Back

કાલોલના વેજલપુર ખાતે પંચમહાલની આત્મા પ્રોજેકટ કચેરી દ્વારા કૃષિ મેળો, પ્રદર્શન અને ખેડૂત કાર્યશાળા યોજાયા

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા




પંચમહાલની આત્મા પ્રોજેક્ટ કચેરી દ્વારા વેજલપુર ખાતે કૃષિ મેળો, પ્રદર્શન અને ખેડૂત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. વેજલપુરના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલ આ કાર્યક્રમનું ઉદઘાટન કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહે જણાવ્યું હતું કે કૃષિમાં ઉત્પાદન અને ગુણવત્તાક્ષેત્રે આવતા સુધારાઓ દેશની આર્થિક સ્થિતિ અને લોકોના શારીરિક સ્વાસ્થ્ય સાથે સીધી રહી સંકળાયેલા છે. શ્રી શાહે ઉપસ્થિત ખેડૂતોને સંશોધન કેન્દ્રો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા વિકસાવાયેલ અને ચકાસણીમાં ખરા ઉતરેલા સુધારેલા બિયારણો વાપરીને કૃષિ ઉત્પાદન અને જમીનની ઉત્પાદકતા વધારવા સૂચન કર્યું હતું. સજીવ ખેતી અંગે લાભાર્થીઓએ રજૂ કરેલા પ્રતિસાદ અંગે પ્રસન્નતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે જંતુનાશકો અને રાસાયણિક ખાતરોની જમીન, પાક અને માનવ સ્વાસ્થ્ય પર થતી ખરાબ અસરોને ધ્યાનમાં લઈને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અને સજીવ ખેતી જેવા અભિગમ અપનાવવા જ શાણપણભર્યું છે. આ ઉપરાંત, જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ખરાબ સ્વાસ્થ્યની અસર ઉત્પાદકતા પર થતી હોવાનો ઉલ્લેખ કરતા બાળકો, સગર્ભાઓ, ધાત્રી માતાઓ અને મહિલાઓના સ્વાસ્થ્ય પ્રત્યે દુર્લક્ષ ન સેવવા અનુરોધ કર્યો હતો.  

જિલ્લા ખેતીવાડી અધિકારી જે.ડી ચારેલે પીએમ કિસાન સન્માન નિધી, વીમા યોજના સહિતની ખેડૂતલક્ષી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. કનકલતાએ મહિલા સશક્તિકરણ વિશે વાત કરતા ખેતી અને પશુપાલન પ્રવૃતિમાં ભારતીય મહિલાઓના પ્રદાન અને મહત્વ વિશે જણાવ્યું હતું. આ અગાઉ મકાઈ સંશોધન કેન્દ્રના વડા ડો. એમ.બી. પટેલે મકાઈની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અને નવા બિયારણો તથા કૃષિક્ષેત્રે નવા પ્રવાહો અંગે વિગતવાર વાત કરી હતી. આ ઉપરાંત, પ્રગતિશીલ ખેડૂતો અને પશુપાલકોએ પ્રાકૃતિક ખેતી અને પશુપાલન પરના અનુભવો વિશે વાત કરી હતી. 

 નાયબ ખેતીનિયામક ડી.એચ. રબારીએ કાર્યક્રમની આભારવિધી પ્રસ્તુત કરી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું અને કૃષિ પ્રદર્શન અંતર્ગત શ્રેષ્ઠ સ્ટોલ ધારકોને પ્રમાણપત્રનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.  એ અગાઉ શ્રી શાહે કૃષિ પ્રદર્શન અંતર્ગત લગાવાયેલ વિવિધ વિભાગોના સ્ટોલ્સની મુલાકાત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.  

આત્મા કચેરીના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એ.આઈ. પઠાણે જણાવ્યું હતું કે બે દિવસના આ પ્રદર્શન અને ખેડૂત કાર્યશાળામાં ખેડૂત મિત્રોને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી વિશે, મકાઈ, ઘઉં, ડાંગર, તુવેર, સોયાબીન અને કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ, સૂક્ષ્મ પિયત પધ્ધતિના પ્રકારો અને ફાયદાઓ, શાકભાજીની ખેતી વિશે, ખેડૂતોને મૂંઝવતા ખેતીને લગતા ટેકનિકલ પ્રશ્નો  અંગે વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. 

આ પ્રસંગે જિલ્લાના પ્રાકૃતિક અને સજીવ ખેતીના નિષ્ણાંતો, કૃષિ સંશોધકો અને ખેડૂત ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..