Back

મોરબીમાં વડવાળા યુવા સંગઠન દ્વારા રબારી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

દુનિયા ઉપર રાજ કરવા માટે હવે સંપત્તિની નહિ પણ જ્ઞાનની જરૂર પડશે : જય વસાવડા

મોરબી : જેમની પાસે અઢકળ સંપત્તિ હોય એજ માત્ર દુનિયા પર રાજ કરી શકે એ જમાનો હવે ભૂતકાળ બની ગયો છે.આજે આધુનિક ટેકનોલોજીના ઝડપી વિકાસથી ચિત્ર હવે બદલાઈ ગયું છે.તેથી હવે સંપત્તિ નહિ જ્ઞાનની જરૂર છે.જો જ્ઞાન નહિ હોય તો એ વ્યક્તિ પશુ સમાન ગણાશે .તેથી દુનિયા પર હવે રાજ કરવા માટે સંપત્તિની નહિ પણ જ્ઞાનની જરૂર પડશે તેમ યુવાનોના આદર્શ અને જાણીતા વક્તા તથા લેખક જય વસાવડાએ મોરબી ખાતે વડવાળા યુવા સંગઠન દ્વારા યોજાયેલા રબારી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ અને સ્નેહમિલનના ભવ્ય કાર્યક્રમમાં જણાવ્યું હતું.

શ્રી.વડવાળા યુવા સંગઠન મોરબી દ્વારા ગઈકાલ ગુરુવારે સાંજે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઓમ પાર્ટી પ્લોટ ખાતે રબારી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તથા મચ્છુ કાંઠાના રબારી સમાજના સ્નેહમિલનના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.દુધરેજના મહંત પૂ.કનીરામ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયલ આ દબદબાભેર કાર્યક્રમનું તેમના શુભ હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.આ તકે  પૂ.કનિરામ બાપુએ જણાવ્યું હતું કે ,આજના સમયમાં શિક્ષણની વધુ જરૂરિયાત છે.દરેક માં બાપ દીકરો દીકરીને એક સમના ગણીને દીકરીઓને પણ વધુ સારું શિક્ષણ આપે તેવી હાકલ કરી હતી.તેમણે સમાજને શિક્ષણ અને સંગઠિત થવા તથા કન્યા કેળવણી પર ભાર મૂકી કુંરીવાજોને તિલાંજલિ આપવાની પણ હાકલ કરી હતી.આ તકે પૂ.રામપાલકદાસ બાપુ ,પૂ.બંસીદાસ બાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા. તેમજ વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા ,મોરબી એસઓજી પી.આઈ આલ સાહેબ તથા હળવદના પીઆઇ ખાંભલા સહિતના મહાનુભવો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.તેમજ મોરબીના રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત મહાનુભવોના હસ્તે રબારી સમાજના ધો.9 થી અનુસ્નાતક સુધીના 180 તેજસ્વી વિધાર્થીઓને મોમેન્ટ અને પરમાનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.ઉપરાંત ખેલ મહાકુંભ અને રમત ગમત સહિતની પ્રવૃતિઓમાં ઉજ્જવળ દેખાવ કરવાના રબારી સમાજની ઉગતી પ્રતિભાઓનું સન્માન કરીને બિરદાવાયા હતા.

આ તકે યુવાનોના રોલ મોડેલ ગણાતા જાણીતા વક્તા અને લેખક જય વસાવડાએ આજના સમયમાં જ્ઞાન કેટલી આવશ્યકતા તે અંગે ઉદબોધન કર્યું હતું.તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ,હાલ 21મી સદી જ્ઞાનની ગણાય છે.સંપત્તિ કરતા જ્ઞાન અધિક મૂલ્યવાન છે.જો તમારી પાસે શ્રેષ્ઠ જ્ઞાન હશે તો દુનિયા આખી પર તમે રાજ કરી શકશો. હવે સાચી સંપત્તિ છે એ જ્ઞાનની છે અને સરસ્વતી અને જ્ઞાનની ઉપાસના જ તમને આગળ લઈ જશે.જ્ઞાન આગળ જ દુનિયા ઝુક્શે.જ્ઞાન નહિ હોય તો તમારા સમગ્ર વ્યક્તિનો વિકાસ રૂધાંશે.હવે ટૂંકમાં સંપત્તિની નહિ પણ જ્ઞાનની અધિક જરૂરિયાત રહશે.તેમણે પોતાના વક્તવ્યમાં શિક્ષણ અને જ્ઞાનની જરૂરિયાત વિશેના પાસાઓની છણાવટ કરીને વિદ્યાર્થીઓને વધુને વધુ જ્ઞાન મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓ દેવેનભાઈ રબારી , મોતીભાઈ રબારી અને ધારાભાઈ રબારી સાહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..