Back

એક જ સ્થળે એક સાથે લાભાર્થી મહિલાઓને વિધવા સહાય ના હુકમ વિતરણ કરાયાં. જુઓ ક્યાં.

વહિવટી સરળીકરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતું સિદ્ધપુર તાલુકા મહેસુલી તંત્ર


એક જ સ્થળે એક સાથે ૭૫ જેટલી લાભાર્થી મહિલાઓને વિધવા સહાયના હુકમ વિતરણ કરાયા

    સિદ્ધપુર તાલુકા મહેસુલી તંત્ર દ્વારા પ્રાંત કચેરી ખાતે વિધવા સહાયના હુકમ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરી વિસ્તારના ૭૫ જેટલા લાભાર્થીઓને એક સાથે વિધવા સહાયના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું.

    રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાઓને આર્થિક મદદ મળી રહે તે માટે વિધવા સહાય યોજના હેઠળ અગાઉ મળતી રૂ.૧૦૦૦ની રકમમાં રૂ.૨૫૦નો વધારો કરી દર મહિને રૂ.૧૨૫૦ની આર્થિક સહાય આપવામાં આવે છે. સાથે સાથે વિધવા સહાય અંગેની જોગવાઈમાં સુધારો કરી પુખ્ત વયના પુત્રની મર્યાદા દૂર કરાતાં હવે વધુ પ્રમાણમાં વિધવા મહિલાઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. પુખ્તવયના પુત્રની મર્યાદા દૂર કરવામાં આવતા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની પ્રેરણાથી સિદ્ધપુર પ્રાંત અધિકારીશ્રીના માર્ગદર્શન અને સિદ્ધપુર મામલતદારશ્રીના નેતૃત્વ હેઠળ તેમના કર્મચારીઓએ ઝુંબેશરૂપે વિધવા સહાયની કામગીરી શરૂ કરી. નવી અરજીઓની સાથે સાથે પુખ્તવયનો પુત્ર હોય અને વિધવા તરીકે સહાય મળવાપાત્ર મહિલાઓને આઈડેન્ટીફાઈ કરી, તેમના સાધનિક કાગળો મેળવી હુકમ તૈયાર કરવામાં આવ્યા.

    વિધવા અને નિરાધાર મહિલાઓને કચેરી સુધી ધક્કા ન ખાવા પડે તથા કચેરીથી થયેલા સહાયના હુકમ સરનામાની ભુલ કે અન્ય કારણોસર અટકી ન જાય તે માટે વિધવા મહિલાઓને એક જ સ્થળે રૂબરૂ બોલાવી એક સાથે વિધવા સહાયના હુકમ આપી સિદ્ધપુર તાલુકા મહેસુલી તંત્રએ વહિવટી સરળીકરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ વ્યવસ્થાથી લાભાર્થીને કોઈ પણ પ્રકારના વચેટીયાઓ વગર સીધા જ તેમની સહાયની રકમ મળવા પામી છે. આ હુકમ આધારે પોસ્ટ ઑફિસમાં ખાતુ ખોલાવી તેની પાસબુક આધારે સહાયની રકમ સીધા જ લાભાર્થીના ખાતામાં જમા થશે. 

    ઘરના મોભી ગુમાવ્યા બાદ કુટુંબની પ્રગતિ માટે મહેનત કરી ઘર ચલાવવાની જવાબદારી નિભાવતી વિધવા મહિલાઓને ઝુંબેશ રૂપે સરકારશ્રીની યોજનાની કામગીરી કરી વધુ લાભાર્થીઓને સહાય પહોંચાડવા બદલ જિલ્લા કલેક્ટરશ્રીએ તાલુકા મહેસુલી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં આપવામાં આવેલા હુકમો પૈકી ૯૦ ટકા લાભાર્થીઓ પુખ્તવયની મર્યાદા દૂર થવાના કારણે સહાય મેળવવાપાત્ર થયા હતા. 

    આ કાર્યક્રમમાં સિદ્ધપુર પ્રાંત અધિકારીશ્રી જે.એમ.તુંવર, મામલતદારશ્રી બી.એસ. મકવાણા, શિરસ્તેદારશ્રી ધવલ પરમાર, તલાટીશ્રીઓ, કચેરીના કર્મચારીઓ તથા લાભાર્થી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.


પાટણ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..