Back

ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ નજીક દિપડો મૃત હાલતમાં મળતા ચકચાર.

ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ નજીક દિપડો મૃત હાલતમાં મળતા ચકચાર.   



ઝઘડિયા નજીકના ગુમાનદેવ પાસેના વિસ્તારમાંથી એક દીપડો મૃત હાલતમાં મળી આવ્યો છે. વનવિભાગના જણાવ્યા અનુસાર કોઈ ઝેરી પદાર્થ ખાવાના કારણે દીપડાનું મરણ થયું હોવાનું અનુમાન છે. જે સ્થળેથી દીપડો મૃત હાલતમાં મળી આવ્યો છે ત્યાં થોડા દિવસો અગાઉજ દીપડાને પકડવા પીંજરું મુકવામાં આવ્યું હતું અને તેનાથી થોડે દૂર જ દીપડો મૃત હાલતમાં મળી આવતા અનેક પ્રકારના તર્ક વિતર્ક સંભળાય રહ્યા છે.


છેલ્લા કેટલાક સમયથી ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તાર તેમજ ધોરીમાર્ગ આસપાસના  વિસ્તારમાં દીપડાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન ખેતરોમાં પાણી વાળવા  જતા ખેડૂતો અને  ખેતમજુરોમાં ભયનો માહોલ વધુ પ્રમાણમાં  દેખાઈ રહ્યો છે. વન વિભાગ દ્વારા કેટલાક સ્થળોએ પીંજરા મૂકી દીપડાઓને પકડીને સલામત સ્થળે છોડવામાં પણ આવ્યાછે. પરંતુ હજી તાલુકામાં ઘણીવાર દિપડા દેખાતા હોઇ, તેનો ભય યથાવત રહ્યો છે. ખેડૂતોની દીપડો દેખાવાની ફરિયાદના આધારે ઝઘડિયા વન વિભાગ દ્વારા ઝઘડિયાના ગુમાનદેવ પાસેની એક શાળાના પાછળના વિસ્તારમાં દીપડાને પકડવા પીંજરું મુકવામાં આવ્યું હતું. આજરોજ વહેલી સવારે વન વિભાગને માહિતી મળી હતીકે તે પીંજરાની પાસે એક દીપડો મૃત હાલતમાં પડ્યો છે. ઝઘડિયા વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે  પહોંચ્યા હતા. પિંજરાથી થોડે દૂર દીપડો મૃત હાલતમાં પડ્યો હતો. મૃત  દીપડાની ઉમર આશરે અઢી વર્ષની હોવાનું અનુમાન છે અને તેની લંબાઈ ૫ ફૂટ જેટલી છે. દીપડાના મરણ બાબતે જાણવા મળ્યા મુજબ  કોઈ ઝેરી પદાર્થ ખાવાના કારણે દીપડાનું મરણ થયું હોવાનું પ્રાથમિક તારણ છે અને વધુ સ્પષ્ટતા તેના પોસ્ટમોર્ટમ બાદ  લેબોરેટરીના રીપોર્ટ પછી  જાણી શકાશે. દીપડાના મોત બાબતે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું  જાણવા મળ્યુ છે.


ઈરફાન ખત્રી 

રાજપારડી

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..