Back

દેવગઢ બારીઆ તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં

   દેવગઢ બારીઆ તાલુકામાં વરસાદ વરસતા ખેડૂતોએ ખેતીમાં મકાઈ, તુવર, અડદ અને ડાંગર જેવા બિયારણની વાવણી કરી હતી. પરંતુ એક વખત વરસાદ પડયાં પછી છેલ્લા કેટલાંય દિવસોથી વરસાદ પડ્યો નથી. જો એકાદ અઠવાડિયા સુધી વરસાદ નહીં આવે તો વાવણી સુકાઈ જશે એમ ખેડૂતોનું માનવું છે. 

  દેવગઢ બારીઆ તાલુકા માં ગત ૨૨જુન નાં રોજ વરસાદી માહોલ સર્જાતાં મકાઈ જેવા પાકો માટે ઓરણી થઈ શકે તેટલો સામાન્ય વરસાદ વરસતા ખેડૂતોએ ખેતી માં મકાઈ, તુવર, અડદ અને ડાંગર જેવા બિયારણની વાવણી કરી ચુક્યા છે તેમજ અનેક ખેતરો હજી વરસાદ નાં અભાવે જેમનાં તેમ પડેલ હોવાનું નજરે પડે છે, તેમજ વાવણી થયેલી ખેતી હાલ પાણી વગર કરમાઈ રહી છે. એકાદ અઠવાડિયામાં વરસાદ નહીં આવે તો વાવણી કરેલ બધી ખેતી સુકાઈ જવાનો ભય ઉભો થતાં ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયેલા હોવાનું જોવા મળે છે. 

  દિવસે આકાશમાં વાદળો ઘેરાતા અને વરસાદી માહોલ સર્જાતાં ધરતીપુત્રોમાં વરસાદ આવશે તેવી આશા બંધાઇ છે, પરંતુ રાત્રી ના સમયે પવન ફુંકાતા અને આકાશ કોરુંધાકોર થતાં ખેડૂતો નિરાશામાં ગરકાવ થઈ જાય છે. 

 હાલ તો ખેડૂતો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. વહેલી તકે વરસાદ આવી જાય તો વાવણી કરેલા પાકો બચી જાય અને ડાંગરની ખેતી પણ થઇ શકે. 

 દિવસે વાદળો અને રાત્રે તારાં એ દુષ્કાળના ચાળા. આ ઉક્તિ જાણે સાચી પડતી હોય તેમ જગતના તાતની આશા નિરાશામાં ફેરવાય છે.