Back

*સાબરકાંઠા જિલ્લાના જિલ્લા કક્ષા ૭૧ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રાંતિજ ખાતે કરવામાં આવી હતી

*સાબરકાંઠા જિલ્લાના જિલ્લા કક્ષા ૭૧ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રાંતિજ ખાતે કરવામાં આવી હતી*દેશના આઝાદી જંગમાં વીર સપૂતોએ આપેલા બલિદાનને વંદન કરું છું સાથે દેશના પ્રત્યેક નાગરિકને ગણતંત્ર દિનની શુભકામના પાઠવું છું.


-આદિજાતિ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા.
પૂજ્ય મહાત્મા ગાંધી સરદારની ભૂમિ દેશની રોલ મોડલ બની તેનું ગૌરવ અનુભવું છું.
ડો. ભીમરાવ આંબેડકરને યાદ કરી ગુજરાતે બંધારણ દિનની શાનદાર ઉજવણી કરી હતીસાબરકાંઠા જિલ્લા કક્ષાની ઉજવણી પ્રાંતિજની અવર ઓન  હાઇસ્કુલ ખાતે આદિજાતિ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી વિકાસ કામોનું લોકાર્પણ કર્યું.


     ૨૬મી જાન્યુઆરી ૨૦૨૦ પ્રજાસત્તાક રાષ્ટ્રીય પર્વની ઉજવણી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે અવર ઓન હાઇસ્કુલ ખાતે આદિજાતિ વિકાસ વન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાના હસ્તે સવારે ૯-૦૦ કલાકે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.


      આ પ્રસંગે મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશની આઝાદીના જંગમાં વીર સપૂતોએ આપેલા બલિદાનને વંદન કરું છું. સાથે દેશના પ્રત્યેક નાગરિકને ગણતંત્ર દિનની શુભકામનાઓ પાઠવું છું. પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદારની ભૂમિ આજે દેશની રોલ મોડલ બની છે તેનું સૌને ગૌરવ છે. આજે આપણે પૂજ્ય બાપુની ૧૫૦મી જન્મજયંતી ઊજવી રહ્યા છીએ ત્યારે છેવાડાના માનવીનું કલ્યાણ અને તેમને સહાયરૂપ થવા માટે આ સરકાર કટિબદ્ધ છે. સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને લઈને આ સરકાર માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રાને ચાર આધાર સ્તંભ નિર્ણાયકતા, પારદર્શકતા, પ્રગતિશીલતા, પ્રશાસન સુપેરે પાર પાડી રહ્યા છે. આજે ગુજરાત દેશનું રોલ મોડેલ બન્યું છે. ડો. ભીમરાવ આંબેડકરને યાદ કરી ગુજરાત બંધારણ દિનની શાનદાર ઉજવણી કરી છે.


     મંત્રીશ્રી વસાવાએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કલમ ૩૭૦ દૂર કરીને સૌનું ગૌરવ વધાર્યું છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશને એક સૂત્ર કરી એકતા અડીખમ કરી છે. આજે વિકાસની ઝલક સૌને જોવા મળે છે. પ્રત્યેક વ્યક્તિને તેનો અનુભવ થઈ રહ્યો છે. દ્રઢતા સાથે કેન્દ્રીયગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહ દ્વારા સી.એ.એ.નો કાયદો બનાવી ગાંધીબાપુના વચનનુ પાલન કરી દરેક ધર્મને નાગરિકતા આપવાની વાત કરી છે. જેમાં ગુજરાત સરકારે સમર્થન આપ્યું છે.


ગુજરાત સરકારે ખેડૂતોના હિતલક્ષી અનેક નિર્ણયો કર્યા છે. કમોસમી વરસાદ વેળાએ ખેડૂતો માટે રૂ. ૩,૭૫૫ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતોને ટેકાના ભાવે રૂ. ૮,૫૦૦ કરોડના ખર્ચે ખેત ઉત્પાદનની ખરીદી કરી છે.  આદિજાતિ વિસ્તારમાં સિંચાઈના ૫,૦૦૦ કામો પ્રગતિ હેઠળ છે. ખેડૂત આઈ પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી દ્વારા લાભાર્થીઓના ખાતામાં સીધી સહાય આપવામાં આવે છે. અને ખેડૂતોની આવક બમણી કરવા ખેડૂતોને જૈવિક  ખેતી, સેન્દ્રીય ખાતર તરફ વાળવા ઠેર-ઠેર કૃષિ શિબિર અને કાર્યશાળાઓ યોજવામાં આવી છે. અગાઉ ૪૦ વર્ષમાં  ૬.૯૪ લાખ વીજ કનેક્શન આપ્યા હતા. જ્યારે આ સરકારે ૧૧ લાખથી વધુ ખેડૂતોને વીજ કનેક્શન આપ્યા છે.


     છેવાડાના માનવીને આરોગ્યની સુવિધાઓ મળે તે માટે મુખ્યમંત્રી અમૃતમ યોજના, મા કાર્ડ યોજના અમલી બનાવી છે. નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવા માટે સાઈબર આસ્વત પ્રોજેક્ટ અમલી કર્યો છે. છ ધાર્મિક સ્થળોએ પ્રવાસીઓની સુરક્ષા માટે સી.સી.ટી.વી સર્વેલન્સની  વ્યવસ્થા વિકસાવી અને સૌને ઘરનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના તથા મુખ્યમંત્રી આવાસ યોજના અમલમાં મુકી લાખો લોકોને તેનો લાભ આપવામાં આવ્યો છે.


     મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે,  હવે મહેસૂલ અને અન્ય વિભાગોની  સેવાઓ ઓનલાઇન થઇ જતા વચેટિયા અને દલાલો દૂર થયા છે. આંગળીના ટેરવે લોકો જાતે કચેરીમાં ગયા વિના યોજનાઓનો લાભ લઇ શકે તેવી વ્યવસ્થા આ સરકારે વિકસાવી છે. મુખ્યમંત્રી સ્વાવલંબન અને યુવા રોજગાર ક્ષેત્રે પણ અનેક પગલાં લીધા છે. ત્રણ લાખ વિદ્યાર્થીઓને એક હજારની નજીવી  કિંમતે  ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ગુજરાતનો યુવાન મેડિકલ ક્ષેત્રે અભ્યાસ  ઘર આંગણે કરી શકે તે માટે ૫૫૦૦ બેઠકો ઉપલબ્ધ કરાઈ છે. એટલું જ નહીં છેવાડાના અંતરિયાળ ખારાપટમાં પાણીની સુવિધા પૂરી પાડવા ડી સેલિનેશન પ્લાન્ટ શરૂ કરીને ખારા પાણીને મીઠું બનાવવામાં આવે છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વર્ષ  ૨૦૧૯માં સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કર્યું તેનાથી હજારો તળાવો, કૂવાઓમાં પાણીના તળ ઊંચા  આવ્યા છે.પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ગરીબ કલ્યાણ મેળામાં ૨૬ હજાર કરોડના સાધન-સહાય ગરીબ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. સેવા સેતુ કાર્યક્રમ થી લોકોને ઘર આંગણે પોતાના કામો થાય તેવી સુવિધા વિકસાવી છે. સૂર્ય ઉર્જાનો લોકો લાભ લઇ રહ્યા છે. સરદાર સરોવર કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૨૦ લાખથી વધુ પર્યટકોએ મુલાકાત લીધી છે. જેની ટાઈમ્સ મેગેઝીનમાં પણ નોંધ લેવામાં આવી તે આપણા સૌનું ગૌરવ છે. સરદાર સરોવર ઐતિહાસિક જળ સપાટી ૧૩૮.૬૮ મીટર સુધી પહોંચી છે કુદરતે પણ આપણા ઉપર મહેર કરી છે.  સાબરકાંઠા જીલ્લો આદિજાતિ અને વાવો પ્રવાસન સ્થળો તરીકે ઓળખાય છે તેવો ઉલ્લેખ કરી પાલ  દઢવાવના ઇતિહાસને યાદ કરતાં  આદિવાસીઓએ આપેલા બલિદાન યાદ કરી શહિદોને વંદન કર્યા હતા. તેમજ આજ વિસ્તારના એક નાનકડા કોડિયાવાડ ગામના  ૧૨૦૦ સૈનિકો આજે મા ભોમની રક્ષા કાજે સરહદે બહાદુરીપૂર્વક સેવા બજાવી રહ્યા છે તે આપણા સૌનું ગૌરવ છે.  આ જિલ્લાને અમદાવાદ-ઉદેયપુર છ માર્ગીય રસ્તોનો લાભ ટૂંક સમયમાં મળશે. પ્રાંતિજને  રેલવે લાઈનથી જોડતા નવી ઝડપી સેવા મળશે તેવું જણાવ્યું હતું.


    આ પ્રસંગે મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાયેલા ૧૫ ટેબ્લો -સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યા હતા. જિલ્લામાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલા કર્મીઓ તથા રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી દ્વારા પ્રાંતિજ નગર પાલિકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો. જ્યારે ગુજરાત અંબુજા એક્સપોર્ટ કંપની લી. દ્વારા રૂ.૫૧ હજાર કન્યા કેળવણી નિધિનો ચેક મંત્રીશ્રીને અર્પણ કરાયો હતો. મંત્રીશ્રી દ્રારા શ્રેષ્ઠ શાળાના સન્માન અર્થે ચેક અર્પણ કરાયા હતા તથા મંત્રીશ્રી વસાવા દ્રારા રૂ. ૧૦૮૮.૫૦ લાખના લોકાર્પણ અને રૂ. ૭૫૫.૮૮ લાખના ખાતમૂર્હૂતના કામો સાબરકાંઠાની જનતાને ભેટ ધર્યા હતા તેમજ વદરાડ એક્સલેન્સ સેન્ટર ખાતે મંત્રીશ્રી દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


      આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદશ્રી દિપસિંહ રાઠોડ, પ્રાંતિજના ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ કાયદામંત્રીશ્રી વી.ડી.ઝાલા, જિલ્લા સમાહર્તાશ્રી સી.જે. પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલિસ વડા શ્રી ચૈતન્ય માંડલીક,પ્રાંતિજ પ્રાંત અધિકારી શ્રીમતિ સોનલબા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વ્યાસ, અવર ઓન હાઇસ્કૂલના ટ્ર્સ્ટીગણ આચાર્યશ્રી, પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો શાળાના વિધાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.          


*દિગેશ કડીયા*

*હિંમતનગર*

હિંમતનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..