Back

જૂનાગઢમાં યુવક મહોત્સવ અવસરનો ભવ્ય પ્રારંભ : શિક્ષણવિદો, શ્રેષ્ઠીઓ, અને મહાનુભાવો રહ્યા હાજર

જૂનાગઢ : જૂનાગઢની ભક્ત કવિનરસિંહ મહેતા યુનિવર્સિટી અને શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી જમનાબા શામજીભાઈ ગોધાણી, જોષીપુરાના યજમાન પદે આજે ડો. હરિભાઈ ગોધાણી કેમ્પસ પર ત્રીજા યુવક મહોત્સવનો દબદબાભેર આરંભ થયો હતો.

આજ રોજ ઉદ્ઘાટન સમારોહમાં મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા, મહંતશ્રી મુકતાનંદ બાપુ, શિક્ષણવિદો, શ્રેષ્ઠીઓ, અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય આરંભ થયો હતો.

આજ રોજ અવસર ૨૦૧૯ યુવક મહોત્સવમાં રાજ્યના મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે,  જુનાગઢ કન્યા કેળવણી ક્ષેત્રે અગ્રેસર રહયું છે. તેમણે  જૂનાગઢમાં શિક્ષણમાં અને ખાસ કરીને કન્યા કેળવણીમાં ડો. હરિભાઈ પટેલ, શ્રીમોહનભાઈ પટેલ અને શ્રીપેથલજીભાઈ ચાવડા, શિક્ષણ ક્ષેત્રના મુખ્ય ત્રણ પાયા ગણાવ્યા હતા. આ ત્રણેય મહાનુભાવો જૂનાગઢમાં કન્યા કેળવણીના હિમાયતી રહયા છે. શિક્ષણ માટે  તેમણે  અનેક સંસ્થા, કોલેજ ભેટ ધરી  છે. તેમણે યુવક મહોત્સવ દ્વારા યુવાનમાં રહેલ ભય, લઘુતાગ્રંથિ દૂર થાય છે તથા તેનામાં રહેલ શક્તિ, આવડત, આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા વગેરે જેવા ગુણોનો વિકાસ થાય છે. મંત્રીશ્રીએ પોતાના વિદ્યાર્થી કાળના સ્ટેજ ફિયરના અનુભવની વાત કહી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વ્યક્તિમાં કોઈ પણ પ્રકારની જ્યારે સત્તા મળે છે, શક્તિ મળે છે ત્યારે તેનો સદુપયોગ કરવો અને સમાજ માટે ઉપયોગી બનવા અનુરોધ કર્યો હતો.  

શ્રી બી.એચ.ઘોડાસરાએ જણાવ્યું હતું કે, જ્ઞાન જેવી પવિત્ર ચીજ કોઈ નથી અને તે યુનિવર્સિટીના માધ્યમથી મળે છે, આ માધ્યમથી જ વિદ્યાર્થીનું સર્વ રીતે વિકાસ થાય છે. શ્રી હંસરાજભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશભરમાં બેટી બચાવો બેટી પઢાવ અને બેટીને વધાવવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે આપણે આપણા દેશમાં મહિલા વિરાંગનાઓ પાસેથી પ્રેરણા લઈએ પરે લક્ષ્ય પૂરું કરવામાં આગળ વધે તે જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે શૈક્ષણિક, સહિતની અનેક યોજનાઓ કાર્યરત છે તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિ.ના વાઇસચાન્સેલર શ્રી નીતિનભાઈ પેથાણી એ જણાવ્યું હતું કે, યુવક મહોત્સવએ યુવાનોનો મહોત્સવ છે. તેનામાં રહેલી અદ્વિતીય શક્તિને ઉજાગર કરવાનું આ એક માધ્યમ બને છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત આજે વિશ્વ ગુરુ બની રહ્યું છે ત્યારે યુવાનો રાષ્ટ્રીય વિકાસમાં તેમનું યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

ડૉ. જે.એસ.વાળા આ અવસરે ‘તેરી લાડકી’ ગીત....ની પંક્તિઓ અને દુહાઓ લલકાર્યા હતા. અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખશ્રી મુકતાનંદ બાપુ યુવાનોને આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, પરીક્ષાલક્ષી અને જીવનલક્ષી પદ્ધતિ સમાન ધારામાં ચાલે છે. યુવાન વિઝન પ્રાપ્ત કરી, કર્મશીલ બની, કાર્યને સમર્પિત થઈ કામ કરવા કહ્યું હતું. તેમણે આ પ્રસંગે યુવાનો માટે સફળતાએ યુવાનનો જન્મસિદ્ધ અધિકાર છે. સાથે જીવન સ્વલક્ષી દ્રષ્ટિ ન રાખતા સર્વલક્ષી દ્રષ્ટિ રાખે એ જરૂરી છે.

આ તકે અનિવાર્ય સંજોગોના કારણે ઉદ્દઘાટન સમારોહમા હાજર ન રહી શકનાર શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઓડીયો વિઝયુઅલના માધ્યમથી કુલપતિશ્રીને શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.

લોક સાહિત્યકાર શ્રી જીતુદાન ગઢવીએ દાદબાપુની  ગીરના જંગલના વર્ણનની કવિતા પ્રસ્તુત કરતા ઉપસ્થિત સૌ કોઈ હિલોળે ચડ્યા હતા. આ તકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વર્ષ ૨૦૧૮-૨૦૧૯ના વાર્ષિક અહેવાલનું વિમોચન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા તથા ઉપસ્થિત સૈા કોઈ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

અમદાવાદ કિડની ઇન્સ્ટિટ્યૂટના ડૉ. પંકજભાઈ શાહનું વિશિષ્ટ સન્માન મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ડો.પંકજ શાહે નેફ્રોલોજી ક્ષેત્રે ખૂબ જ સારી કામગીરી કરી છે. ગુજરાત સરકારના અંગદાન અભિયાનમાં પ્રમુખ ભૂમિકા ભજવી છે. કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટના ચેરમેન શ્રી જે.કે.ઠેસિયા દ્વારા કરવામાં આવ્યું હતુ.

આ તકે યુનિવર્સિટીના ગાન દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.. સમગ્ર કાર્યક્રમ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડો.ચેતનભાઇ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે ઉપસ્થિત સૌ કોઈ મહાનુભાવોનું શાલ, રૂમાલ, પુસ્તક અને સ્મૃતિ ચિન્હ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે યુવક મહોત્સવમાં બેટી બચાવો બેટી વધાવો બેટી પઢાઓ ની થીમ પર વિવિધ સ્પર્ધામાં ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ કલાના કૌવત બતાવશે.

તેમાં શાસ્ત્રીય નૃત્ય, દુહા છંદ, ભજન, એકાંકી, ડિબેટ, પોસ્ટર મેકિંગ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

યુવક મહોત્સવનો અહેવાલ ડો. રમેશ મહેતા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું આભાર ડો.મયંક સોની  દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ.મેહુલ દવેએ કર્યુ હતુ.

યુવક મહોત્સવમાં ધારાસભ્યશ્રી ભીખાભાઈ જોશી, નટુભાઈ પટોળીયા, હરેશભાઈ પરસાણા, મૃણાલિનીબેન ગોધાણી, રેણુકાબેન શાહ, રાકેશભાઈ ધુલેશીયા, ડો.અજમેરા, ભાવનાબેન, ચંદ્રેશભાઈ હેરમા, મહેન્દ્રભાઈ ગોધાણી, જેઠાભાઈ પાનેરા, પૂર્વ મેયર આધ્યાશક્તિ બેન, દલસાણીયા ભાઈ, પઢીયાર ભાઈ, જ્યોતિબેન વાછાણી, ભાવેશભાઈ વેકરીયા, ભૈરવ દીક્ષિત, એ.એચ.બાપોદરા, ડૉ. જય ત્રિવેદી, ડૉ.વિશાલ જોષી તથા ટ્રસ્ટીશ્રીઓ, સિન્ડિકેટ સભ્યો, યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : ભરત બોરીચા

Mo. 92768 17218

જુનાગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..