Back

ઉત્તર પ્રદેશના રાજ્યપાલશ્રી આનંદીબેન પટેલ ની ઉપસ્થિતિમાં વિદ્યાભરતી મેઘાવી છાત્ર અલંકરણ સમારોહ સંપન્ન. જુઓ ક્યાં.

માહિતી બ્યુરો. પાટણ.


ઉત્તર પ્રદેશના રાજ્યપાલશ્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતીમાં વિદ્યાભારતી મેધાવી છાત્ર અલંકરણ સમારોહ સંપન્ન


વિદ્યાભારતી શિક્ષણની સાથે વિવિધ પ્રવૃત્તિઓ થકી બાળકોનો સર્વાંગી વિકાસ અને તેમનામાં સંસ્કારોનું સિંચન કરે છે.

- ઉત્તર પ્રદેશના રાજ્યપાલશ્રી આનંદીબેન પટેલ

સદગુણો અને દુર્ગુણોની વચ્ચે સતત માનસિક સંઘર્ષ કરતાં વિદ્યાર્થીઓને સાચો માર્ગ બતાવવાની જવાબદારી શિક્ષકની.

- ઉત્તર પ્રદેશના રાજ્યપાલશ્રી આનંદીબેન પટેલ


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે ભારતીય શિક્ષણ સેવા સમિતિ દ્વારા યોજાયો તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ


૧૨ જેટલી વિવિધ શ્રેણીમાં ૧૧ વિદ્યાર્થીઓ, ૦૯ વિદ્યાલયો તથા ૦૫ પૂર્વ છાત્રોનું ચંદ્રક તથા પ્રમાણપત્ર આપી સન્માન


​પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલશ્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતીમાં ભારતીય શિક્ષણ સેવા સમિતિ આયોજીત વિદ્યાભારતી મેધાવી છાત્ર અલંકરણ સમારોહ યોજાયો હતો. વિવિધ ક્ષેત્રો સિદ્ધિ હાંસલ કરેલા વિદ્યાર્થીઓ, આચાર્યો તથા શાળાઓનું રાજ્યપાલશ્રીના વરદ્હસ્તે શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

​આ પ્રસંગે પ્રેરક ઉદ્બોધન કરતાં ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલશ્રી આનંદીબેન પટેલે જણાવ્યું કે, ભારતીય પરંપરાના મહાનગ્રંથોમાં ગર્ભાવસ્થાથી શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે. જન્મ બાદ બાલ્યાવસ્થાથી વિદ્યાર્થીકાળના સમયગાળામાં આપવામાં આવતું શિક્ષણ પ્રબુદ્ધ અને જવાબદાર નાગરીકનો પાયો છે. તેનું મહત્વ સમજી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં ગર્ભાવસ્થાથી લઈ બાલ્યકાળ દરમ્યાન બાળકોને આપવામાં આવતા પ્રાથમિક શિક્ષણ સહિતની જરૂરિયાતો મુજબનું વાતાવરણ ઉભુ કરવા સંશોધનો થઈ રહ્યા છે.

​શાળા અને શિક્ષકનું મહત્વ દર્શાવતાં ઉત્તર પ્રદેશ રાજ્યપાલશ્રી આનંદીબેન પટેલે જણાવ્યું કે, માતા-પિતા કરતાં પણ વધુ જવાબદારી શિક્ષકના શીરે છે. બાળક તેના પહેરવેશ, બોલચાલ અને વર્તનથી લઈ શિસ્ત અને સમયપાલન સહિતના ગુણ તેના શિક્ષક પાસેથી શીખે છે. સદગુણો અને દુર્ગુણોની વચ્ચે સતત માનસીક સંઘર્ષ કરતાં વિદ્યાર્થીઓને સાચો માર્ગ બતાવવાની જવાબદારી શિક્ષકનું છે. શિક્ષણની સાથે સાથે શારીરીક, માનસિક અને બૌદ્ધિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય તો જ દેશને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધારી શકાશે.

​વધુમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આપણી પાસે તક્ષશિલા જેવા મહાવિદ્યાલયોનો અમૂલ્ય વારસો છે. પુરાતન કાળમાં ગામે ગામ સંતો-મહર્ષીઓ દ્વારા આપણી સંસ્કૃતિ અને પરંપરા મુજબનું શિક્ષણ આપવામાં આવતું. સમાજ દ્વારા તેનો ખર્ચ અને નિભાવ કરવામાં આવતો. વિદ્યાભારતી એક એવી જ સંસ્થા છે જે સરકારને સમાંતર રહી સમાજ સાથે જોડાઈ શિક્ષણકાર્ય કરે છે. શિક્ષણની સાથે વિવિધ પ્રવૃત્તિઓ થકી બાળકોનો સર્વાંગી વિકાસ અને તેમનામાં સંસ્કારોનું સિંચન કરે છે.

​વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાનની સ્થાપના અને તેના કાર્યો વિશે પ્રાસ્તાવિક રજૂ કરતાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ડૉ.મેહુલભાઈ શાહે જણાવ્યું કે, ભારતવર્ષના મહાન ઋષિઓએ વેદોના માધ્યમથી સમગ્ર વિશ્વમાં જ્ઞાનનો પ્રકાશ પાથર્યો હતો. ભારતની બદલાયેલી શિક્ષણ વ્યવસ્થાને ભારતના પરંપરાગત જ્ઞાનને શિક્ષણ દ્વારા પુનર્જીવિત કરવાના પરિણામ સ્વરૂપ વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાનની સ્થાપના કરવામાં આવી. જેમાં વર્ષ ૧૯૮૦માં ગુજરાતમાં સૌપ્રથમ પાટણ ખાતેથી વિદ્યાભારતીની શરૂઆત કરવામાં આવી હતી. લક્ષ્ય આધારિત રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી દ્વારા છેવાડાના માનવી સુધી શિક્ષણ પહોંચાડી સમરસ વિકાસ માટે સંસ્થા પ્રયત્નરત છે.

​વિદ્યાભારતી શિક્ષા સંસ્થાનમાં ગુજરાતભરમાં ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે પૈકી ૧૨ જેટલી વિવિધ શ્રેણીમાં ૧૧ વિદ્યાર્થીઓ, ૦૯ વિદ્યાલયો તથા પાટણના ૦૫ વ્યવસાયી અને પૂર્વ છાત્રોને ઉત્તર પ્રદેશના રાજ્યપાલશ્રી આનંદીબેન પટેલ દ્વારા ચંદ્રક તથા પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધોરણ ૧૦ અને ૧૨માં જ્વલંત સફળતા ઉત્તમ વિદ્યાર્થીઓ ઉપરાંત ખેલકુદ તથા શિક્ષણ અને અન્ય વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સાથે સાથે વિદ્યાભારતીના પુરસ્કૃત વિદ્યાર્થીઓ તથા આચાર્યોએ તેમના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

​આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કાર નિકેતન ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી રાકેશભાઈ શાહ, વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી ડૉ.સુભાષભાઈ દવે, વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ મહામંત્રીશ્રી નિતીનભાઈ પેથાણી, મંત્રીશ્રી દિપકભાઈ રાઠોડ, ભારતીય શિક્ષણ સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખશ્રી અપૂર્વભાઈ મણિઆર, ભારતીય શિક્ષણ સેવા સમિતિના ટ્રસ્ટી સર્વશ્રી રમેશજી અગ્રવાલ, વિજયભાઈ ધોળકીયા, નવીનભાઈ પ્રજાપતિ, સહકાર ભારતી ગુજરાત પ્રદેશના અધ્યક્ષશ્રી કાન્તિભાઈ પટેલ, વિદ્યાભારતી શાળાઓના પ્રદાનાચાર્યો, શિક્ષકગણ, વાલીગણ, વિદ્યાર્થીઓ તથા સંસ્થાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રહલાદ વ્યાસ. પાટણ.

પાટણ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..