Back

જૂનાગઢ પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણીની સાથે સાથે કરુણા અભિયાન

જૂનાગઢ : ટ્રાફિક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મકર સંક્રાંતિની ઉજવણીમાં વાહન ચાલકો પૈકી ખાસ કરીને બાઈક ચાલકને પતંગની દોરીથી ઇજા ના થાય એ માટે મોટર સાયકલ ઉપર ખાસ ગાર્ડ લગાડવાની કામગીરી કરવામાં આવેલ હતી. 

જે કામગીરીના ભાગરૂપે આજરોજ રેલવે સ્ટેશન ચોકમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પી.આઈ. આર.બી.સોલંકી, ટ્રાફિક પીએસઆઈ એ.સી.ઝાલા તથા સ્ટાફ દ્વારા વાહન ચાલકોને રોકી, ટુ વ્હીલરમાં લોખંડના સળિયાની બનાવેલ ખાસ ગાર્ડ વિના મૂલ્યે લગાડવાની કામગીરી કરી, વાહન ચાલકોને પતંગની દોરીથી થતા નુકશાન તથા ઈજાઓ બાબતે ખાસ સમજણ પણ આપવામાં આવેલ હતી. 

ઉપરાંત, કરુણા અભિયાન તેમજ ટ્રાફિક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પતંગની દોરીથી પક્ષીઓને થતી ઈજાઓ અને મૃત્યુ બાબત તેમજ ટ્રાફિકના નિયમોની જાણકારી આપી, આવા બનાવો ના બને તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે સાવચેત કરવામાં પણ આવેલ હતા. 

જૂનાગઢ પોલીસ દ્વારા મકર સંક્રાતિ દરમિયાન લોકોને પોતાને તથા પોતાની સાથે બાઇક પર સવારી કરતા બાળકો મહિલાઓને પોતાના ગળાનું રક્ષણ કરવા મફલર કે કોઈ કાપડથી રક્ષિત રાખવા પણ વિનંતી કરવામાં આવેલ છે. 

આમ, જૂનાગઢ પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરી, બાઇક ચાલકો પતંગની દોરીનો ભોગ ના બને અને તેઓને ઇજા કે જાનહાનીના થાય એ માટે જાગૃત કરવામાં આવેલ છે.

તાજેતરમાં જૂનાગઢ પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણીની સાથે સાથે કરુણા અભિયાનના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરી, લોકોને ટ્રાફિકના નિયમોની જાણકારી આપી, લોકોમાં ટ્રાફિકના નિયમોના પાલન કરવાની ભાવના સ્વયંશિસ્ત દ્વારા જગાડવા ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો યોજવામાં આવે છે. 

લોકોએ જાતે જ પોતાના જીવનમાં ટ્રાફિકના નિયમો અને કાયદાનું પાલન કરવા વિનંતી પણ કરવામાં આવી હતી.

રિપોર્ટર : ભરત બોરીચા

Mo. 92768 17218