Back

રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળ્યા બાદ સૈા પ્રથમ ગુજરાતની મુલાકાતે જે પી નડ્ડા

રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળ્યા બાદ સૈા પ્રથમ ગુજરાતની મુલાકાતે જે પી નડ્ડા : કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વાગત કરાયું

જે.પી.નડ્ડાએ અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલી અર્પવાની સાથે કરી ભાવવંદના :પરમ ધન્યતાનો ભાવ વ્યક્ત કરતાં શ્રી નડ્ડા

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણી અને શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવો-આગેવાનો શ્રી નડ્ડાની મુલાકાતમાં જોડાયાં

કેવડીયા હેલીપેડ નજીક આદિવાસી નૃત્ય મંડળીઓ દ્વારા પરંપરાગત નૃત્યની રમઝટ સાથે કેવડીયામાં શ્રી નડ્ડાના વધામણાં


રાજપીપળા : જુનેદ ખત્રી

ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આજે સરદાર વલ્લભભાઇ પટેલના કેવડીયા કોલોની ખાતે સ્થાપિત સરદાર- સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન બીજેપીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી વી.સતીષ, ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાધાણી પણ સાથે જોડાયા હતાં.


રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે સવારે હેલિકોપ્ટર ધ્વારા કેવડીયા કોલોનીના હેલીપેડ ખાતે આવી પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય એડમીનીસ્ટ્રેટર અને જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ, સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા અને ગીતાબેન રાઠવા, વગેરે તરફથી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરી ઉષ્માભર્યો આવકાર અપાયો હતો. કેવડીયા હેલીપેડ નજીક આદિવાસી નૃત્ય મંડળીઓ દ્વારા પરંપરાગત નૃત્યની રમઝટ સાથે આ આગમનને વધાવી લીધુ હતુ.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મુલાકાત દરમિયાન જે.પી.નડ્ડાએ અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં ગુલાબના પુષ્પો દ્વારા અંજલી આપીને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ભાવવંદના કરી હતી અને ભાવવિભોરતા સાથે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી આજે હું પ્રસન્નતા સાથે ધન્યતાની લાગણી અનુભવી રહયો છું.


નડ્ડાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, આજે મા નર્મદાના પવિત્ર તટ પર સરદાર સરોવર ડેમ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આ ધામ આઝાદ ભારતનું તીર્થ સ્થાન બની ગયું છે. દેશની સ્વતંત્રતા ચળવળ અગાઉ, ચળવળ દરમિયાન અને દેશની આઝાદી બાદ ૫૬૨ જેટલા રજવાડાઓના વિલીનીકરણમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની મુખ્ય ભૂમિકા રહી છે. જેના લીધે આજે આધુનિક-સશકત ભારતનું નિર્માણ થયું છે. આ સ્મારક સ્થળ એક પ્રેરણાસ્ત્રોત બની રહયું છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં ભારત દેશને હજી પણ વધુ સમૃધ્ધ બનાવવા માટે સૌ કોઇને સંકલ્પબધ્ધ થવાનું તેમણે આહવાન કર્યું હતું.


રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ૪૫ માળની ઉંચાઇએ વ્યુઇંગ ગેલેરી ખાતેથી પ્રતિમાના હદય સ્થાનેથી માતા નર્મદા અને વિધ્યાંચલ-સાતપુડાની ગિરીમાળાઓના દર્શન સાથે મા-નર્મદાના દર્શન થકી પવિત્રતાની અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ પણ કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મ્યુઝીયમની પણ તેમણે મુલાકાત લીધી હતી અને પ્રદર્શન નિહાળી તે અંગેની વિસ્તૃત જાણકારી પણ તેમણે મેળવી હતી.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..