Back

પંચમહાલ જિલ્લામાં ૭૧માં પ્રજાસત્તાક દિનની ગોધરા ખાતે ઉમંગભેર ભવ્ય ઉજવણી કરાઈ

પંચમહાલ.

બ્યુરોચીફ. આમિર દેલોલીયા

રિપોર્ટર. કાદિરદાઢી 

● નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી યોગેશભાઈ પટેલના 

વરદ હસ્તે ધ્વજવંદન.


● મંત્રીના હસ્તે કલેક્ટરને ગોધરા તાલુકાના વિકાસકામો માટે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ.


● નગરજનોએ પરેડ, માર્ચપાસ્ટ, બાઈક શો - ડોગશો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો ઉત્સાહભેર માણ્યા. 

  


૭૧માં પ્રજાસત્તાક દિન નિમિત્તે પંચમહાલ જિલ્લામાં ગોધરાના પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીશ્રીએ ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનમેદનીની હાજરીમાં ભારતની આન, બાન, શાનના પ્રતીક એવો રાષ્ટ્રધ્વજ ફરકાવી, સલામી આપી ધ્વજવંદન કરાવ્યું હતું. 

પ્રજાસત્તાક દિને ઉપસ્થિત પ્રજાજનોને શુભેચ્છાઓ પાઠવતા મંત્રીએ જણાવ્યું હતું કે ગાંધી બાપુના સ્વપ્ન અનુસાર ગરીબ અને નબળા વર્ગના લોકોને વિકાસયાત્રામાં સાથે લઈને ચાલવાની વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ચાલુ કરેલ ઉજ્જવળ પરંપરા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આગળ વધારી છે. ગુજરાતની વિકાસયાત્રાનો ચિતાર આપતા તેમણે જણાવ્યું હતું કે જનહિતલક્ષી નિર્ણયો અને તેના નક્કર અમલીકરણથી પ્રત્યેક વ્યક્તિને પ્રતિતી થઈ રહી છે કે સરકાર તેમની પડખે છે. ખેડૂતો, યુવાનો, વંચિતો, વનબંધુઓ, મહિલાઓ સહિત દરેક વર્ગના લોકો માટે સરકારે દ્રઢતાપૂર્વક સંવેદનશીલ નિર્ણયો લઈને પ્રગતિશીલતાનો પંથ કંડાર્યો છે. કમોસમી વરસાદની સ્થિતમાં ખેડૂતો માટે જાહેર કરેલ રાહત પેકેજ, જળસંચય માટે થયેલ કામગીરી, આરોગ્ય ક્ષેત્રની મા અમૃતમ- મા વાત્સલ્ય યોજના, દરેક ઘરને નળજોડાણની ગેરંટી આપતી નળ સે જળ યોજન, હાઉસિંગ ફોર ઓલ યોજના, રોજગાર ભરતી મેળાઓ, ગરીબ કલ્યાણ મેળાઓ સહિતની પહેલોએ પ્રજાજનોને સુશાસનની પ્રતિતી કરાવી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દેશની એકતા-અખંડિતતા તેમજ નાગરિકોની સુરક્ષા અને સમૃધ્ધિ સુનિશ્ચિત કરવી સરકારની પ્રથમ પ્રાથમિકતા છે.    

સેવાસેતુ કાર્યક્ર્મ અંતર્ગત 1.53 કરોડ જેટલા નાગરિકોને 57થી વધુ સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરકારે અસરકારક વહીવટ અને ભષ્ટ્રાચાર પર લગામ કસીને પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર પાયા પર પરિણામલક્ષી પગલા લીધા છે. 

આ વિકાસયાત્રામાં પંચમહાલ જિલ્લો પણ કદમથી કદમ મિલાવી રહ્યો છે તેમ જણાવતા જિલ્લામાં થયેલા વિકાસકાર્યોની રૂપરેખા આપી હતી. ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ જિલ્લામાં 24,680 નિરાધાર વિધવા બહેનોને સહાય આપવા થયેલી કામગીરીના વિશેષ ઉલ્લેખ સાથે મંત્રીએ સરાહના કરી હતી. આ ઉપરાંત, બેટી બચાવો બેટી પઢાવો તથા ફીટ ઈન્ડિયાની થીમ પર યોજાયેલ પંચમહોત્સવ-2019નું આયોજન લોકોને મનોરંજન સાથે ઉપયોગી સંદેશ આપવામાં સફળ રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.   

આ અગાઉ મંત્રી યોગેશભાઈ પટેલે ધ્વજવંદન બાદ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપતા ૧૬ જેટલા ટેબ્લોનું મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું, જેને ઉપસ્થિત મહાનુભાવો સહિત પ્રજાજનોએ પણ ભારે રસપૂર્વક નિહાળ્યું હતું.  

આ પ્રસંગે જિલ્લાની ૧૨ પ્લાટુનના ૨૪૪ જવાનોની પરેડ કમાન્ડર પ્રોબેશનરી ડિ.વાય.એસ.પી. સુશ્રી હિમાલા જોષીના નેતૃત્વ હેઠળ શાનદાર પરેડ યોજાઈ હતી. પોલિસ બેન્ડની સુમધુર સુરાવલીઓ સાથે તાલ મિલાવતી પ્રભાવશાળી માર્ચ પાસ્ટને ઉપસ્થિત પ્રજાજનોએ હર્ષનાદથી વધાવી લીધી હતી. આ પ્રસંગે જિલ્લાની 8 શાળાના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓએ દેશભક્તિ નૃત્યો, આદિવાસી નૃત્યો, લેઝિમ ડાન્સ સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની મનમોહક પ્રસ્તુતિ કરી સૌના દિલ જીતી લીધા હતા. ઉપરાંત, પોલિસ જવાનો દ્વારા યોજાયેલ ડોગ-શો અને બાઈકસવારોના અદભુત સ્ટંટે લોકોને રોમાંચિત કર્યા હતા.   

આ પ્રસંગે મંત્રીએ જિલ્લા કલેક્ટર અમિત અરોરાને ગોધરા તાલુકાના વિકાસ હેતુ રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો. તેમણે શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન દાખવનારા રમતવીરો અને તેજસ્વી વિદ્યાર્થીઓ સહિત કુલ ૩૦ વ્યક્તિઓને પ્રશસ્તિપત્રો એનાયત કર્યા હતા.  આ ઉપરાંત, ટેબ્લો નિદર્શનમાં પ્રથમ ક્રમે રહેલા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દ્વિતીય ક્રમે રહેલ પ્રાયોજના વહીવટદાર કચેરી, અને તૃતીય ક્રમે રહેલ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારી કચેરીને તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિમાં પ્રથમ ક્રમે રહેલ આચાર્ય નરેન્દ્ર દેવ ગર્લ્સ હાઈસ્કૂલ, દ્વિતીય ક્રમે રહેલ કે.જી.બી.વી. ચંચોપા અને તૃતીય ક્રમે આવનાર ગોધરાની કલરવ હાઈસ્કૂલને મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મેડલ્સ અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.     

  પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં  જિલ્લા પંચાયત પ્રમુખ  રાજપાલસિંહ જાદવ, ડિ.આઈ.જી.પી  એમ.એસ. ભરાડા, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ, જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલ, નાયબ વન સંરક્ષક ડો. જી.એસ.સિંઘ, ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ.એલ.નલવાયા સહિતના અધિકારીઓ-જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, મહાનુભાવો, આમંત્રિતો, શહેરીજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સહભાગી થઈને ભારે ઉત્સાહપૂર્વક  રાષ્ટ્રીય પર્વ મનાવ્યો હતો.