજ અસરકારક બની રહેલ હોવાનું જણાવતાં મેહુલભાઇ વ્યાસ


ઓનલાઇન વેંચાણને લીધે મેહુલભાઇને પ્રતિ કિલોગ્રામે કાળી જીરીનો રૂા. ૨૫૦/- થી ૩૫૦/- નો ભાવ મળવા ઉપરાંત વિવિધ રાજયોમાંથીપણ તેના વેંચાણ માટે પૃચ્છા આવે છે

થરી ગામના મેહુલભાઇની પ્રેરણાથી થરીના ખેડૂતો ઉપરાંત ગરૂડેશ્વર તાલુકાના કલીમકવાણાના ખેડૂતોએ પણ હવે કાળી જીરીની ખેતીમાં ઝંપલાવ્યું

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના થરી ગામના ખેડૂત મેહુલભાઇ વ્યાસે સામાન્ય રીતે સૌરાષ્ટ્રના વિસ્તારમાં ખેડૂતો દ્વારા થતી ખેતી કાળી જીરી /કડવી જીરીનો જિલ્લામાં સૌપ્રથમ પોતાના પાંચ એકરના વિસ્તારમાં ૧૦૦ દિવસની આ ઔષધિય ખેતીમાં ખેતી ખર્ચ બાદ કરીને ટુંકાગાળામાં રૂા. ૧.૫ લાખ જેવો ચોખ્ખો નફો પ્રાપ્ત કર્યો છે અને જિલ્લાના થરી ગામના તેમજ કલીમકવાણા ગામના અન્ય ખેડૂતોને પણ કાળી જીરી/ કડવી જીરીની ખેતી તરફ તેમને વાળ્યાં છે.


એગ્રી-બાયોટકનો અભ્યાસ કરનાર થરી ગામના રહેવાસી મેહુલભાઇ વ્યાસે પોતાની ખેતીની જમીનમાં આ અગાઉ કેળ-પપૈયા વગેરેની ખેતીતો કરતાં જ હતાં. પરંતુ મેહુલભાઇના મિત્રમંડળના સભ્યો કે જેઓ સૌરાષ્ટ્રમાં કાળી જીરી / કડવી જીરીની ખેતી કરે છે તેઓ પાસેથી તેમના અનુભવોનું ભાથુ અને જાણકારી મેળવીને પોતાના મિત્ર દિલીપભાઇ-કમલેશભાઇ પટેલ બંધુઓની જમીન ૧૦૦ દિવસ માટે ભાડે રાખીને ઇન્ટરનેટના માધ્યમથી ટૂંકાગાળામાં વધુ ઉત્પાદન મેળવવા માટે સારી ગુણવત્તાવાળા બિયારણની વ્યવસ્થા થકી ચીલાચાલુ ખેતીને તિલાંજલી આપી નૂતન અભિગમ અપનાવતાં નવેમ્બર-૨૦૧૯ ના અંતિમ સપ્તાહમાં પાંચ એકરના વિસ્તારમાં કાળી જીરીના પાકનું વાવેતર કર્યુ હતું. પ્રતિ એકરે ૭ કિલો ગ્રામ સારી ગુણવત્તાના બિયારણની વાવણી કરીને તેઓએ ટપક સિંચાઇની પિયત પધ્ધતિ અપનાવી હતી.

મેહુલભાઇ વ્યાસ વધુમાં જણાવે છે કે, આ કાળી જીરીની ખેતીમાં પ્રતિ એકરે રૂા. ૮૦૦૦/- નો ખેતી ખર્ચ થયેલ છે. માર્ચ મહિનામાં પ્રથમ અઠવાડિયે વાવણીના ૧૦૦ દિવસ બાદ કાળી જીરીની લણણી તેઓએ કરી હતી. જેમાં ૧૫ થી ૨૦ મણ પ્રતિ એકરે કાળી જીરીનું ઉત્પાદન મેળવેલ છે. મેહુલભાઇએ કાળી જીરીના માર્કેટીંગ માટે આધુનિક પધ્ધતિ અપનાવી ઇન્ટરનેટ મારફત India Mart માં Meghdarsh Agro Product નામે કંપની રજીસ્ટર્ડ કરીને તેમનું એકાઉન્ટ શરૂ કરેલ છે. જેના થકી સમગ્ર દેશભરમાંથી મેહુલભાઇની આ કાળી જીરીની ભારે માંગ ઉભી થતાં તેઓએ વિવિધ રાજયોમાં ઓનલાઇન વેંચાણ પણ કરેલ છે. કાળી જીરીની બજાર કિંમત રૂા.૨૫૦/- થી રૂા.૩૫૦/- પ્રતિ કિલોગ્રામ સુધી તેમને મેળવી છે. આમ, ખેતી ખર્ચ બાદ કરતાં ટૂંકાગાળામાં તેઓએ રૂા. ૧.૫ લાખનો ચોખ્ખો નફો પ્રાપ્ત કરેલ છે.


નાયબ બાગાયત નિયામક ડો. સ્મિતાબેન પિલ્લાઇ જણાવે છે કે, બાગાયત ખાતાના ઔષધિય પાકોના નવા વાવેતર માટે ખર્ચના ૭૫ ટકા અથવા રૂા. ૧૧,૨૫૦/- પ્રતિ હેકટરની મર્યાદામાં મહત્તમ ૪ એકર સુધીની વાવેતર સહાય મળવાપાત્ર હોઇ, મેહુલભાઇ વ્યાસને આ સહાય રકમની બાગાયત વિભાગ તરફથી આગામી બે-ત્રણ માસમાં ચૂકવણી થઇ જાય તેવી કાર્યવાહી હાથ ધરાઇ છે. બીજી બાજુ મેહુલભાઇ વ્યાસે તેમના થરી ગામના અન્ય ખેડૂતો ઉપરાંત ગરૂડેશ્વર તાલુકાના કલીમકવાણા ગામના ખેડૂતોને પણ આ કાળી જીરીના વાવેતર માટે પ્રેરણા પૂરી પાડીને તેના વાવેતરમાં તેઓ સહાયરૂપ બન્યાં છે. આમ, હવે જિલ્લામાં કાળી જીરીનું વધુ વાવેતર થશે જ તેમાં કાંઇ બે મત નથી.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..