Back

હાલોલ તાલુકાના રામેશરા ખાતે માધ્યમિક શાળાઓ સંકુલ કક્ષાનું વિજ્ઞાન- ગણિત પ્રદર્શન મેળો યોજાયો

પંચમહાલ. હાલોલ

બ્યુરોચીફ. આમિર દેલોલીયા

રિપોર્ટર. કાદિરદાઢી

કૃષિ, પંચાયત, પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને હાલોલ તાલુકાના રામેશરાની પી.એમ. પરીખ હાઈસ્કુલ ખાતે માધ્યમિક શાળાઓના સંકુલ કક્ષાના ૧૬મું વિજ્ઞાન- ગણિત પ્રદર્શન યોજાયું હતું. જેમાં હાલોલ, જાંબુઘોડા અને ઘોઘંબા તાલુકાની ૬૨ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ પોતાની ક્ષમતા અને પરિકલ્પનાઓ મુજબ સમાજ અને દેશને ઉપયોગી થાય તેવા સંશોધન રજૂ કરતી ૧૦૩ કૃતિઓ રજૂ કરી હતી. 

રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે ગ્રામજનો, શિક્ષકો અને વાલીઓને સંબોધતા આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની યોજનાઓ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટનો લાભ આજે ગ્રામીણ અને છેવાડાના વિસ્તાર સુધી મળી રહ્યો છે. રાજ્ય સરકારે શિક્ષણની ચિંતા કરી દરેક તાલુકાઓમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરવા સાથે દૂર-દરાજ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચતર શિક્ષણનો લાભ મળી રહે તે માટેની શૈક્ષણિક સુવિધાઓને પણ ઉપલબ્ધ બનાવી છે. 

મંત્રી શ્રી પરમારે સ્ટાર્ટ-અપ ઈન્ડિયાની રૂપ રેખા આપતા જણાવ્યું હતું કે કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓને તેમના ઈનોવેટિવ આઈડિયાઝને રજિસ્ટર કરવા સરકાર સહાય આપે છે. આજના ઈન્ફર્મેશન ટેકનોલોજીના યુગમાં કોમ્પ્યુટર-ટેબલેટ-મોબાઈલ દ્વારા આપણે જોઈતી માહિતી સરળતાથી મેળવી શકીએ છીએ ત્યારે આજનો યુવાન વર્ગ  પોતાની શક્તિઓનો સમાજ અને દેશના ઉત્થાનમાં હકારાત્મક રીતે ઉપયોગ કરે તે ખૂબ જરૂરી છે. તેમણે આજે યોજાયેલ વિજ્ઞાન-ગણિત પ્રદર્શનને વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનો અને નવી દિશા આપવાનો સુંદર પ્રયાસ ગણાવ્યો હતો. તેમજ પ્રદર્શનમાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. 

વિજ્ઞાન-ગણિતના આ પ્રદર્શનનું ઉદઘાટન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ અધ્યક્ષ, પૂર્વ શિક્ષણ સચિવ, રામેશરા ગામના વતની તેમજ  આ જ શાળાના વિદ્યાર્થી અને શિક્ષક એવા શ્રી પી.વી. ત્રિવેદીએ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે વિજ્ઞાન અને ગણિત જીવનની દરેક ક્ષણે સહાયરૂપ બને છે. ઉન્નત અને સુખાકારી જીવન માટે તે ખૂબ જ આવશ્યક  છે.  તેમણે બાળકોને વૈજ્ઞાનિક અને ઉમદા નાગરિક બને તેવા શુભાષિશ પાઠવ્યા હતા. 

પ્રાસંગિક ઉદબોધનમાં મૃગેન્દ્રસિંહ સોલંકીએ શ્રાધ્ધ પક્ષમાં બનાવાતી દૂધની ખીર અને સવાર-સાંજ કરાતા ધૂપ-દીપની પરંપરામાં રહેલા વિજ્ઞાનને સમજાવ્યું હતું. 

સંકુલ કક્ષાના આ પ્રદર્શનમાં ટકાઉ કૃષિ પધ્ધતિઓ, ઔદ્યોગિક વિકાસ, સ્વચ્છતા-સ્વાસ્થ્ય સંસાધન વ્યવસ્થા અને પરિવહન અને ગાણિતીક વ્યવસ્થા જેવા વિભાગ અને વિષયો ઉપર પ્રદર્શન યોજાયું હતું. 

આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન શ્રી જશવંતસિંહ સોલંકી, હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ સુમિત્રાબેન પરમાર, ઉપ પ્રમુખ પ્રવિણભાઈ, ડો. ગિરીશભાઈ શુકલા, રામેશરા ગૃપ કેળવણી મંડળના પ્રમુખ અને સરપંચ શ્રી ઉદેસિંહભાઈ સોલંકી સહિત આસપાસના ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..